CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Anant Post

October 27, 2026
image-27.png
1min39

કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) બાદ અંતિમ મતદાર યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં કુલ 45,500,011 મતદારો નોંધાયેલા છે, જ્યારે એસઆઈઆર પહેલાં રાજ્યમાં 55,432,314 મતદારો નોંધાયેલા હતા.

કર્ણાટકની અંતિમ મતદાર યાદી 27/10/2026, મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં 4,55,00,011 મતદારોનો સમાવેશ થાય છે. ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (એસઆઈઆર) અગાઉ નોંધાયેલા 5,54,32,314 મતદારોની સરખામણીમાં આ સંખ્યા લગભગ 99.32 લાખ ઓછી છે. આ અંતિમ યાદીમાં ડ્રાફ્ટ (ખરડા) મતદાર યાદીની સરખામણીમાં 8.64 લાખ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા જ્યારે ડ્રાફ્ટ યાદીમાંથી 1.07 કરોડથી વધુ નામ હટાવવામાં આવ્યા હતા.

મતવિસ્તાર મુજબની મતદાર યાદીઓ મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. મતદારો ચૂંટણી પંચના ‘ઇલેક્ટોરલ સર્ચ પોર્ટલ’ મારફતે પોતાનું નામ યાદીમાં જોઈ શકે છે. પોતાનું નામ તપાસવા માટે, મતદારોએ “સર્ચ બાય એપિક’ વિકલ્પ પસંદ કરવો, પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો, રાજ્ય તરીકે ‘કર્ણાટક’ પસંદ કરવું, કેપ્ચા ભરવું પડશે અને ત્યારબાદ “સર્ચ” પર ક્લિક કરવું.

જો પોર્ટલ પર “નો રિઝલ્ટ ફાઉન્ડ એવો મેસેજ દેખાય તો મતદારોએ પોતાનું નામ યાદીમાંથી દૂર થઈ ગયું છે તેવું માની લેતા પહેલા સત્તાવાર મતદાર યાદી સાથે પોતાની વિગતો ચકાસી લેવી જોઈએ અથવા ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.

અંતિમ મતદાર યાદીમાં 2.25 કરોડથી વધુ પુરુષો, 2.29 કરોડથી વધુ મહિલાઓ અને 2841 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. આમાં 18 અને 19 વર્ષની વયના 6.83 લાખથી વધુ મતદારો અને 85 વર્ષથી વધુ વયના 3.92 લાખથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 80.62 લાખ નામો એવા મતદારોના દૂર કરવામાં આવ્યા હતા જેમણે પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું અથવા જેઓ મતદાર ગણતરી દરમિયાન મળી આવ્યા ન હતા.
આ ઉપરાંત, 16.39 લાખ નામો એવા હતા જેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાથી દૂર કરાયા હતા. સાત લાખથી વધુ નામો ડુપ્લિકેટ હતા અને 3.83 લાખ નામો “અન્ય” શ્રેણી હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.

જે લોકોના નામ રહેઠાણ બદલવાને કારણે અથવા મળી ન આવવાને કારણે દૂર કરવામાં આવ્યા હતા, તેમણે યાદીમાં ફરીથી નામ સામેલ કરાવવા માટે ‘ફોર્મ 6’ મારફતે અરજી કરવાની હતી. ચૂંટણી અધિકારીઓને કુલ 7,87,534 અરજીઓ મળી હતી, જેમાં નવા મતદારોની અરજીઓનો પણ સમાવેશ થાય છે.

October 14, 2026
bjplogo.png
1min56

Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, કોંગ્રેસ 2nd, AAP ખાતું ખોલાવવામાં નિષ્ફળ

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. આ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે હતો. જેમાં ભાજપે જંગી જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસ બીજા ક્રમે રહી છે. એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી અને આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38, કોંગ્રેસે 5 અને એક અપક્ષ ઉમેદવારે એક બેઠક જીતી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી છે.

ગાંધીનગર ચૂંટણી પરિણામ

  • ભાજપ: 38
  • કોંગ્રેસ: 05
  • અપક્ષ: 01

વોર્ડ નં. 2માં ભાજપની પેનલ તૂટી છે. અહીં 4માંથી 3 ઉમેદવારો જીત્યા છે ત્યાં જ 1 બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ છે..

