બિઝનેસ Archives - Anant Post

October 14, 2026
Screenshot-2026-10-14-084838.png
2min21
  • ટેક્સટાઇલ વેપારીઓનો માલ સમયસર અને નિર્વિધ્ને ખરીદાર સુધી પહોંચે તે માટે
  • FOSTAની રેલવે અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે બેક ટુ બેક મિટીંગો

મંગળવાર, ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે FOSTAના બોર્ડરૂમમાં FOSTAના હોદ્દેદારો, રેલવે અધિકારીઓ અને સુરત ટેક્સટાઇલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે સુરતના ટેક્સટાઇલ વેપારીઓનો માલ તેમના ખરીદારો સુધી સમયસર અને નિર્વિધ્ને પહોંચે તે માટે બેક ટુ બેક મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી.

આ બેઠકમાં સુરતના કાપડના વેપારીઓને રેલવે દ્વારા માલસામાનના પરિવહનમાં પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરીને તેને ઉકેલો સૂચવવામાં આવ્યા હતા. ખાસ કરીને માલની સુરક્ષા, સમયસર ડિલિવરી અને પરિવહન સેવાઓની નિયમિતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ફોસ્ટા પ્રમુખ હંસરાજ જૈન, સેક્રેટરી દિનેશ કટારીયા સહિતના આગેવાનો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વેપારીઓનો માલ સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ રાજ્યોમાં પાર્સલ પરિવહન માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી બે નિયમિત ટ્રેનો ચલાવવી જોઈએ. વધુમાં, ટ્રેનોમાં ટ્રેકિંગ સિસ્ટમ લાગુ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી વેપારીઓ તેમના માલસામાનની સ્થિતિ સરળતાથી જાણી શકે. એવું નોંધવામાં આવ્યું હતું કે રેલવે પાર્સલ સેવાઓના નિયમિત સંચાલનથી પ્રદૂષણમાં ઘટાડો, પરિવહન ખર્ચમાં ઘટાડો અને સમયની બચત જેવા મુખ્ય લાભો મળી શકે છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ આ બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરશે અને જરૂરી નિર્ણયો લેશે.

આ ઉપરાંત, FOSTAએ વેપારીઓ અને પરિવહન ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જે નીચે મુજબ છે:

૧. ઓનલાઇન LR (બિલ્ટી/કન્સાઇનમેન્ટ નોટ) સિસ્ટમનો અમલ

FOSTAએ તમામ ટ્રાન્સપોર્ટરોને આધુનિક યુગ સાથે કદમ મિલાવવા અને ઓનલાઇન LR (બિલ્ટી) સિસ્ટમની સુવિધા માટે સોફ્ટવેર વિકસાવવા અનુરોધ કર્યો હતો. આનાથી વેપારીઓ ઝડપથી કન્સાઇનમેન્ટ નોટ મેળવી શકશે, જેનાથી માલની ડિલિવરીની પ્રક્રિયા સરળ અને વધુ અનુકૂળ બનશે.

૨. રિટર્ન બુકિંગ ચાર્જિસ (માલ પરત મોકલવાના ખર્ચ) અંગેની બાબત

ઘણા વેપારીઓએ મુદ્દો ઉઠાવ્યો હતો કે પરત કરવામાં આવતા માલ પર વસૂલવામાં આવતું ભાડું સામાન્ય દરો કરતા ૩ થી ૪ ગણું વધારે હોય છે. તેના જવાબમાં, ટ્રાન્સપોર્ટ એસોસિએશને જણાવ્યું હતું કે જો કોઈ વેપારી તાત્કાલિક માલ પરત કરે – અને ભલે ડિમરેજ (વિલંબ) ચાર્જ લાગુ પડે – તો પણ ખર્ચ પ્રમાણભૂત દરના ૩ થી ૪ ગણા સુધી પહોંચતો નથી; તેમણે વેપારીઓને આવી કોઈપણ ઘટનાની જાણ એસોસિએશનને કરવા વિનંતી કરી હતી.

૩. પાર્સલ વીમા માટે અપીલ

પરિવહન ક્ષેત્રના પ્રતિનિધિઓએ તમામ કાપડના વેપારીઓને તેમના પાર્સલનો યોગ્ય વીમો લેવા માટે અપીલ કરી હતી. આનાથી પરિવહન દરમિયાન અકસ્માત કે માલના નુકસાનના કિસ્સામાં નિયમો અનુસાર ક્લેમ (દાવા)ની પ્રક્રિયા સરળ બનશે.

  1. માલસામાન ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં મૂકવા અંગે ચર્ચા

FOSTA (ફોસ્ટા) દ્વારા પરિવહન માધ્યમથી મોકલવામાં આવતા માલસામાન માટે ટ્રેકિંગ સિસ્ટમ દાખલ કરવાનો મુદ્દો ખાસ રીતે ઉઠાવવામાં આવ્યો હતો. આવી સિસ્ટમ વેપારીઓને તેમના માલસામાન (શિપમેન્ટ)ની વર્તમાન સ્થિતિ (રિયલ-ટાઇમ સ્ટેટસ) પર નજર રાખવામાં અને ડિલિવરી અંગેની અનિશ્ચિતતા ઘટાડવામાં મદદરૂપ થશે. પરિવહન ક્ષેત્રના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે આ અંગે ટૂંક સમયમાં જ કોઈ ઉકેલ લાવવામાં આવશે.

આજની બેઠકમાં FOSTAના ચેરમેન કૈલાશ હકીમ, પ્રમુખ હંસરાજ જૈન, મહામંત્રી દિનેશ કટારિયા, ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દીપચંદ ચૌધરી તેમજ ડિરેક્ટરો સુરેશ મોદી, સુનિલ ગોયલ અને નવલ સોની ઉપસ્થિત રહ્યા હતા. રેલવેનું પ્રતિનિધિત્વ આકાંક્ષા સિંહ (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર – ટિકિટ ચેકિંગ અને ફ્રેટ માર્કેટિંગ), અમિત કરવંદે (આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર – પેસેન્જર માર્કેટિંગ), ગણેશ જાધવ (ચીફ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર, સુરત) અને પ્રીતિ પટેલ (માર્કેટિંગ ઇન્સ્પેક્ટર) દ્વારા કરવામાં આવ્યું હતું. પરિવહન ક્ષેત્રનું પ્રતિનિધિત્વ પ્રમુખ યુવરાજજી દેસલે, મહામંત્રી નેહલજી બુદ્ધદેવ અને સેક્રેટરીઓ બલવંતજી, નીરજ સિંહ તથા રાજેશજી પીપાવાલાએ કર્યું હતું.

