સુરતના નાનપુરા મટન માર્કેટમાં સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરવા મુદ્દે થયેલા વિવાદમાં ડબલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી હતી. જેમાં ત્રણ સગીરોએ બે સગીર પર મટન કાપવાના છરા વડે હુમલો કરીને હત્યા કરી હતી. જેની બાદ પોલીસે હુમલો કરનારા ત્રણ સગીરોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં બિનજરૂરી વીડિયો પોસ્ટ કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત છેક હત્યા સુધી પહોંચી હતી. આ હુમલો રાત્રે 11.45 વાગ્યેની આસપાસ કરવામાં આવ્યો હતો.
પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી હતી. તેમજ પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે હુમલાનો ભોગ બનનારા બંને સગીર વયના હતા.તેની બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારા ત્રણ સગીરોની અટકાયત કરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, નાનપુરા મટન માર્કેટ પાસે ફાતેમા કબ્રસ્તાન પાસે જાહેરમાં બે કિશોરોની હત્યા થઈ હતી. જે બાબતે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં જાણ થતા પોલીસ ત્યાં પહોંચી અને એક મૃતક કિશોરના પિતા શાબીર ફૈઝ મોહમદ શેખની ફરિયાદ તાત્કાલિક લીધી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ત્રણ સગીરોની અટકાયત કરી હતી.
બે જુથ વચ્ચે અશિસ્ત ભાષામાં બોલચાલી થઇ હતી
તેમજ સમગ્ર વિવાદ ઈન્સ્ટાગ્રામ ગ્રુપમાં નાખવામાં આવતા બિન જરૂરી વિડીયોથી શરૂ થયો હતો. જેમાં વિડીયો નાખવા મુદ્દે બે જુથ વચ્ચે અશિસ્ત ભાષામાં બોલચાલી થઇ હતી. જેમાં બે જુથના લોકો સમાધાન માટે એકત્ર થયા હતા. પરંતુ બે મૃતક સગીરે હુમલા કરનારો પર ટપલી દાવ કર્યો હતો. જેના પગલે તે લોકોએ બે સગીર પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો. જેના લીધે બંને સગીરના મોત થયા હતા.
કલોલ સેશન્સ કોર્ટે ગોહત્યાના ગંભીર કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદની સખત સજા અને રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે. 277 કિલો બીફ જપ્ત કરવાના આ કેસમાં જજે પ્રાચીન સંસ્કૃત શ્લોકો અને વેદોનો ઉલ્લેખ કરી ગાયના સાંસ્કૃતિક તથા ધાર્મિક મહત્વને રેખાંકિત કર્યું છે.
કલોલની એક સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણ વ્યક્તિઓને આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું. કોર્ટે દરેક દોષિત પર 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અધિક સેશન્સ ન્યાયાધીશ બી. આર. રાજપૂતે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોને ટાંકીને ગૌરક્ષાના સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
જુહાપુરાના વસીમ કુરેશી, બેહરામપુરાના મહમદ રફીક કુરેશી અને ફતેહવાડીના અશફાક બહેલીમ નામના આ દોષિતોને ‘ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ’ અને ‘પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ’ હેઠળ ગુનેગાર ઠેરવવામાં આવ્યા હતા.
અધિક સરકારી વકીલ જીગ્નેશ જોશીના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસના સંબંધમાં છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 22 ઓગસ્ટ, 2024ના રોજ પોલીસે જામલા ગામમાં લાલભાઈ સેનમાના ઘરે દરોડો પાડ્યો હતો અને ત્રણ દોષિતો પાસેથી 277 કિલોગ્રામ ગૌમાંસ જપ્ત કર્યું હતું, જેની કિંમત 55,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કતલ માટે વપરાયેલા હથિયારો અને માંસની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલું વાહન પણ કબજે કર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ આ ગૌમાંસ ગુલામ મોઈન કુરેશીને વેચવા માંગતા હતા. ટ્રાયલ બાદ કોર્ટે છ આરોપીઓમાંથી ત્રણને દોષિત ઠેરવ્યા હતા.