વોર્ડ નં. 6ના પરિણામોમાં મોટું અપસેટ

ગાંધીનગરના વોર્ડ નં. 6ના પરિણામોમાં મોટું અપસેટ જોવા મળ્યું છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જે બાદ ભાજપે પુનઃ મતગણતરીની માંગ કરી છે.

થરામાં ભાજપનું વર્ચસ્વ

બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકામાં ભાજપે 24માંથી 19 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે બાકીની પાંચ બેઠકો મેળવી હતી. થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં, ભાજપે ચૂંટણી લડાયેલી 32 બેઠકોમાંથી 29 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે ત્રણ બેઠકો મેળવી હતી.

ઓખામાં ચાર બેઠકો માટે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, કારણ કે તે વોર્ડમાં માત્ર ભાજપના ઉમેદવારો જ મેદાનમાં હતા. આ ચાર બેઠકો સહિત, ભાજપે નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 33 બેઠકો મેળવી હતી.

આ ચૂંટણી પરિણામો સાથે ભાજપે ત્રણેય શહેરી સ્થાનિક સંસ્થાઓ પર પોતાનું નિયંત્રણ જાળવી રાખ્યું છે. ત્રણેય શહેરી સંસ્થાઓ માટે મંગળવારે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો રાજ્યમાં ભાજપની નોંધપાત્ર તાકાત દર્શાવે છે, કારણ કે પાર્ટીએ ગાંધીનગર જેવી મહત્વપૂર્ણ શહેરી સંસ્થામાં પોતાની બહુમતી સફળતાપૂર્વક જાળવી રાખી છે. થરા અને ઓખામાં સત્તા જાળવી રાખવાથી પાર્ટીની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

October 11, 2026
image-8.png
1min55

દેશમાં સતત SIR અને સીઇસીના રાજીનામાની માંગણી સાથે કોંગ્રેસ સહિતના પક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી પક્ષો, યુવાનો અને નાગરિક સમાજના સંગઠનો સાથે મળીને સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ આક્ષેપ લગાવ્યો છે કે દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે અને ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ કૂચ પક્ષ, લિંગ, જાતિ, સમુદાય અને રાજ્યથી ઉપર ભારતીય નાગરિકો દ્વારા હાથ ધરવામાં આવશે.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, દેશના યુવાનો, તમામ વિપક્ષી પક્ષો, નાગરિક સમાજ અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારા તથા ભારતના બંધારણની સાથે ઉભા રહેનારા તમામ લોકો અમારી સાથે જોડાશે. અમે રાષ્ટ્ર વતી ચીફ જસ્ટિસને એક આવેદનપત્ર સુપરત કરીશું. અમારી માંગણીઓ છે કે, વોટ ચોરીનો અંત, SIR પ્રક્રિયા પર રોક અને જ્ઞાનેશ કુમારનું રાજીનામું.

તેમણે વધુમાં જણાવ્યું કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ અને મોહન ભાગવત ભારતનો અવાજ દબાવી શકતા નથી. તે આપણને ડરાવી શકતા નથી. તેમણે પીછેહઠ કરવી જ પડશે. આપણે પ્રેમ, ભાઈચારા અને દેશભક્તિ સાથે મળીને આગળ વધીશું. સોમવારે સમગ્ર ભારત સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરશે.

October 10, 2026
image-5.png
1min54

દિલ્હી જિલ્લાને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. પોલીસે ચેતવણી આપી છે કે કલમ 163નું ઉલ્લંઘન કરનાર, તોડફોડ કરનાર અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

કોકરોચ જનતા પાર્ટી (CJP) આજે શનિવાર દિલ્હી જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની છે. જો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગણી સાથે શનિવારે જંતર-મંતર પર સીઓજેપીના પ્રસ્તાવિત પ્રદર્શનને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે દિલ્હીમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી છે.

દેશની રાજધાની દિલ્હીમાં 25,000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, નવી દિલ્હી જિલ્લામાં 45 મેટ્રો સ્ટેશન અને મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવું કરવામાં આવ્યું હતું.

શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી જંતર-મંતરની ચાર કિલોમીટરની ત્રિજ્યામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય તમામ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર લાગુ થશે. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હીના બાકીના ભાગોમાં ઇન્ટરનેટ સેવાઓ ચાલુ રહેશે.