October 12, 2026
Anant-Thumb-nail-image-1-1280x676.jpg
2min18

Dt.05/10/2026

ભારતીય જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા સુરતના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે ‘ઉન્નતિ – જેમ્સ એન્ડ જ્વેલરીમાં મહિલાઓનું સશક્તિકરણ’ રાષ્ટ્રીય અભિયાનનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ વર્ષ 2047 સુધીના પ્રધાનમંત્રીશ્રીના ‘વિકસિત ભારત’ના વિઝનને અનુરૂપ આ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અને લીડરશિપને મજબૂત કરવાનો છે.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

આ લોંચ સમારોહમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભણસાળી સહિત ઉદ્યોગના દિગ્ગજ આગેવાનો અને અંદાજે 1,100થી વધુ મહિલાઓ (ગૃહિણીઓ, વિદ્યાર્થીનીઓ અને વ્યાવસાયિકો) આ કાર્યક્રમમાં જોડાઈ હતી.

મુખ્ય આકર્ષણો અને લક્ષ્યાંકો

  • વર્કશોપથી બોર્ડરૂમ સુધી સહભાગિતા: આ રાષ્ટ્રીય અભિયાનનો ઉદ્દેશ જેમ્સ એન્ડ જ્વેલરીની વેલ્યુ ચેનમાં મહિલાઓને કુશળ વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો અને ભવિષ્યની લીડર તરીકે તૈયાર કરવાનો છે.
  • પ્રથમ તબક્કાની તાલીમ: ઉન્નતિના પ્રથમ તબક્કામાં કૌશલ્ય તાલીમ માટે ઓછામાં ઓછી 200 મહિલાઓની નોંધણી કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ડાયમન્ડ એસોર્ટર, જ્વેલરી ડિઝાઇનર (CAD/હેન્ડ સ્કેચ), સેટર અને પોલિશર જેવા વિશેષ જોબ રોલ્સ સામેલ છે.
  • મહિલા રત્ન કલાકારો માટે મેડિકલ વીમા કવચ: GJEPC દ્વારા ‘રત્ન કલાકાર પરિચય કાર્ડ’ પહેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં 1,000 મહિલા રત્ન કલાકારોને ૧ લાખ રૂપિયા સુધીનું ફ્રી મેડિકલ વીમા કવચ અને પરિચય કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  • વિકાસના પાંચ સ્તંભો: આ અભિયાન પ્રેરક અને જોડાણ, વિકાસ અને સક્ષમતા, જોડાણ અને સહયોગ, સક્ષમતા અને વેગ, તેમજ પરિવર્તન અને નેતૃત્વ જેવા પાંચ મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે.

ઉન્નતિ એવોર્ડ્સ દ્વારા સન્માન

કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કંપનીઓ અને મહિલા એચિવર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. વીમેન વર્કફોર્સ ચેમ્પિયન માટે ‘હાઉસ ઓફ શાહ’, વીમેન કેરિયર એડવાન્સમેન્ટ માટે ‘ડેરેવાલા ઇન્ડસ્ટ્રીઝ’ અને વીમેન સ્કિલિંગ માટે ‘ગ્રીનલેબ ડાયમન્ડ્સ’ જેવી અગ્રણી કંપનીઓને એવોર્ડ એનાયત થયા હતા. સાથે જ 50 જેટલી કંપનીઓ દ્વારા નોમિનેટ થયેલી કુશળ મહિલાઓનું વિશેષ સન્માન કરાયું હતું.

આગામી સમયમાં આ અભિયાનને માત્ર સુરત પૂરતું મર્યાદિત ન રાખતાં ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો તેમજ દેશભરના અન્ય જેમ્સ એન્ડ જ્વેલરી ક્લસ્ટરો સુધી વિસ્તૃત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તાલીમ અને મેન્ટરશીપ માટે રસ ધરાવતી મહિલાઓ ಅಧಿಕೃತ વેબસાઇટ unnati.gjepc.org પર નોંધણી કરી શકે છે.

September 14, 2026
Ashok-jirawaa-global-expo-1280x853.jpeg
1min68

રોજ 6 કરોડ મીટર ગ્રે કાપડનું ઉત્પાદન કરતી સુરતની વિવિંગ ઇન્ડસ્ટ્રી પર કોસ્ટિંગનો માર; ફોગવાની વિવરોને 15થી 20% ભાવવધારાની અપીલ

સુરત, તા.14

દેશ-વિદેશના ટેક્સટાઇલ માર્કેટને દરરોજ કરોડો મીટર કાપડ પૂરું પાડતા સુરતના વિવિંગ ઉદ્યોગ સામે હવે ઉત્પાદન વધારવા કરતાં ઉત્પાદન ખર્ચ અને વેચાણભાવ વચ્ચેનું સંતુલન જાળવવાનો પડકાર ઊભો થયો છે. યાર્નના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પ્રોસેસિંગના જોબ ચાર્જમાં પણ વધારો થયો છે, પરંતુ તેની સામે ગ્રે કાપડના વેચાણભાવમાં અપેક્ષિત વધારો નહીં થતાં વિવરોનું માર્જિન સતત દબાઈ રહ્યું છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલા વિવિંગ કારખાનેદારો દ્વારા દરરોજ અંદાજે 6 કરોડ મીટર ગ્રે કાપડનું ઉત્પાદન થાય છે. પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ સહિતના યાર્નમાંથી તૈયાર થતું આ ગ્રે કાપડ દેશના વિવિધ ટેક્સટાઇલ કેન્દ્રો ઉપરાંત વિશ્વના અનેક બજારો સુધી પહોંચે છે. સુરતનું વિવિંગ સેક્ટર એટલે માત્ર સ્થાનિક ઉત્પાદનનું કેન્દ્ર નહીં, પરંતુ દેશ અને દુનિયાની ટેક્સટાઇલ સપ્લાય ચેઇનનું એક મહત્વનું હબ છે.

પરંતુ હાલમાં આ જ વિશાળ ઉત્પાદન ક્ષમતા વિવરો માટે પડકાર બની રહી છે. યાર્નના ભાવ વધે ત્યારે તેની સીધી અસર કાપડની કોસ્ટિંગ પર પડે છે. યાર્ન ઉત્પાદન ખર્ચનો મુખ્ય હિસ્સો હોવાથી તેમાં થતો વધારો વિવિંગ યુનિટની સમગ્ર કોસ્ટિંગને ઊંચી લઈ જાય છે. બીજી તરફ બજારમાં તૈયાર ગ્રે કાપડ જૂના ભાવે વેચાતું રહે તો વધેલી કોસ્ટ અને વેચાણભાવ વચ્ચેનું અંતર વિવરોના નફામાંથી જ ભરપાઈ કરવું પડે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા વિવરોને હવે જૂના ભાવે ગ્રે કાપડ નહીં વેચવા અને વધેલા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને 15થી 20 ટકા ભાવવધારો કરીને જ માલ વેચવા અપીલ કરવામાં આવી છે.

ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે યાર્ન સહિતના ઇનપુટ કોસ્ટમાં વધારો થયા બાદ જૂના ભાવે ગ્રે કાપડ વેચવાથી વિવરો માટે ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે ઉત્પાદન સાથે સંકળાયેલા અન્ય ખર્ચ પણ સતત વધી રહ્યા હોય ત્યારે માત્ર યાર્નના ભાવવધારાનો બોજ વિવરો સહન કરી શકે તેવી સ્થિતિ નથી.

વિવરોની મુશ્કેલીમાં વધુ વધારો પ્રોસેસિંગ જોબ ચાર્જમાં થયેલા તાજેતરના વધારાથી થયો છે. ગ્રે કાપડ તૈયાર થયા બાદ પ્રોસેસિંગ માટે ચૂકવવાનો ખર્ચ વધતાં સમગ્ર ઉત્પાદનની અંતિમ કોસ્ટ વધુ ઊંચી થઈ છે. એટલે યાર્નથી લઈને ગ્રે કાપડ અને ત્યારબાદ પ્રોસેસિંગ સુધી ટેક્સટાઇલ ચેઇનના અલગ-અલગ તબક્કે ખર્ચ વધી રહ્યો છે.

આ સંજોગોમાં ફોગવાનો ભાવવધારાનો સંદેશ સ્પષ્ટ છે—કોસ્ટ વધે અને ભાવ ન વધે તો ઉત્પાદનનું પ્રમાણ મોટું હોવા છતાં નફો બચતો નથી. રોજ 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતી ઇન્ડસ્ટ્રીમાં વિવરોને માત્ર મશીનો ચલાવવાનો નહીં, પરંતુ આર્થિક રીતે ટકાઉ ભાવે ઉત્પાદન કરવાનો અવકાશ મળવો જરૂરી છે.

સુરતના વિવિંગ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ગ્રે કાપડના ભાવમાં સુધારો થાય છે કે નહીં તે મહત્વનું બની રહેશે. કારણ કે યાર્ન અને અન્ય ઇનપુટના ભાવમાં વધારો ચાલુ રહે અને ગ્રે કાપડના ભાવ સ્થિર રહે તો તેની સીધી અસર વિવિંગ યુનિટોના માર્જિન પર પડશે. બીજી તરફ ભાવવધારો બજાર સ્વીકારશે તો વધેલા ઉત્પાદન ખર્ચને સરભર કરવાની વિવરોને રાહત મળી શકે છે.

છ કરોડ મીટર દૈનિક ઉત્પાદન કરતું સુરતનું વિવિંગ સેક્ટર દેશ-વિદેશની ટેક્સટાઇલ જરૂરિયાત પૂરી કરી રહ્યું છે, પરંતુ હવે આ ઉત્પાદનની પાછળ રહેલા વિવરો માટે “વોલ્યુમ” કરતાં “વાજબી માર્જિન” વધુ મોટો પ્રશ્ન બની ગયો છે.

September 8, 2026
FSTL8172.JPG-1280x853.jpeg
1min118
  • સુરતના હીરા ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવતા કુત્રિમ હીરાના ઉત્પાદકો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિમાં
  • મંદીનો માહોલ નથી છતાં પોલિશ્ડ લેબગ્રોનના ભાવ વધતા નથી, બીજી તરફ લેબગ્રોન રફ ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે

તા.7, આજે સોમવારે સાંજે કતારગામ, આંબાતલાવડી સ્થિત પાટીદાર વાડી ખાતે યોજાયેલા લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગની ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા મોટા ભાગના ઉત્પાદકો, કટ એન્ડ પોલિશ્ડ કરતા કારખાનેદારો, વેપારીઓ અને દલાલોની ઉપસ્થિતિ વચ્ચે પોલિશ્ડ (તૈયાર) લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકાનો વધારો કરવાનો સામૂહિક અને સર્વસંમત નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલ તા.8મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે પોલિશ્ડ લેબગ્રોન ખરીદનારા વેપારીઓ, ઝવેરાત ઉત્પાદકોને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધારા અંગે વિધિવત રીતે જાણ કરવામાં આવશે.

લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના સ્નેહ મિલન કમ જાહેર મિટીંગમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાગાણી, ઉપપ્રમુખ હરેશ નારોલા સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે એક તરફ રફ લેબગ્રોન ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે અને ચીનથી આયાત થતાં રફ ડાયમંડમાં તો છાશવારે વધારો થાય છે. બીજી તરફ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી. આગેવાનોએ ત્યાં સુધી કહ્યું કે એવું પણ નથી કે બજારમાં લેબગ્રોનની ડિમાંડ નથી કે મંદીનો માહોલ છે. કોઇપણ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિ ન હોવા છતાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ વધતા નથી, તેની પાછળ રહેલા કારણોની આ મિટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે એવો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં 20 ટકા સુધીનો વધારો કરવો. જે તે કેરેટ, ક્લેરિટી, પ્યોરિટી, કલર વગેરે જોઇને પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવમાં સરવાળે 20 ટકાનો વધારો કરવો.

લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને સંગઠન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની તાકીદે જાણ કરવી. લેબગ્રોન ડાયમંડ એસોસીએશને હીરાની દલાલી કરતા વ્યવસાયિકોને પણ અપીલ કરી હતી કે જ્યારે પણ તેઓ ગ્રાહકને પોલિશ્ડ લેબગ્રોન બતાવવા જ્યાર ત્યારે ભાવમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી નહીં અને બજારભાવ કરતા 20 ટકા ભાવ વધારીને જ કિંમત કહેવી.

અન્ય મહત્વના નિર્ણય અંગે લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી અને હરેશ નારોલાએ જણાવ્યું કે હાલમાં જે 7 ટકા વટાવનો ધારો ચાલી આવે છે તે પણ વેચનારાઓ માટે નુકસાની સમાન છે. 7 ટકા વટાવને બદલે હવેથી માત્ર 4 ટકા વટાવ કાપવાનો ધારો તાત્કાલિક અસરથી અમલી બનાવવા માટે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક આગેવાનો સર્વ બાબુભાઇ વાઘાણી, પ્રમુખ, લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, હરેશ નારોલા, ઉપપ્રમુખ લેબગ્રોન ડાયમંડ એસોસીએશન, જયેશ લાઠીયા, અજય દરેડ, પિયુષ સુદાણી, મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ), કેશુભાઇ ગોટી, ચિરાગ શાહ સહિતના આગેવાનોએ વર્તમાન પરિસ્થિતિમાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને ટકાવી રાખવા સંતુલન જાળવી રાખવા માટે શું કરવું એ અંગે જુદા જુદા વિષયો પર ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