સજાની જાહેરાત કરતી વખતે કોર્ટે વેદોનો સંદર્ભ આપતા કહ્યું, “ગાયને સમગ્ર વિશ્વની માતા માનવામાં આવે છે. તે માનવ જીવન અને સમાજ માટે કલ્યાણકારી છે. ગૌરક્ષા એ ધર્મ અને કરુણા પર આધારિત કાર્ય છે. જ્યાં પણ ગૌહત્યા થાય ત્યાં કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. જો પુરાવા દ્વારા આરોપીઓનો ગુનો સાબિત થાય તો તેમને યોગ્ય સજા મળવી જોઈએ…” કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, ગાયના સાંસ્કૃતિક મહત્વ વિશે જાણતા હોવા છતાં આરોપીઓએ ગાયની કતલ કરી અને તેનું માંસ વેચવાનો પ્રયાસ કર્યો. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, જો નિર્ધારિત સજા આપવામાં ન આવે તો તે ગાયના અસ્તિત્વ માટે જ ખતરો બની શકે છે. હાલમાં ત્રણેય દોષિતોને સજા સંભળાવવામાં આવી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવા માટે કર્યો હતો. શનિવારે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના સુરતમાંથી બે હથિયારો અને દસ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે, જેનો ઉપયોગ હુમલાખોરોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કરવા માટે કર્યો હતો. શનિવારે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.
આ કેસના સંદર્ભે તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા ટાર્ગેટેડ ઓપરેશનલ દરોડા દરમિયાન શુક્રવારે રિકવરી થઈ હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ હુમલાખોરોને આપવામાં આવેલા હથિયારોની લોજિસ્ટિક ટ્રેલને ટ્રેક કરી હતી, જેના કારણે તેઓ સુરતના એક છુપાયેલા ઠેકાણામાં પહોંચ્યા હતા જ્યાંથી હથિયારો મળી આવ્યા હતા.
મળી આવેલા હથિયારો અને દારૂગોળો ફોરેન્સિક તપાસ અને બેલિસ્ટિક પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેથી તેમને ગુનાના સ્થળેથી મળેલા ખાલી કારતૂસ સાથે મેળ ખાય. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સપ્લાય ચેઇનમાં વધુ લિંક્સ શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
18 ઓક્ટોબરની સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ઓછામાં ઓછા બે શખ્સોએ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. અભિનેતાને ગંભીર ઈજા થઈ ન હતી, જ્યારે તેના ડ્રાઈવર અને એક રાહદારીને ઈજાઓ પહોંચી હતી.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર કાર પર પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શૂટરો દ્વારા કથિત રીતે ઉપયોગમાં લેવામાં આવતી મોટરસાયકલ અંધેરીમાં ત્યજી દેવાયેલી મળી આવી હતી. મુંબઈ પોલીસે હત્યાના પ્રયાસ અને અન્ય ગુનાઓ માટે ભારતીય ન્યાયસંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી અત્યાર સુધીમાં દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ટાઇગર શ્રોફ પર ગોળીબારની જવાબદારી લેનાર ગેંગસ્ટર અનિલ પંડિતને મુંબઈ પોલીસે વોન્ટેડ આરોપી બનાવ્યો છે. પંડિત લોરેન્સ બિશ્નોઈ આ ગેંગનો કથિત સાથી છે, જે અમેરિકાથી કામ કરે છે. તેણે 18 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટમાં અભિનેતા પરના હુમલાની જવાબદારી લીધી હતી.
તેઓ સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર દોડી રહ્યા છે. આમ તો આ કોઈ અસામાન્ય દ્રશ્ય નથી. પરંતુ, આ કિસ્સામાં, દોડનારા આ લોકો પર બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે.
CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, જ્યારે સ્ટેશન પર એક ટ્રેન પ્રવેશી રહી છે અને એક તરફ લોકો ઊભા છે, ત્યારે આ શખ્સો પ્લેટફોર્મ પર દોડતા આવે છે અને ચાલુ ટ્રેનના જનરલ કોચમાં કૂદી પડે છે.
અન્ય એક ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિઓ રાત્રે લગભગ ૧:૩૧ વાગ્યે સુરત રેલવે સ્ટેશનના ‘એક્ઝિટ ગેટ’ (બહાર નીકળવાના દરવાજા) થી અંદર પ્રવેશતા દેખાય છે. આ ઘટના રવિવારે રાત્રે મુંબઈના જુહુ વિસ્તારમાં બની હતી, જ્યાં ૩૬ વર્ષીય અભિનેતા એક ફૂટબોલ ક્લબમાંથી નીકળી રહ્યા હતા ત્યારે આ લોકોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ રસ્તા માર્ગે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી ટ્રેનમાં સવાર થયા.