નવી દિલ્હી જિલ્લાને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે સુરક્ષાને મજબૂત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવી દિલ્હી જિલ્લાને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. પ્રત્યેક 20 માંથી દરેક ઝોનની દેખરેખની જવાબદારી એક સંયુક્ત પોલીસ કમિશનર, એક ડેપ્યુટી પોલીસ કમિશનર અને એક એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનર (JCP)ને સોંપવામાં આવી છે.

નવી દિલ્હી રેન્જના જોઈન્ટ પોલીસ કમિશનર (જેસીપી) નૂપુર પ્રસાદે જણાવ્યું હતું કે સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસ પાસેથી વિરોધ પ્રદર્શન માટે મંજૂરી માટે અરજી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રદર્શન યોજવાની મંજૂરી માટે અરજી 7 ઓક્ટોબરે રજૂ કરવામાં આવી હતી.

JPC એ કહ્યું કે, નિયમો મુજબ આવી અરજીઓ ઓછામાં ઓછા 10 દિવસ પહેલા જમા કરાવવાની રહેશે. જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે આ પહેલા પણ સીજેપીને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન સંગઠને કાયદાકીય સૂચનાઓ અને તેના વચનોનું પાલન કર્યું ન હતું.

BNSS કલમ 163 લાગુ

નૂપુર પ્રસાદે કહ્યું કે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ)ની કલમ 163 લાગુ છે. પોલીસે ચેતવણી આપી છે કે કલમ 163નું ઉલ્લંઘન કરવું, તોડફોડ કરશે અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હી પોલીસે અનેક સ્થળોએ મોક ડ્રીલ કરી હતી.

સાવચેતીના પગલા તરીકે, દિલ્હીમાં દારૂની દુકાનો 9 અને 10 ઓક્ટોબરે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી મેટ્રો સ્ટેશન સિવાય તમામ અસરગ્રસ્ત સ્ટેશનો પર ઇન્ટરચેન્જ સુવિધા ઉપલબ્ધ થશે. કુલ 45 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા રહેશે નહીં. શનિવારે સવારે ચારથી બપોરે બે વાગ્યા સુધી નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન જતી અને જતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે.

આ દરમિયાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્વેલન્સ વધારી દીધું છે અને 200થી વધુ કન્ટેન્ટ ક્રિએટર્સ તપાસના દાયરામાં છે. દિલ્હીની સરહદો પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે અને વધારાના સુરક્ષા કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ મસ્જિદો અને મંદિરો માંથી પણ અપીલ કરી લોકોને શાંતિ જાળવી રાખવની વિનંતી કરી રહી છે. એરપોર્ટ તરફ જતા મુસાફરોને તેમની મુસાફરીની યોજના બનાવતી વખતે ટ્રાફિક જામ અને સુરક્ષા તપાસની કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

September 21, 2026
image-26.png
1min96

રાજસ્થાનમાં શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્યની 309 સ્થાનિક સંસ્થાઓમાંથી 301ના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી(BJP)એ જબરદસ્ત સરસાઈ મેળવીને 199 સંસ્થાઓમાં પોતાનું બોર્ડ બનાવ્યું છે. જ્યારે કોંગ્રેસે 94 સંસ્થાઓમાં બોર્ડ બનાવ્યા છે. બંને પક્ષો વચ્ચે 105 સંસ્થાઓનું મોટું અંતર જોવા મળ્યું છે અને હવે માત્ર 8 સંસ્થાઓના પરિણામો બાકી છે.

નગર નિગમ (કુલ 10 બેઠકો)

ભાજપ: 6
કોંગ્રેસ: 1
અન્ય / અપક્ષ: 0
કુલ જાહેર: 7
બાકી: 3

નગર પરિષદ (કુલ 47 બેઠકો)

ભાજપ: 31
કોંગ્રેસ: 13
અન્ય / અપક્ષ: 2
કુલ જાહેર: 46
બાકી: 1

નગર પાલિકા (કુલ 252 બેઠકો)

ભાજપ: 162
કોંગ્રેસ: 80
અન્ય / અપક્ષ: 6
કુલ જાહેર: 248
બાકી: 4

કુલ સ્થાનિક સંસ્થાઓ (કુલ 309 બેઠકો)

ભાજપ: 199 બોર્ડ
કોંગ્રેસ: 94 બોર્ડ
અન્ય / અપક્ષ: 8 બોર્ડ
કુલ જાહેર પરિણામો: 301
બાકી પરિણામો: 8

રાજ્યના 7 નગર નિગમોમાં મેયર પદની ચૂંટણી યોજાઈ ચૂકી છે, જેમાં ભાજપે 6 જગ્યાએ પોતાના મેયર બનાવવામાં સફળતા મેળવી છે. ભાજપે અજમેર, ઉદયપુર, અલવર, પાલી, ભરતપુર અને ભીલવાડામાં મેયર પદ કબજે કર્યું છે. જ્યારે કોંગ્રેસ માત્ર બિકાનેરમાં પોતાનો એક મેયર બનાવી શકી છે.