September 2, 2026
Web-logo-Anantpost.jpg
1min93

વૈશ્વિક બજારમાં વ્યાજદરો, ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ફેરફારોને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં વેચવાલીના ભારે દબાણ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાતા રોકાણકારોમાં ધ્રાસકો પડ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ બંને કિંમતી ધાતુઓમાં 6% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

સોનાનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 151729.00 હતો. આજે સોનું 150033.00 ના ભાવ પર ઓપન થયું હતું અને ટ્રેડિંગ દરમિયાન 149665.00 ની નીચલી સપાટી સુધી પહોંચી ગયું હતું. દિવસ દરમિયાન સોનામાં ₹2,000 થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

ચાંદી (Silver December Future): ચાંદીનો અગાઉનો બંધ ભાવ (Prev. Close) 235441.00 હતો. આજે ચાંદી 232536.00 ની નીચી સપાટી પર ઓપન થઈ હતી અને ઘટાડો વધીને 231914.00 ના લેવલ સુધી પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં ₹3,500 થી વધુનો કડાકો નોંધાયો હતો.

સોના-ચાંદીના ભાવ ઘટવાના મુખ્ય કારણો

યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં ઉછાળો: અમેરિકી ડોલર ઇન્ડેક્સ 99 ની ઉપર પહોંચી ગયો છે અને 10-વર્ષની યુએસ બોન્ડ યીલ્ડ 4.80% ને વટાવી ગઈ છે. સોનું અને ચાંદી નોન-યીલ્ડીંગ એસેટ હોવાથી, બોન્ડ યીલ્ડ વધતાં રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં ખેંચી રહ્યા છે.

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ફુગાવાની ચિંતા: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ (WTI Crude) $96 પ્રતિ બેરલને વટાવી ગયા છે. ક્રૂડ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારી) વધવાની ભીતિ સર્જાઈ છે.

વ્યાજદરમાં કપાત વિલંબિત થવાની આશંકા: સતત વધી રહેલા ફુગાવાના કારણે યુએસ ફેડરલ રિઝર્વ અને અન્ય મધ્યસ્થ બેંકો વ્યાજદરમાં ઝડપી ઘટાડો નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની છે. લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રહેવાની ધારણાથી સોના-ચાંદી પર દબાણ વધ્યું છે.

સેફ-હેવન માગ પર મજબૂત ડોલર ભારે પડ્યો: સામાન્ય રીતે ભૌગોલિક તણાવ સમયે સોનામાં સુરક્ષિત રોકાણ (Safe-Haven Demand) વધતું હોય છે, પરંતુ અત્યારે મજબૂત ડોલર અને બોન્ડ યીલ્ડનો પ્રભાવ એટલો વધારે છે કે સેફ-હેવન ખરીદી પણ ભાવને તૂટતા રોકી શકી નથી.

August 29, 2026
image-33-1280x720.png
1min76

ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગની કહાની છેલ્લા એક દાયકામાં ઝડપથી બદલાઈ છે. આજે દેશમાં ઉપયોગમાં લેવાતા 99.2 ટકા મોબાઇલ ફોન ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, 2025માં સ્માર્ટફોનમાં ભારતની સૌથી મોટી એક્સપોર્ટ કેટેગરી દેશ બની ગયો હતો.આ ચોક્કસથી એક મોટી સફળતા છે પણ આ પાછળ એક માઈનસ પોઈન્ટ પણ છે. ભારત સ્માર્ટફોનના અલગ અલગ પાર્ટ્સ તૈયાર કરી રહ્યો છે પણ પોતાનો કોઈ સ્માર્ટ હજુ સુધી માર્કેટમાં મૂક્યો નથી. હજુ સુધી કોઈ સ્માર્ટફોન બ્રાંડ બની નથી જે ગ્લોબલ લેવલ પર વીવો, સેમસંગ જેવી કંપનીઓને હંફાવી શકે. આ દિશામાં ભારત સરકાર એક મોટું પગલું લઈ રહી છે. ભારતે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, પરંતુ અહીં એક મોટો પડકાર હજુ પણ યથાવત છે.

સરકારે તાજેતરમાં ₹62,500 કરોડની મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમની જાહેરાત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ માત્ર ભારતમાં વિદેશી કંપનીઓ માટે ફોન એસેમ્બલ કરવાનો નથી.સરકાર ઈચ્છે છે કે, ભારતીય કંપનીઓ ભારતમાં જ સ્માર્ટફોન ડિઝાઇન કરે, પોતાના પેટન્ટ વિકસાવે, ટેક્નોલોજી પર કામ કરે અને પોતાનો બ્રાન્ડ ઊભી કરે. અર્થાત્, હવે લક્ષ્ય માત્ર ‘Made in India’ નહીં, પરંતુ ‘Designed in India’ અને ‘Branded in India’ તરફ આગળ વધવાનું છે. ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવના મતે, વર્ષ 2027ના મધ્ય સુધીમાં ભારતને પોતાનો પહેલો મજબૂત સ્વદેશી સ્માર્ટફોન બ્રાન્ડ મળી શકે છે. આ યોજના હેઠળ પાત્ર ભારતીય બ્રાન્ડ્સને યોગ્ય વેચાણ પર 5 ટકા ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત, કંપની પોતાનું ઇન-હાઉસ ડિઝાઇન હબ વિકસાવે તો તેને વધારાનો 3 ટકા લાભ મળી શકે છે.

સરકાર ખાસ કરીને એવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગે છે, જેમાં ઓછામાં ઓછો 51 ટકા માલિકીભાગ ભારતીયોનો હોય. આજે જ્યાં Xiaomi, Vivo, Oppo અને Samsung જેવા બ્રાન્ડ્સનું સ્માર્ટફોન માર્કેટમાં મોટું વર્ચસ્વ છે, ત્યાં લગભગ એક દાયકા પહેલાં સ્થિતિ અલગ હતી. Micromax, Lava અને Intex જેવી ભારતીય કંપનીઓ ભારતીય બજારમાં મજબૂત હાજરી ધરાવતી હતી. 2015ની આસપાસ ભારતીય બ્રાન્ડ્સની સંયુક્ત બજાર ભાગીદારી લગભગ 35 ટકા સુધી પહોંચી હતી. Micromax તો તે સમયે Samsungને સીધી ટક્કર આપતી ભારતીય બ્રાન્ડ માનવામાં આવતી હતી.પરંતુ ત્યારબાદ Xiaomi, Vivo અને Oppo જેવી ચીનની કંપનીઓએ ભારતીય સ્માર્ટફોનના માર્કેટનું ગણિત જ બદલી નાખ્યું. એક જ ફોનમાં તમામ પ્રકારના ફીચર, ફીચર ન મળે તો એને સપોર્ટિંગ વસ્તુ આપીને મોનોપોલી તોડી નાંખી.