આ ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓ મહારાષ્ટ્ર પાસિંગ ધરાવતી ટેક્સીમાં રસ્તા માર્ગે સુરત પહોંચ્યા હોવાનું કહેવાય છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો કરવા માટે ત્રણેય આરોપીઓને અગાઉથી (એડવાન્સ તરીકે) કુલ ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે જેથી તેમની વ્યક્તિગત ભૂમિકાઓ જાણી શકાય અને એ નક્કી કરી શકાય કે શું ત્રણેય જણા ગોળીબારમાં સીધી રીતે સામેલ હતા કે કેમ.
ટાઈગર શ્રોફ, જેઓ તેમના શાનદાર ડાન્સ મૂવ્સ અને એક્શન દ્રશ્યો માટે જાણીતા છે, તેઓ કારની બારીમાંથી પોતાના ચાહકોનું અભિવાદન કરી રહ્યા હતા ત્યારે આ લોકોએ ગોળીબાર કર્યો. વીડિયોમાં દેખાય છે કે, આગળ ઊભેલા એક વ્યક્તિએ બંને હાથથી બંદૂક પકડીને કાર પર ગોળી ચલાવી. ટોપી પહેરેલો બીજો એક વ્યક્તિ બાજુમાંથી ગોળીબાર કરતો જોવા મળ્યો. ત્યાં જ એક બાઈક પર એક વ્યક્તિ ઊભો હતો અને ત્યારબાદ ત્રણેય જણા તે બાઈક પર બેસીને ફરાર થઈ ગયા.
હુમલાખોરોએ અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન નજીક પોતાની મોટરસાઈકલ છોડી દીધી અને ત્યાંથી બોરીવલી તરફ જતી ટ્રેનમાં સવાર થયા હોવાનું જાણવા મળ્યું છે. તેના થોડા કલાકો બાદ, તેઓ સુરત રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, ૮૦ના દાયકાના સ્ટાર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ આ ઘટનામાં સુરક્ષિત રહ્યા, પરંતુ તેમના ડ્રાઈવર અને એક ઓટોરિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓને રાજસ્થાનના કોટામાં ટ્રેનમાંથી પકડી પાડવામાં આવ્યા હતા. તેઓ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા હતા અને ત્યાંથી નેપાળ ભાગી જવાની યોજના ધરાવતા હતા.
કોટાના પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે પત્રકારોને જણાવ્યું, “આરોપીઓને પકડવા માટે અમે બહાર નીકળવાના તમામ રસ્તાઓ, પ્લેટફોર્મ અને અન્ય સ્થળો પર નજર રાખી હતી. તેઓ પુણે-જયપુર એક્સપ્રેસમાં હતા. અમને સવારે લગભગ 9:45 વાગ્યે આ અંગે માહિતી મળી હતી. મુંબઈ પોલીસ અહીં પહોંચી ગઈ છે અને અમે આરોપીઓને તેમને સોંપી દઈશું… પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેઓ આ ટ્રેન દ્વારા દિલ્હી જવાના હતા અને ત્યાંથી નેપાળ ભાગી જવાની યોજના ધરાવતા હતા.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ એકબીજા સાથે ‘સિગ્નલ’ (Signal) અને ‘ટેલિગ્રામ’ (Telegram) એપ દ્વારા સંદેશાઓ અને લોકેશનની આપ-લે કરતા હતા. પોલીસ હજુ સુધી આરોપીઓ પાસેથી ગોળીબારમાં વપરાયેલું હથિયાર મેળવી શકી નથી. પકડાયા ત્યારે તેઓ ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે, પરંતુ પોલીસ હજુ તેની સત્યતાની તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રવિવારે મોડી રાત્રે અભિનેતાની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે “ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે” અને ચેતવણી આપી કે સરકાર મુંબઈમાં ગેંગ વોર (ગેંગ વચ્ચેની લડાઈ) સહન કરશે નહીં. શિંદેએ જણાવ્યું કે, ગનપાઉડર (દારૂગોળો) અને કાચના ટુકડાઓને કારણે અભિનેતાના ડાબા હાથ પર ઈજાઓ થઈ છે.