વૉર્ડ સ્તરે સ્પષ્ટ બહુમતી ન હોવા છતાં ભાજપે અપક્ષો અને અન્ય પક્ષોના ટેકાથી પરિણામો પોતાના પક્ષમાં કર્યા હતા. અજમેર અને પાલીમાં વૉર્ડ ચૂંટણીમાં કોંગ્રેસ પાસે વધુ પાર્ષદો હોવા છતાં ભાજપે મેયર પદ મેળવ્યું હતું. આ ઉપરાંત, બારાં નગર પરિષદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બનતા ત્યાં આપનું પ્રથમ બોર્ડ બન્યું છે.

રાજ્યના કુલ 10 નગર નિગમોમાંથી 3 મહત્વના શહેરો – જયપુર, જોધપુર અને કોટામાં મેયર પદની ચૂંટણી 25 સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ વિસ્તારોના કેટલાક વોર્ડમાં પુનઃ મતદાન થવાના કારણે પ્રક્રિયા લંબાઈ છે. હાલ માત્ર 3 નગર નિગમ, 1 નગર પરિષદ અને 4 નગર પાલિકા મળીને કુલ 8 સંસ્થાઓના પરિણામ જાહેર થવાના બાકી છે.

August 30, 2026
modi-sir.png
1min110

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેમાં વડોદરા અને નવસારીમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી માહિતી અનુસાર પીએમ મોદી 8 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. ત્યાંથી તેઓ વડોદરા યુનિવર્સિટી ગ્રાઉન્ડ જશે, જ્યાં તેમના દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ થવાનું છે. તેઓ સ્થળ પર એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.

વડોદરામાં પોતાના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી, પીએમ મોદી બપોરે 3 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા નવસારી જવાના છે. નવસારીમાં, તેઓ જિલ્લા ભાજપની નવી ઓફિસ, નમો કમલમનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે 4 વાગ્યા પછી નવસારી હેલિપેડથી સુરત જવા રવાના થશે અને પછી સુરતથી મુંબઈ જવા રવાના થશે. જોકે તેમના કાર્યક્રમોની સત્તાવાર યાદી હવે જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન અને નવસારી લોકસભા સાંસદ સીઆર પાટીલે શનિવારે પ્રધાનો, પક્ષ સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે પીએમ મોદીની મુલાકાતની તૈયારીઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી.

દરમિયાન, ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ શનિવારે સાંજે વડા પ્રધાનની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા. સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસ ખાતે વડોદરાના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

પીએમ મોદી 4 જુલાઈએ ગુજરાત આવ્યા હતા. જ્યારે તેમણે સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.

August 29, 2026
image-31.png
1min99

મોહન ભાગવતે કહ્યું, દુનિયામાં વિવિધતા, સંઘર્ષ અને અલગ-અલગ પરિસ્થિતિઓ હોવા છતાં મૂળભૂત રીતે બધું જ કૃષ્ણ છે. ભગવદ્ ગીતાના ઉપદેશોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જીવનથી ભાગવું ન જોઈએ, પરંતુ પોતાના કર્તવ્ય પર અડગ રહીને તેને પૂરું કરવું જોઈએ અને દરેક બાબતમાં દિવ્યતાને ઓળખવી જોઈએ.

મોહન ભાગવતે જણાવ્યું કે ભગવદ્ ગીતાનો મૂળ ઉપદેશ એ જ છે કે જીવનથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ. વ્યક્તિએ પોતાના કર્તવ્ય પર મક્કમતાથી ટકી રહેવું જોઈએ અને તેને પરિપૂર્ણ કરવું જોઈએ. જો આ સંદેશ દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી જાય, તો વિશ્વ ખરેખર એક વધુ સારી જગ્યા બની શકે છે. ત્યારે આ દુનિયા માત્ર ભૌતિક સીમાઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ તમામ મનુષ્યો માટે સ્વર્ગ જેવી સુંદર જગ્યામાં ફેરવાઈ જશે.