મજબૂત સપ્લાય ચેઇન, આક્રમક કિંમતો અને વધુ સારા સ્પેસિફિકેશન્સ સાથે ભારતીય ગ્રાહકોને આકર્ષ્યા. ઓછા બજેટમાં તમામ પ્રકારની સુવિધા, સારો કેમેરો અને સ્પેસના ફીચરના પરિણામે ભારતીય કંપનીઓ ધીમે ધીમે સ્પર્ધામાં પાછળ પડવા લાગી. આ સિવાય વધુ સ્મુથ એવેલેબિલિટી મળતા ગ્રાહકોને આ પસંદ પડ્યું અને ભારતીય ફોનની માર્કેટ પડી ગઈ. માત્ર હાર્ડવેર જ નહીં, પરંતુ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સોફ્ટવેર અને નિયમિત અપડેટ્સ જેવા ક્ષેત્રોમાં પણ ભારતીય બ્રાન્ડ્સ પાછળ રહી ગઈ. પરિણામે 2020ની શરૂઆત સુધીમાં ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ્સની બજાર ભાગીદારી 1 ટકાથી પણ ઓછી રહી ગઈ હતી. તે સમયે ભારતીય કંપનીઓ પાસે મોટા પાયે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા પણ ન હોતી. પરંતુ હવે પરિસ્થિતિ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસ્યું છે અને વૈશ્વિક કંપનીઓ માટે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ઊભી થઈ છે.

નવી સરકારી નીતિનો સૌથી મોટો ફાયદો ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ Lavaને મળી શકે છે. ઘણા પડકારો છતાં Lava ભારતીય બજારમાં ટકી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી બજેટ સેગમેન્ટમાં ફરી પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોન માર્કેટમાં Lavaની ભાગીદારી લગભગ 2 ટકા સુધી પહોંચી છે અને તેમાં વાર્ષિક 40થી 50 ટકાની ઝડપે વૃદ્ધિ થઈ રહી છે. Lava હવે માત્ર ફોન એસેમ્બલ કરવા પૂરતું સીમિત રહેવા માંગતું નથી. કંપની ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ જેવા મહત્વના ઘટકોમાં લગભગ ₹1,100 કરોડનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. જો આ રોકાણ સફળ થાય, તો કંપનીને સ્માર્ટફોનના મહત્વના ઘટકો પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે.

રસપ્રદ વાત એ છે કે Micromaxની મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ ફરીથી પ્રોડક્શન શરૂ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. જોકે ભારતમાં ફોન બનાવવો હવે શક્ય બન્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરનો બ્રાન્ડ બનાવવો હજુ પણ મોટો પડકાર છે. Samsung અને Xiaomi જેવી કંપનીઓ પાસે વર્ષોના સોફ્ટવેર અનુભવ, કેમેરા ટેક્નોલોજી, R&D અને વૈશ્વિક સર્વિસ નેટવર્કની તાકાત છે.પણ ગ્રાહકોનો ભરોસો જીતવો એ મોટો પડકાર છે. ભારતીય બ્રાન્ડ્સે માત્ર સારો ફોન બનાવવાનો નથી, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જીતીને તેમને સ્થાપિત બ્રાન્ડ્સમાંથી પોતાના તરફ વાળવાના છે. સ્માર્ટફોન માર્કેટમાં નવા ખરીદદારોની સંખ્યા હવે અગાઉની જેમ ઝડપથી વધી રહી નથી. એટલે ભારતીય બ્રાન્ડ્સ માટે વૃદ્ધિ મેળવવા માટે માત્ર નવા ગ્રાહકો પર આધાર રાખવો મુશ્કેલ રહેશે.

August 24, 2026
image-29-1280x768.png
1min74

દેશભરમાં આગામી મહિનાથી બૅંક કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરવા જઈ રહ્યા છે, જેના કારણે બૅંકિંગ સેવાઓ પર મોટી અસર પડી શકે છે. યુનાઈટેડ ફોરમ ઓફ બૅંક યુનિયન્સ (UFBU) એ પરફોર્મન્સ લીન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI) અને 5 દિવસના બૅંકિંગ કામકાજના દિવસો(5-Day Banking)ની માંગ સાથે હડતાળની જાહેરાત કરી છે. જેના કારણે બૅંક ગ્રાહકોને સપ્ટેમ્બર અને ઑક્ટોબર મહિનામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કર્મચારીઓ અને અધિકારીઓના મુખ્ય સંગઠન UFBU એ ત્રણ તબક્કામાં દેશવ્યાપી હડતાળ યોજવાનું આયોજન કર્યું છે.

  • પ્રથમ તબક્કો
    (11 સપ્ટેમ્બર): દેશભરમાં 11 સપ્ટેમ્બરે એક દિવસની હડતાળ રહેશે. આ સમયગાળા દરમિયાન શનિવાર અને રવિવારની રજાઓ આવતી હોવાથી બૅંકો સતત 3 દિવસ બંધ રહેશે.
  • બીજો તબક્કો
    (28, 29 અને 30 સપ્ટેમ્બર): સપ્ટેમ્બરના અંતમાં કર્મચારીઓ સતત 3 દિવસ હડતાળ પર રહેશે. શનિવાર-રવિવારની રજાઓ ઉમેરીને બૅંકો સતત 5 દિવસ માટે બંધ રહેશે.
  • ત્રીજો તબક્કો
    (26 ઑક્ટોબરથી): જો સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે, તો 26 ઑક્ટોબરથી અનિશ્ચિત મુદતની દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.

5 દિવસનું બૅંકિંગ (5-Day Banking Week): 8 માર્ચ 2024ના રોજ થયેલા 12મા દ્વિપક્ષીય કરારમાં સોમવારથી શુક્રવાર સુધી રોજનો કામકાજનો સમય 40 મિનિટ વધારીને 5 દિવસનું બૅંકિંગ લાગુ કરવા સહમતિ બની હતી. જોકે, હજુ સુધી સરકારની મંજૂરી બાકી છે.

સંશોધિત PLI સ્કીમનો વિરોધ: યુનિયનોનો આરોપ છે કે, નવી PLI (Performance Linked Incentive) સ્કીમમાં મોટા અધિકારીઓ અને સામાન્ય કર્મચારીઓ વચ્ચે મોટો તફાવત રાખવામાં આવ્યો છે, જે ભેદભાવપૂર્ણ છે.

રાષ્ટ્રીયકૃત બૅંકની વિવિધ બ્રાન્ચના કામકાજ પર અસર પડી શકે તેમ હોવાથી ગ્રાહકોને પોતાના જરૂરી કામ સમયસર પતાવી લેવા વિનંતી કરવામાં આવી છે.