ગુજરાતના સુરતમાં મિલકતની વહેંચણીના વિવાદમાં ડબલ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રવિવારે સવારે લીંબાયત વિસ્તારની સહજાનંદ સોસાયટીમાંએક જ પરિવારના બે સભ્યોની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ મિલકત અને દુકાનોમાંથી મળતા માસિક ભાડાની વહેંચણી મુદ્દે ચાલતા વિવાદમાં મોટા પુત્ર શ્રીનિવાસે પોતાની માતા મલેશ્વરીબેન અને નાના ભાઈ રાજુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં જ લીંબાયત પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સહજાનંદ સોસાયટી પાસે એક માતા અને તેમના ત્રણ દીકરાઓ સાથે રહેતા હતા. તેમજ મિલકતના ભાગ પાડવા બાબતે ત્રણેય ભાઈઓ અને એના માતાને મનદુઃખ હતું. મૂળ એ લોકોના વારસાઈ અને ભાગ લેવા બાબતનો ઝઘડો છે એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારે સામે આવ્યું છે
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ પરિવાર મૂળ તેલંગાણાનું છે. તેમજ સુરતમાં સ્થાયી થયું છે. જેમાં તેલુગુ પરિવારનાં મલેશ્વરીબેન સુદર્શન ગોડુંરુને શ્રીનિવાસ, રમેશ અને રાજુ નામના ત્રણ પુત્રો છે. મલેશ્વરીબેન તેમના સૌથી નાના પુત્ર રાજુ સાથે રહેતાં હતાં. તેમના નામે ત્રણ દુકાનો આવેલી છે. જેમાંથી અંદાજે રૂ. 60 હજારનું માસિક ભાડું મળતું હતું. તેમજ માતા નાના પુત્ર સાથે રહેતાં હોવાથી ભાડાની રકમ રાજુને આપતાં હતાં. આ બાબત મોટા પુત્ર શ્રીનિવાસને વિરોધ કર્યો હતો અને તે મિલકત તથા ભાડાની આવકની ત્રણેય ભાઈઓ વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવાની માગણી કરતો હતો.
થોડા સમય અગાઉ પણ માતા મલેશ્વરીબેને મોટા દીકરા શ્રીનિવાસને સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ મિલકત કે ભાડાની કોઈ વહેંચણી કરવામાં નહીં આવે. માતાના આ નિર્ણયથી શ્રીનિવાસ મનોમન ભારે રોષે ભરાયો હતો અને નાના ભાઈ પ્રત્યે તેના મનમાં અદાવત વધી ગઈ હતી.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટમાં ગત 9 સપ્ટેમ્બરના રોજ રાત્રે લાગેલી ભીષણ આગ કોઈ અકસ્માત નહીં પરંતુ એક કાવતરું અને માનવસર્જિત આગ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. માત્ર ₹10,000 ના બાકી નીકળતા પગારના વિવાદમાં શેઠને પાઠ ભણાવવા માટે પૂર્વ એકાઉન્ટન્ટે જ માર્કેટમાં પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ આગીની ઘટનામાં કાપડના માલ-સામાન સહિત અંદાજે ₹24 કરોડનું ભારે નુકસાન થયું હતું. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પૂર્વ એકાઉન્ટન્ટની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ગત 9 સપ્ટેમ્બર 2026 ના રોજ મોડી રાત્રે સવા બાર વાગ્યાના સુમારે કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલા શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટના છઠ્ઠા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ કરતા, એક અજાણ્યો શખ્સ મોઢે સફેદ રૂમાલ બાંધી અને ખભા પર લટકાવેલી બેગમાંથી જ્વલનશીલ પદાર્થ (પેટ્રોલ) કાઢી આગ લગાડતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્લું પડ્યું હતું. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતનું ટેક્સ્ટાઇલ માર્કેટ સમગ્ર દેશમાં અગ્રેસર હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો તપાસમાં જોતરાઈ હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ગુનાને અંજામ આપનાર આરોપી વિનોદ પંડિત સાવલે મહારાષ્ટ્રના ધુલિયાનો છે છે, જે સુરતના ડીંડોલીમાં રહેતો હોવાની ઓળખ થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપી વિનોદ સાવલેની કડક પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તે શ્યામ સંગીની માર્કેટની એક દુકાનમાં એપ્રિલ-2026 થી માસિક ₹30,000 ના પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. પરંતુ માલિક અને અન્ય કર્મચારી તેને ‘એકાઉન્ટનું કામ આવડતું નથી’ તેમ કહી નાની નાની બાબતોમાં હેરાન કરતા હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ તેના પગારના ₹10,000 લેવાના બાકી નીકળતા હતા, જે મેળવવા તેણે અનેક વાર માલિક હનુમાન જવરને વિનંતી કરી છતાં તેમણે પૈસા આપવાની આનાકાની કરી હતી. આથી ગુસ્સામાં આવીને ‘દસ હજારની કિંમત શું હોય છે તે શેઠને બતાવવા’ તેણે માર્કેટમાં આગ લગાડવાનું નક્કી કર્યું હતું.