ભાગવતે પોતાની વાત સમજાવવા માટે એક કોર્પોરેટ કંપનીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીના ડિરેક્ટર્સ અને સીઈઓયોજના તૈયાર કરે છે અને મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને તે યોજનાને પૂર્ણ કરવા માટે કામ કરે છે. તેમાંથી કેટલાક લોકોને આખી યોજનાની માહિતી હોય છે, જ્યારે કેટલાક લોકો તેના વિશે સંપૂર્ણ જાણતા નથી; છતાં પણ દરેક વ્યક્તિ એક સમાન અંતિમ લક્ષ્ય માટે યોગદાન આપે છે. જ્યારે દરેક વ્યક્તિ સમજી જાય છે કે તેઓ એક સહિયારા લક્ષ્ય માટે કામ કરી રહ્યા છે, ત્યારે પ્રગતિ ખૂબ ઝડપી બને છે.

સંઘ પ્રમુખે જણાવ્યું કે આપણે બધા સામૂહિક રીતે ઈશ્વરની સેવામાં જોડાયેલા છીએ તે ભાવ સાથે તેઓ ઉપસ્થિત લોકોને અભિનંદન આપે છે. તેમણે કહ્યું કે ભક્તિ સેન્ટર આવતા લોકોને આ પવિત્ર સ્થળે વારંવાર આવવાનો મોકો મળે છે, જેના કારણે કૃષ્ણ ચેતના સાથે તેમનો સતત જોડાણ જળવાઈ રહે છે.

મોહન ભાગવતે નોંધ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાનો પણ આ અવસર છે. RSS પણ સમાજને આવી ઉચ્ચ ચેતના માટે તૈયાર કરવાનો અને આ ચેતનાને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે.

ભાગવતની ન્યૂ યોર્ક મુલાકાતનો સૌથી મોટો કાર્યક્રમ આજે યોજાશે. તેઓ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું આયોજન અમેરિકન સંસ્થા એહેડ ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમની થીમ ‘વસુધૈવ કુટુંબકમ’ રાખવામાં આવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર, આમાં 200થી વધુ હિન્દુ સંગઠનો ભાગ લઈ રહ્યા છે.

August 19, 2026
image-23.png
1min122

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી એશિયામાં સૌથી વધુ શેરડી પીલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની 15 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. છેલ્લા 10 વર્ષથી સત્તા પર રહેલી ભાજપપ્રેરિત ‘સહકાર પેનલ’ નો આ ચૂંટણીમાં કારમો પરાજય થયો છે અને ‘કિસાન પરિવર્તન પેનલ’ નો ઝળહળતો વિજય થયો છે. સહકાર પેનલની 1 બેઠક બિનહરીફ થયા બાદ બાકીની બેઠકો માટે યોજાયેલા મતદાનમાં તેમના ઉમેદવારોનો 263 થી 564 મતોના મોટા અંતરથી પરાજય થયો હતો.

ધારાસભ્ય ઈશ્વર પરમાર અને ભાજપના પદાધિકારીઓ હાર્યા

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. (બારડોલી સુગર) ની ચૂંટણીમાં 10 વર્ષથી સત્તા સંભાળતા અને સહકાર પેનલના મોવડી સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ તેમજ સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને માજી કેબિનેટ મંત્રી તથા બારડોલીના ભાજપ ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના તમામ ડિરેક્ટરો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જોકે, મુકેશ પટેલની નેતૃત્વ હેઠળની કિસાન પરિવર્તન પેનલે ભાજપ સમર્થિત તમામ દિગ્ગજ નેતાઓને પરાજય આપી મિલમાં સત્તાપરિવર્તન આણ્યું છે.

બારડોલી સુગર ફેક્ટરીમાં જ નોકરી કરીને 20 વર્ષથી વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદ વિનોદચંદ્ર પટેલે અમેરિકાથી આવીને પરિવર્તન પેનલમાં બારડોલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સહકાર પેનલના ગિરીશ પટેલ સામે 403 મતોની મોટી સરસાઈથી વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં પણ દર વખતની જેમ વિદેશમાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.

August 3, 2026
image-8.png
1min154

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 1, 2026
image.png
1min120

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’