August 19, 2026
sgcci-yarn-expo-26-1280x449.jpeg
1min68
  • નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યાર્ન એક્સ્પોની 8મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન: ચીન સહિત દેશભરમાંથી 88 એક્ઝિબિટર્સ ભાગ લેશે
  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને અદ્યતન ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા આયોજન: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
  • દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત અને બાંગ્લાદેશના ડેલિગેટ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે
  • કોટન, સિલ્કથી લઈને ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ સ્પેશ્યાલિટી યાર્નનું એક જ છત નીચે પ્રદર્શન
  • સુરતના વિવર્સ નવા યાર્નમાંથી ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ બનાવી એક્સપોર્ટ વધારી શકશે: ગિરધરગોપાલ મુંદડા

સુરત, 19 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) તથા ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર (GFRRC)ના સંયુક્ત ઉપક્રમે તા. 21, 22 અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે ‘યાર્ન એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગ્લોબલ બાયર્સ અને 88 એક્ઝિબિટર્સની સહભાગિતા: અશોક જીરાવાલા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થાય અને ઉત્પાદકોને યાર્ન પ્રોડક્શનની અદ્યતન ટેકનોલોજીની માહિતી મળે તે આ એક્સ્પોનો મુખ્ય આશય છે. યાર્ન એક્સ્પોની આ 8મી આવૃત્તિમાં દેશ-વિદેશના 88 એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઈમ્બતુર, ઇરોડ, નોઇડા તેમજ ચીનના શાંઘાઈથી એક્ઝિબિટર્સ જોડાયા છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગિની દેશના રાજદૂત મિ. કોન્ટે અલાસ્સેન તેમજ બાંગ્લાદેશ સ્થિત સોલ સોર્સિંગ લિ.ના સીઈઓ મિ. શમીન અહેમદ તેમજ માર્કેટીંગ હેડ મિ. અબુ સોહેલ રસીલ પણ એક્ઝિબિશનની મુલાકાત લેશે.”

આ વર્ષે ચેમ્બરના યાર્ન એક્સ્પોની આઠમી આવૃત્તિ રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો અને સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર આવશે. આ એક્સ્પોમાં નેચરલ તથા બ્લેન્ડેડ યાર્ન જેમ કે, કોટન, વુલ, સિલ્ક, લિનન અને રેમી તેમજ મેન-મેડ તથા બ્લેન્ડેડ યાર્નમાં રિજનરેટેડ અને સિન્થેટિક યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ફેન્સી અને સ્પેશ્યાલિટી યાર્નમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્સચર્ડ અને સ્લબ યાર્ન સહિતની વિવિધ પ્રોડક્ટસ પણ જોવા મળશે. આ એક્સ્પોનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી અને યાર્ન ક્ષેત્રના ઉત્પાદકોને ખરીદદારો સાથે જોડવાનો તથા નવા વેપારી સંબંધો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્‌ઘાટન
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. 21 ઓગસ્ટ 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉત્તર પ્રદેશ સરકારના નેશનલ ઇન્ટિગ્રેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી (IAS) શ્રી હીરા લાલ પટેલ, એલાયન્સ ગ્રુપના ડિરેક્ટર શ્રી કુલદીપ પટેલ તેમજ રિગન ફેશન પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી દિનેશ ધનકાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ફેસ-ટુ-ફેસ નેટવર્કિંગ અને બિઝનેસ ગ્રોથ
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે સુરત ઉપરાંત તિરુપુર, પાનીપત, સેલમ, મઉ અને લુધિયાણા જેવા ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ-ટુ-ફેસ મિટિંગ્સથી નવા વેપારી સંબંધો બંધાશે. માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે ઉમેર્યું હતું કે આ પ્રદર્શનમાં એક્ઝિબિટર્સ દ્વારા નેચરલ અને મેન મેઈડ ફેબ્રિક્સમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. સ્પેશિયલ ફેબ્રિક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું 100 ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચુરાઈઝ્ડ યાર્ન, ડોપ ડાઈડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિરો પોલિસએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ય્ચુરાઈઝ્ડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઈનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઈનહેરન્ટ એન્ટી બેક્ટેરિયલ યાર્ન વગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

બજેટ-ફ્રેન્ડલી અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ
ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોમાં ઈલાસ્ટિક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે.

યાર્ન એક્સ્પો-2026ના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, પ્યોર સિલ્ક અને વૂલ જેવા મોંઘા ફેબ્રિક્સ સામે પોલિએસ્ટર અને કેટોનિક યાર્ન ઉત્તમ વિકલ્પ બન્યા છે. પોલિએસ્ટર યાર્નના વિવિધ પ્રકારો જેમ કે ટ્રાયલોબલ બ્રાઈટ, ફુલ ડલ, રિસાયકલ્ડ, ડોપ ડાઈડ, ફલેમ રિટારડન્ટ, લાઈકરા બ્લેન્ડેડ, મિકેનિકલ સ્ટ્રેચ યાર્ન, એરટેક્ષ યાર્ન, બાયો કોમ્પોનન્ટ યાર્ન અને ફંકશનલ યાર્નનો ઉપયોગ માત્ર ગાર્મેન્ટસ નહીં પરંતુ ફર્નિશિંગ, ઓટોમોબાઈલ, મેડિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ડેકોરેટિવ ફેબ્રિક્‌સ સુધી વિસ્તર્યો છે. સુરતના વિવર્સ આ પ્રદર્શિત યાર્નમાંથી નવા ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીને સુરતથી રેડીમેડ ગાર્મેન્ટ્સના એક્સપોર્ટમાં વધારો કરી શકશે.

August 13, 2026
WhatsApp-Image-2026-08-12-at-18.25.27-1280x445.jpeg
1min78

  • ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા માટે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આઈટી મંત્રાલયની વિશેષ વર્કશોપ યોજાઈ
  • દેશના GDPમાં 2.3%નો ફાળો આપતા ટેક્સટાઇલ સેક્ટરને AIથી સજ્જ કરવા કેન્દ્રનો રાષ્ટ્રીય સર્વે પ્રોજેક્ટ
  • MSMEsને સસ્તા અને અસરકારક ટેકનિકલ વેન્ડર્સ સાથે જોડવા કેન્દ્ર સરકાર તૈયાર કરશે ‘MAX’ (MSME AI Exchange) પ્લેટફોર્મ

સુરત, 12 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરસાણા ખાતે ભારત સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) મંત્રાલયના ઉપક્રમે ભારતીય મેન્યુફેક્ચરિંગ MSMEsમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની સજ્જતા અને સ્વીકાર્યતા વધારવા માટે ‘એથેના ઇન્ફોનોમિક્સ’ના વિશેષ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંદેશ આપતાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ભવિષ્યની નહીં પણ વર્તમાન સમયની જરૂરિયાત છે. દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ MSME એકમો જો ‘AI લાઇટહાઉસ’ મોડલ અપનાવશે તો તેમની પ્રોડક્શન કોસ્ટ ઘટી જશે. IT મંત્રાલય દ્વારા દેશની 350 અને ખાસ કરીને સુરત સહિત ટેક્સટાઇલ ક્ષેત્રની 200 ફેક્ટરીઓ પર સર્વે માટે પસંદગી ઉતારવી એ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગજગત માટે સુવર્ણ તક છે. સુરતના ટેક્સટાઇલ MSME ઉદ્યોગકારોએ આનો લાભ લેવો જોઈએ.”