આરોપીએ આગ લગાડવાના આયોજન સાથે અગાઉથી જ પેટ્રોલ પંપ પરથી ₹150નું પેટ્રોલ બોટલમાં ભરી પોતાની બેગમાં રાખી લીધું હતું. 8 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યે તે માર્કેટમાં પહોંચ્યો હતો અને પગથિયાં પર બેસીને માર્કેટ બંધ થવાની રાહ જોઈ હતી. મોડી રાત્રે સાડા બાર વાગ્યે માર્કેટ સુમસાન થતાં જ તેણે શેઠની દુકાનની બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બીજા દિવસે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં પોતાની સંડોવણી અંગે સમાચાર આવતાં જ આરોપી પોતાનો મોબાઈલ બંધ કરી રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર તથા અયોધ્યા ખાતે ભાગી ગયો હતો. આજે તે સુરત પરત આવતાં જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચે આગળની કાનૂની કાર્યવાહી અર્થે આરોપીને સારોલી પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ હાથ ધરી છે.
સુરત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે ફ્રોડ કરનારાને પકડી પાડ્યા છે. કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ સાયબર ક્રાઈમ કેસની કાયદેસર ફરિયાદ કર્યા બાદ પોલીસે એક્શન લીધું છે. હરિયાણામાંથી પરવેઝ અને ઈર્શાદ નામના બે આરોપીની ધરપકડ કરી છે. સુરત પોલીસે આ કેસ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગોવિંદ ધોળકિયાના અસલ વીડિયો સાથે ચેડા કરીને AI થી વોઈસ ઉમેરી દીધો હતો. પછી એને ખોટો ઉપયોગ કર્યો હતો.
પછી આ ફેક વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાયો હતો. અલગ અલગ પેજ પરથી આ વીડિયો પોસ્ટ થયો હતો. વીડિયોમાં જૂના ચલણી સિક્કાના બદલે લાખોની કેશ આપવામાં આવશે એવી વાત થઈ રહી છે. આ લાલચ હતી પછી લોકોને સંપર્ક કરવા માટે આરોપીઓએ આ વીડિયો સાથે પોતાનો એક નંબર પણ જાહેર કરી દીધો હતો. આ પછી આ નંબરના આધારે આરોપી જે તે લોકોનો સંપર્ક કરીને પૈસા ખંખેરતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાંથી એ વાત સામે આવી છે કે, આરોપીઓએ 9.84 લાખની છતરપિંડી કરી હતી, પોલીસે સાયબર સિક્યોરિટી અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત સાયબર ક્રાઈમ પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ફ્રોડ કેવી રીતે આચર્યું અને પૈસાનું શું કર્યું એ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.
અત્યાર સુધીમાં કેટલા લોકોને આ રીતે ટાર્ગેટ કરાયા અને કેવી રીતે પૈસા ખંખેરવામાં આવ્યા આ અંગે પણ ખુલાસા થઈ શકે છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાંથી સામે આવ્યું છે કે, ChatGPT જેવા AI ટુલ્સની મદદથી ડીપફેક વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ‘ઓલ્ડ કોઈન કંપની’ના નામે ફેક પ્રોફાઇલ બનાવી હતી. એ પછી આ વીડિયો પોસ્ટ કર્યા હતા. આરોપીઓએ 11 UPI આઈડી અને 2 બેંક ખાતાં મારફતે દેશભરના લોકો પાસેથી નાણાં વસૂલ્યા હતા. નકલી આઈડીકાર્ડ પણ બનાવ્યા હતા. આ સાથે આધાર કાર્ડ અને પાનકાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો.
અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 7/9/26 મોડી રાતથી વહેલી સવાર સુધી હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જેમાં વિદેશથી આવેલા પેસેન્જરને દાણચોરીની કથિત મદદગારી કરવા બદલ બે કસ્ટમના સુપરિટેન્ડન્ટ અને બે ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર કસ્ટમ વિભાગમાં ફફડાટ અને ચર્ચા જામી હતી.
અમદાવાદના એરપોર્ટ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાની હેરાફેરી ફોરેન કરન્સી અને સોનાના દાગીનાની દાણચોરી વધી ગઈ હતી અને કસ્ટમ વિભાગે પેસેન્જરોને પકડી ગુના પણ દાખલ કરીને ધરપકડ કરી હોવાના કિસ્સા પણ નોંધાયા હાત. તેમ છતાં ઉચ્ચકક્ષાએ કસ્ટમના અધિકારીઓને શંકા હતી કે એરપોર્ટ ઉપર કેટલાક અધિકારીઓ કસ્ટમ વિભાગના નિયમોનું પાલન કરતા નથી. જેના આધારે કેટલાક પુરાવા કસ્ટમને મળ્યા હતા. ત્યારબાદ એરપોર્ટ કસ્ટમ્સના બે સુપરિટેન્ડન્ટ કુલદીપ પાલિવાલ અને વિનય અરોરા તેમજ બે કસ્ટમ ઇન્સ્પેક્ટર ભરત મલ મીના અને કૌશલ કિશોરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
એરપોર્ટ ઉપર જે હાઇવોલ્ટેજ ડ્રામા થયો તેના સીસીટીવી ફૂટેજ દ્વારા પણ આખી હકીકત જાણી શકાય છે. અમદાવાદ કસ્ટમના ટોચના સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા તેમણે અધિકારીઓ સામે સસ્પેન્શનના પગલાં લીધા હોવાનું જણાવીને વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને કસ્ટમના અધિકારીઓએ ફરજ દરમિયાન બોડીવોર્ન કેમેરા લગાવ્યા ન હતા તેવું કારણ બતાવ્યું હતું, પરંતુ બોડી વોર્ન કેમેરા નહીં લગાવવાથી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેવી વાત ગળે ઉતરે તેમ નથી. કસ્ટમના અધિકારીઓનું ચોક્કસપણે માનવું છે કે કેટલાક અધિકારીઓ દાણચોરી કરવામાં પેસેન્જરની મદદગારી કરી રહ્યા હતા.
હવે નજીકના દિવસોમાં વધુ કસ્ટમના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ પણ એક પેસેન્જર દાણચોરીનું સોનું લઈને બહાર નીકળી ગયો હતો અને એરપોર્ટ સર્કલ પાસે બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા તેનું અપહરણ કરીને લૂંટ ચલાવી હતી. આ પ્રકરણમાં પણ કસ્ટમના અધિકારીઓની મદદ વગર આ પ્રકારે ગોલ્ડ બહાર નીકળવું અશક્ય હોવાનું કસ્ટમ વિભાગ માની રહ્યું છે.
ભાવનગરઃ ઘોઘાના ખરકડી ગામમાં ઝેરી દારૂ પીવાના કારણે ઉપેન્દ્રસિંહ ગોહિલ સહિત બે લોકોના મોત થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સાથે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચારમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ સહિત 6 લોકોની હાલત ખરાબ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 6માંથી 2 દર્દીઓની હાલત વધારે ગંભીર છે, એકની હાલત અત્યંત ખરાબ થઈ હોવાથી તેને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
આ ઘટના માટે મૃતકના ભાઈએ કહ્યું કે, જે દારૂથી પાર્ટી કરવામાં આવી તે દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. કારણ કે, દારૂ પીધા બાદ મિત્રોને ઉલટીઓ થવા લાગી હતી અને સ્થિતિ વધારે ગંભીર બની ગઈ હતી. અત્યારે મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ રિપોર્ટની અત્યારે પોલીસ રાહ જોઈ રહી છે. તેની સાથે પોલીસે બુટલેગરો સામે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસની તપાસમાં થયેલા ખુલાસા પ્રમાણે આ લોકોએ મોટી રાત્રે દારૂ પાર્ટી કરી હતી. આ દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનતી આવેલો હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મધ્યપ્રદેશમાંથી આવેલા 28 પેટી દારૂમાંથી 15 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે બાકીનો દારૂ શોધવા માટે પણ ભાવનગર પોલીસે ચક્રો ગતિમાન કરી નાખ્યાં છે.
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ધોલેરાના બુટલેગર શૈલેષ મેરે ભાવનગરના જયદીપ મકવાણા પાસેથી 2 પેટી દારૂ ખરીદ્યો હતો. આ મામલે ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ દારૂ વેચનારા 4 બુટલેગરોને ડિટેઈન કરી લેવામાં આવ્યાં અને કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આ દારૂનું છૂટક વેચાણ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.
સુરત સાયબર ક્રાઇમે દેશવ્યાપી છેતરપિંડી કરતી જામતારા-પટણા ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝારખંડ અને બિહારમાં 2,456 કિલોમીટરનો પ્રવાસ ખેડી, પટનાની હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓને ઝડપ્યા છે. આ ગેંગ ₹8,000માં ખરીદેલી APK ફાઇલ ₹70,000 સુધીમાં વેચી 336 નકલી ફાઇલો દ્વારા 5,613 લોકોના ₹125.39 કરોડથી વધુ પડાવ્યા હતા.
Surat Cyber Crime Jamtara Patna Gang Arrest: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરતી એક અત્યંત શાતીર ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ટીમે ઝારખંડના જામતારા અને દેવઘરથી લઈને બિહારના પટના સુધી 2,456 કિલોમીટરનો લાંબો પ્રવાસ ખેડી, પટનાની એક હોટલમાંથી માસ્ટરમાઇન્ડ ચાંદ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
ડેવલપર પાસેથી માત્ર ₹8000માં ખરીદેલી એક ખતરનાક APK ફાઇલ જામતારાની ઠગ ગેંગોને ₹10,000થી લઈને ₹70,000 સુધીમાં વેચવામાં આવતી હતી. શાતીર ચાંદે અત્યાર સુધીમાં આવી 1,248થી વધુ APK ફાઇલો ખરીદીને અલગ-અલગ ગેંગોને સપ્લાય કરી હતી. બેંક, RTO ચલણ, સરકારી યોજના કે હોસ્પિટલના નામે બનેલી 336 જેટલી બોગસ ફાઇલો વોટ્સએપ મારફતે વાઈરલ કરવામાં આવી હતી.
આ સાયબર ઠગો પંજાબ નેશનલ બેંકની અસલ એપ્લિકેશન જેવી જ દેખાતી બનાવટી “PNB One.APK” ફાઇલ બનાવી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ભોગ બનનાર વ્યક્તિ આ APK ફાઇલ ઇન્સ્ટોલ કરે એટલે આરોપીઓ તેના ફોનનો પૂર્ણ એકસેસ મેળવી, ફોન હેક કરી લેતા હતા. ત્યારબાદ બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી મ્યુલ એકાઉન્ટ્સ અને કેશ ડિપોઝિટ મશીન દ્વારા પોતાના ખાતાઓમાં જમા કરાવી લેતા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી ચાંદ દ્વારા 336 જેટલી બોગસ APK ફાઇલો બનાવવામાં આવી હતી, જે દેશભરમાં 31,174થી વધુ મોબાઇલ ઉપકરણોમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી હતી. આ ગેંગે 5,613 જેટલાં લોકોના ફોન હેક કરીને અંદાજે ₹125.39 કરોડથી પણ વધુ રકમની દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
જાહેર જનતા માટે સાયબર સુરક્ષા ચેતવણી છે કે, વોટ્સએપ, SMS કે અજાણી લિંક પરથી આવતી કોઈ પણ APK ફાઇલ ક્યારેય ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી નહીં. એપ્લિકેશન હંમેશા અધિકૃત Google Play Store કે App Store પરથી જ ડાઉનલોડ કરવી. RTO ચલણ, KYC અપડેટ કે બેંક પ્રોફાઇલ સુધારવાના નામે મોકલેલી લિંક્સ પર ક્લિક કરવું નહીં. OTP, PIN, કે બેંકિંગ વિગતો કોઈ સાથે શેર ન કરવી. છેતરપિંડી થાય તો તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કરવો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.