ટેક્સટાઇલ સેક્ટરમાં ઉત્પાદકતા વધારવી અને ખર્ચ ઘટાડવો મુખ્ય લક્ષ્ય
એથેના ઇન્ફોનોમિક્સના AI એડવાઇઝરી એન્ડ સ્ટ્રેટેજી ડાયરેક્ટર શ્રી મહેશ અને પબ્લિક પોલિસી ડાયરેક્ટર શ્રી અંકિત છત્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારતમાં 350 ફેક્ટરીઓનો સર્વે કરવામાં આવશે, જેમાં સૌથી વધુ 200 ફેક્ટરીઓ એકલા ટેક્સટાઇલ ક્ષેત્રની પસંદ કરાઈ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ દેશના GDPમાં 2.3% ફાળો આપે છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ MSME એકમોમાં AIના અમલ દ્વારા પ્રોડક્ટિવિટી વધારવી, કોસ્ટ રિડક્શન (ખર્ચમાં ઘટાડો) કરવો અને ફેક્ટરીના ગ્રાઉન્ડ લેવલના પડકારો (Pain Points) ઉકેલવાનો રોડમેપ તૈયાર કરવાનો છે.”

ગ્રાઉન્ડ લેવલ સોલ્યુશન્સ અને ‘MAX’ પ્લેટફોર્મ: બેઠકમાં યાર્ન બ્રેકેજ (Yarn Breakage) શોધવા લેઝર લાઇટનો ઉપયોગ, ફેબ્રિક ઇન્સ્પેક્શનની ક્ષતિઓ નિવારવી, લેબર ટ્રેકિંગ અને ક્વોલિટી કંટ્રોલ જેવા વિષયો પર ચર્ચા કરાઈ હતી. દરેક ફેક્ટરીની કાર્યપ્રણાલી અલગ હોવાથી AIનો ઉપયોગ પણ કસ્ટમાઇઝ્ડ રહેશે. ઉપરાંત, MSMEsને આધુનિક AI ટેકનોલોજી પૂરી પાડનારા વેન્ડર્સ સાથે સાંકળવા માટે ‘MAX’ (MSME AI Exchange) નામનું સેન્ટ્રલાઇઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરવાની યોજના છે, જે ઉદ્યોગકારોને સસ્તા અને અસરકારક ટેકનિકલ ઉકેલો પૂરા પાડશે.

કાર્યક્રમના પ્રારંભે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને ટેક્સટાઇલ ટાસ્કફોર્સ કમિટીના ચેરમેન શ્રી આશિષ ગુજરાતીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભાર દર્શન કર્યું હતું.

August 11, 2026
aashish_gujarathi-1.jpg
3min71

યાર્નના બેઝિક રો મટિરિયલમાં અસામાન્ય ભાવ વધારોથી સુરતના વીવિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મૂકાશે

પોલિએસ્ટર મેલ્ટનો ભાવ એક જ મહિનામાં રૂ.89.59થી વધીને રૂ.102.94 પ્રતિ કિલો : ક્રૂડમાં માત્ર 4.57 ડોલરની તેજી સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો, ગ્રે કાપડ મોંઘું થવાની ભીતિ

સુરતના વિશાળ મેન-મેડ ફાઇબર (MMF) ટેક્સટાઇલ ક્લસ્ટરમાં યાર્નમાંથી ગ્રે કાપડનું ઉત્પાદન કરતા વીવર્સ માટે બેઝિક કી-રો મટિરિયલના ભાવમાં થયેલી અસામાન્ય વધઘટ ચિંતાનો વિષય બની છે. પોલિએસ્ટર યાર્નના ઉત્પાદન માટે જરૂરી મૂળભૂત કાચા માલના ભાવમાં એકતરફી તેજી આવતા તેની સીધી અસર યાર્નના ભાવ પર અને ત્યારબાદ વીવર્સ દ્વારા ઉત્પાદિત ગ્રે કાપડની પડતર કિંમત પર પડી રહી છે. પરિણામે ગ્રે કાપડ મોંઘું થવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના પ્રમુખ આશિષ ગુજરાતી દ્વારા કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ નિલમ શમી રાવ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં થયેલો વધારો ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલી વધઘટની સરખામણીએ અસામાન્ય રીતે વધારે છે. 11 ઓગસ્ટે કરાયેલી રજૂઆતમાં પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં છેલ્લા એક મહિનામાં થયેલા વધારાને તાત્કાલિક નિયંત્રિત કરવા માટે PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે.

ક્રૂડમાં રૂ.2ની અસર સામે મેલ્ટમાં રૂ.13.35નો વધારો

રજૂઆત મુજબ છેલ્લા એક મહિનામાં પોલિએસ્ટર મેલ્ટનો ભાવ આશરે રૂ.89.59 પ્રતિ કિલોથી વધીને રૂ.102.94 પ્રતિ કિલો થયો છે. એટલે કે માત્ર એક મહિનામાં રૂ.13.35 પ્રતિ કિલો અથવા લગભગ 15 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ આ સમયગાળામાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 8 જુલાઈના આશરે 78.17 ડોલર પ્રતિ બેરલથી વધીને 7 ઓગસ્ટે 82.74 ડોલર થયો હતો. એટલે કે ક્રૂડમાં માત્ર 4.57 ડોલરનો વધારો થયો છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ક્રૂડમાં 5 ડોલર પ્રતિ બેરલના વધારાની સામે પોલિએસ્ટર મેલ્ટમાં અંદાજે રૂ.2.04 પ્રતિ કિલો જેટલી અસર થવી જોઈએ. તેની સામે મેલ્ટના ભાવમાં રૂ.13.35નો વધારો થયો હોવાથી બંને વચ્ચેનો ભાવવધારો અસમાન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

PTA અને MEG : યાર્નથી ગ્રે કાપડ સુધીની કડી

પોલિએસ્ટર મેલ્ટના ઉત્પાદન માટે PTA અને MEG મુખ્ય કાચા માલ છે. રજૂઆત અનુસાર હાલમાં આ બંને કાચા માલની સ્થાનિક ઉપલબ્ધતા ડાઉનસ્ટ્રીમ પોલિએસ્ટર ઉદ્યોગની જરૂરિયાતની સરખામણીએ અપૂરતી હોવાના કારણે પુરવઠામાં ખાધ ઊભી થઈ છે.

આ સ્થિતિમાં યાર્ન ઉત્પાદકો પાસે કાચા માલના વૈકલ્પિક સ્ત્રોતો મર્યાદિત રહે છે. પરિણામે ભાવ નક્કી કરવાની સ્થિતિમાં ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગની સોદાકીય શક્તિ ઘટે છે અને કાચા માલના વધેલા ભાવનો બોજ આગળની સમગ્ર ટેક્સટાઇલ ચેઇન પર પડે છે.

PTA + MEG → પોલિએસ્ટર મેલ્ટ → ફાઇબર/યાર્ન → ગ્રે કાપડ → પ્રોસેસિંગ → ગારમેન્ટ/હોમ ટેક્સટાઇલ

આ ચેઇનમાં શરૂઆતના તબક્કે કાચા માલનો ભાવ વધે ત્યારે તેની અસર યાર્નના ભાવ મારફતે સીધી વીવિંગ કારખાનેદારો સુધી પહોંચે છે. વીવર્સ માટે યાર્ન મુખ્ય ઇનપુટ હોવાથી યાર્ન મોંઘું થતાં ગ્રે કાપડની ઉત્પાદન પડતર કિંમતમાં પણ વધારો થાય છે.

વીવર્સની મુશ્કેલી : યાર્ન મોંઘું, ગ્રે કાપડની પડતર વધી

સુરતના વીવિંગ ઉદ્યોગ માટે આ ભાવવધારો માત્ર યાર્નની ખરીદીનો પ્રશ્ન નથી. યાર્નના ભાવમાં વધારો થતાં એક મીટર ગ્રે કાપડ પાછળ આવતો કાચા માલનો ખર્ચ વધે છે. પરિણામે વીવર્સે ઊંચી પડતરે ગ્રે કાપડનું ઉત્પાદન કરવું પડે છે.

બીજી તરફ બજારમાં કાપડની માંગ અને ભાવની મર્યાદા હોવાને કારણે દરેક વખતે વધેલી પડતર પ્રમાણે ભાવ વધારવો શક્ય બનતો નથી. આવી સ્થિતિમાં વીવરનો નફો અને વર્કિંગ કેપિટલ માર્જિન દબાણ હેઠળ આવે છે. રજૂઆતમાં પણ યાર્નના ભાવમાં વધારો, વુવન અને નિટેડ ફેબ્રિકની ઊંચી પડતર, MSMEના વર્કિંગ કેપિટલ માર્જિનમાં ઘટાડો અને નિકાસમાં સ્પર્ધાત્મક ભાવ આપવાની મુશ્કેલી જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.

સુરતના હજારો MSME અને લાખો કામદારો પર અસર

રજૂઆતમાં ખાસ કરીને સુરતના MMF ટેક્સટાઇલ ક્લસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુરતમાં હજારો MSME એકમો અને લાખો કામદારો સસ્તા અને સતત ઉપલબ્ધ પોલિએસ્ટર કાચા માલ પર સીધી કે આડકતરી રીતે નિર્ભર છે.

કાચા માલના ભાવમાં અસામાન્ય વધારો ચાલુ રહે તો તેની અસર માત્ર યાર્ન ઉત્પાદકો સુધી મર્યાદિત રહેતી નથી. વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલ સહિતની સમગ્ર ડાઉનસ્ટ્રીમ ચેઇનની ઉત્પાદન પડતર વધી શકે છે.

વીવર્સની સરકાર સમક્ષ મુખ્ય માંગ

આ ભાવવધારાને નિયંત્રિત કરવા પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા સરકાર સમક્ષ PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક શૂન્ય કરવાની માંગ કરવામાં આવી છે. વૈકલ્પિક રીતે સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી બંને કાચા માલની ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરવાની માંગ છે.

સાથે સાથે PTA અને MEGના સ્થાનિક ઉત્પાદન, આયાત, ઉપલબ્ધતા અને ભાવની પારદર્શક દેખરેખ માટે મોનિટરિંગ મિકેનિઝમ ઊભું કરવા તથા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ભાવ વચ્ચેના તફાવતની સમયાંતરે સમીક્ષા કરવાની પણ માંગ કરાઈ છે.

એક તબક્કાનો ભાવવધારો સમગ્ર ચેઇનને મોંઘી બનાવે છે

રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે પોલિએસ્ટર મેલ્ટના ભાવમાં એક મહિનામાં થયેલો રૂ.13.35 પ્રતિ કિલોનો વધારો અંતે ફાઇબર, યાર્ન અને ગ્રે કાપડ સુધી પહોંચે છે. ત્યારબાદ આ વધેલી પડતર પ્રોસેસિંગ, ગારમેન્ટ અને હોમ ટેક્સટાઇલના ઉત્પાદનમાં પણ પ્રતિબિંબિત થાય છે.

અર્થાત્, બેઝિક કાચા માલનો ભાવ વધે છે → મેલ્ટ મોંઘો થાય છે → યાર્ન મોંઘું થાય છે → વીવર્સની ગ્રે કાપડની પડતર વધે છે → બજારમાં કાપડ મોંઘું થાય છે.

આથી સુરતના વીવિંગ ઉદ્યોગ માટે હાલનો મુદ્દો માત્ર યાર્નના ભાવનો નહીં પરંતુ સમગ્ર MMF ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનની કોસ્ટ-કોમ્પિટિટિવનેસનો બની ગયો છે.

સરકાર સમક્ષ કરાયેલી મુખ્ય માંગ

  • PTA અને MEG પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી તાત્કાલિક 0 ટકા કરવામાં આવે.
  • સ્થાનિક પુરવઠો સામાન્ય થાય ત્યાં સુધી ડ્યૂટી-ફ્રી આયાતની વ્યવસ્થા કરાય.
  • PTA અને MEGના ભાવમાં અસામાન્ય વધઘટ પર નજર રાખવા પારદર્શક મોનિટરિંગ સિસ્ટમ બનાવાય.
  • સ્થાનિક પુરવઠો અને ઉદ્યોગની માંગ વચ્ચે મોટો તફાવત હોય ત્યારે ટેરિફ સ્ટ્રક્ચરની સમીક્ષા કરાય.
  • 6થી 12 મહિના માટે કામચલાઉ ડ્યૂટી-ફ્રી વિન્ડો પર વિચાર કરવામાં આવે.
  • ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઇલ ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક ભાવે કાચો માલ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે.