CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 2 of 54 - Anant Post

July 28, 2026
gujarat_vidhansabha.jpg
1min98

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. બજેટ સત્ર દરમિયાન ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ સહિત દર ચારમાંથી એક ધારાસભ્યએ એક પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલા બજેટ સત્ર અંગે ગુજરાત વિધાનસભા સચિવાલયના રિપોર્ટના વિશ્લેષણ મુજબ, 182માંથી 45 ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળ સિવાયની કોઈ પણ ચર્ચામાં ભાગ લીધો નહોતો. રાજ્યના બજટે, સરકારી વિધેયકો, દરખાસ્તો, મુતલવી રાખેલી દરખાસ્તો અને અહેવાલ સહિતની મહત્વપૂર્ણ બંધારણીય બાબતોમાં કોઈ ચર્ચામાં જોડાયા નહોતા.

ચર્ચામાં ભાગ ન લેનારા ધારાસભ્યોની યાદીમાં રાજ્યકક્ષાના પ્રધાનો ત્રિકમ છાંગા, કાંતિલાલ અમૃતિયા, પી. સી. બરંડા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, કૌશિક વેકરિયા, પરષોત્તમ સોલંકી, કમલેશ પટેલ અને રમેશ કટારાનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પ્રધાનો વહીવટી જવાબદારીઓમાં વ્યસ્ત હોય છે અને પોતાના ખાતાને લગતી બાબતોમાં જ મર્યાદિત જવાબ આપતા હોય છે, પરંતુ ગૃહના ચોથા ભાગના સભ્યોની નિષ્ક્રિયતા વિધાસભાની ચર્ચાઓની ભાગીદારી સામે મોટા સવાલો ઊભા કરે છે.

રિપોર્ટ અનુસાર, આ સત્ર દરમિયાન વિવિધ કામગીરીમાં કુલ 493 વખત સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં બજેટ પરની ચર્ચામાં સૌથી વધુ 223 વખત રજૂઆતો થઈ હતી, જે દર્શાવે છે કે રાજ્યનું વાર્ષિક નાણાકીય નિવેદન ચર્ચાનો મુખ્ય વિષય રહ્યું હતું. આ ઉપરાંત, અન્ય વિષયો પર 144 વખત, સરકારી વિધેયકો પર 65, રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવ પર 28, ખાનગી સભ્યોના પ્રસ્તાવ પર 18, ખાનગી સભ્યોના બિલ પર 8 અને સરકારી પ્રસ્તાવ પર 7 વખત સભ્યોએ રજૂઆતો કરી હતી.

આંકડાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે વિધાનસભાની કામગીરીમાં ભાગીદારી અમુક જ સભ્યો પૂરતી મર્યાદિત રહી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહનું સંચાલન કરવાની તેમની જવાબદારીના ભાગરૂપે સૌથી વધુ 47 વખત ભાગ લીધો હતો, જ્યારે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ 10 વખત ભાગ લીધો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સત્ર દરમિયાન 5 વખત અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ 7 વખત ચર્ચામાં ભાગ લીધો હતો.

સત્તાધારી પક્ષમાંથી પ્રધાન ઋષિકેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા 15-15 વખત ચર્ચામાં ભાગ લઈને સૌથી વધુ સક્રિય રહ્યા હતા. સામે વિપક્ષમાં, કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ 15 વખત રજૂઆતો કરી હતી, જ્યારે AAP ના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ઉમેશ મકવાણા 14-14 વખત ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સભ્યોમાં અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ 13 વખત, ચૈતર વસાવાએ 12, રમણલાલ વોરાએ 11, મંત્રી જીતુ વાઘાણીએ 10 અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 8 વખત પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાષ્ટ્રીય રાજકીય નિષ્ણાતોના મતે, પોતાના વિસ્તારના કામો અને સમિતિઓની જવાબદારીઓ ઉપરાંત ગૃહની ચર્ચાઓમાં ભાગ લેવો એ પણ ધારાસભ્યની કામગીરીનું એક મહત્વનું માપદંડ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાને સ્પર્શતા કાયદાઓ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે જ ગૃહમાં જાય છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ મૌન રહે, ત્યારે લોકશાહીમાં તેમની જવાબદારી અને પારદર્શિતા પર અસર પડે છે.

June 17, 2026
image-9-1280x720.png
1min195

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી 9 સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી… જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના 9માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

June 9, 2026
image-5-1280x720.png
1min180

દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે…

સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.

ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.

જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.

May 11, 2026
image-7.png
1min309

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સરળતાથી પરિવહનની અનિશ્ચચતા વચ્ચે દેશમાં પણ ઇંધણની સપ્લાય ચેનને અસર થઇ છે. જેના પગલે પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશના ઈંધણનો જથ્થો પૂરતો છે.

આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે શક્ય હોય ત્યાં મેટ્રો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ લોકો કારપૂલિંગ અપનાવે છે અને માલસામાન માટે રેલવેને પસંદ કરે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જો દરેક નાગરિક રોજિંદા જીવનમાં ઊર્જા બચાવવાનો પ્રયાસ કરે તો દેશ પરનો આર્થિક દબાણ ઘટાડી શકાય છે.

તેમણે પેટ્રોલ ડીઝલની સ્થિતી અને જણાવ્યું કે દેશમાં ક્રુડ ઓઈલનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને બધી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે. દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત નથી અને એલપીજી એજન્સીઓ પર પણ પુરવઠો સામાન્ય રહ્યો છે.

મંત્રાલયે માહિતી આપી હતી કે રાંધણ ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એલપીજી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. છેલ્લા ત્રણ દિવસમાં 1 કરોડ 14 લાખ બુકિંગ સામે 1 કરોડ 26 લાખ એલપીજી સિલિન્ડર ઘરોમાં પહોંચાડવામાં આવ્યા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શીયલ એલપીજીનું વેચાણ પણ 17 હજાર ટનથી વધુ થયું છે. સરકારે કહ્યું કે ઓટો એલપીજીનું વેચાણ પણ 762 ટનથી વધુ નોંધાયું છે. તેમજ પુરવઠા પ્રણાલી સામાન્ય રીતે કાર્યરત છે અને ગભરાવાની કોઈ જરૂર નથી.

May 10, 2026
image-6.png
1min349
  • વીસીકે અને આઈયુએમએલના બે-બે ધારાસભ્યોના સમર્થન સાથે થલાપતિ વિજય 120 ધારાસભ્યોના ટેકાથી બહુમતે પહોંચ્યો
  • કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોનો વિજયને શરૂઆતથી જ ટેકો

તમિલનાડુમાં અંતે શનિવારે Dated 09/05/2026 અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.

તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા 108 બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા ૨૩૪ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં 118 ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે 2-2 ધારાસભ્યો છે. આ સાથે વિજયને 120 સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને 120 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

વિજય હવે 10/05/2026 રવિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.

આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી 118 ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા.

ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.

May 5, 2026
image-2.png
1min275

દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બે રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત UDF સરકારની રચના કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMCની કારમી હાર

જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે.

આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી

આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.

પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે એક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 6 અને ટીવીકેને 3 બેઠકો મળી છે. તેમજ ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઇ છે. આમ, પુડુચેરીમાં એનડીએ સરકારની રચના કરશે.

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકે કિંગ બની

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષ ડીએમકે અને એઆઇએડીએમકેને પછાડી દીધા છે. તેમજ ટીવીકે 104 બેઠક પર જીત મેળવી છે તેમજ 03 બેઠકો પર આગળ છે. જોકે, ટીવીકેને પૂર્ણ બહુમત માટે 118 બેઠકોની જરૂર છે. જ્યારે સત્તાધારી ડીએમકેએ 72 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે. જ્યારે એઆઇએડીએમકે એ 51 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતી

જ્યારે કેરલમમાં 140 બેઠકમાંથી કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતીને સત્તા મેળવી છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફએ 35 બેઠક જીતી છે. તેમજ એનડીએ માત્ર 3 બેઠક જીતી છે.

April 29, 2026
image-23.png
2min273

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે બુધવાર, 29 એપ્રિલના રોજ સવારે 7:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના સાત જિલ્લાઓની કુલ 142 બેઠકો પર આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 23 એપ્રિલના રોજ 152 બેઠકો પર રેકોર્ડબ્રેક 93.19% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઈતિહાસમાં સૌથી વધુ છે.

બીજા તબક્કામાં કુલ 3,21,73,837 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેની વિગત નીચે મુજબ છે:

  • પુરુષ મતદારો: 1,64,35,627
  • મહિલા મતદારો: 1,57,37,418
  • થર્ડ જેન્ડર: 792
  • કુલ ઉમેદવારો: 1,448

આ તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભબાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. આ સિવાય રાજ્ય મંત્રી સુજીત બોસ (બિધાનનગર), ફિરહાદ હકીમ (કોલકાતા પોર્ટ), બ્રાત્ય બસુ (દમ દમ) અને ભાજપના અર્જુન સિંહ (નોઆપાડા) તથા સ્વપન દાસગુપ્તા (રાશબિહારી) જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે. ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે.

  • ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતદાન માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા કરી છે.
  • કેન્દ્રીય સુરક્ષા દળોની 2,321 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે
  • સૌથી વધુ 273 કંપનીઓ માત્ર કોલકાતામાં છે.
  • કુલ 41,001 મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગ દ્વારા સીધું નિરીક્ષણ કરવામાં આવશે.
  • ડ્રોન કેમેરાથી પણ સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવામાં આવશે.
  • 142 જનરલ ઓબ્ઝર્વર્સ અને 95 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે.

એક તરફ ચૂંટણીનો ગરમાવો છે, તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ બંગાળમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અસર મતદાનની ટકાવારી પર પડી શકે છે.

April 28, 2026
bjplogo.png
1min215

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રવિવારે મતદાન સંપન્ન થયા પછી સાર્વત્રિક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થઇ ચૂકી, જેમાં અનેક બેઠકોમાં અપસેટ સર્જાયા છે, જેમાં અમુક ઉમેદવાર એકાદ મતથી જીત્યા છે તો અમુક ઉમેદવાર શરુઆતના વલણમાં હાર્યા પછી જીત્યા પણ છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર 15 મહાનગર પાલિકાની બેઠક પર 50 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જિલ્લા પંચાયતમાં 60.22 ટકા અને તાલુકા પંચાયતમાં 61.08 ટકા વોટિંગ નોંધાયું હતું. કુલ 10,005 બેઠકમાંથી 737 બેઠક પર બિનહરીફ થઈ ચૂકી છે. 

અમદાવા, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 15 મહાનગર પાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા 2027ની ચૂંટણી પહેલા સત્તાની સેમી ફાઈનલ કહેવાય છે, જેના પરિણામ પર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના નેતાઓની નજર પણ છે, ત્યારે પરિણામો ચોંકાવનારા રહ્યા નથી, કારણ કે અગાઉથી ભાજપનું પ્રભુત્વ હતું, જેનું આજના પરિણામમાં પણ 2021 પુનરાવર્તન થયું છે. 

લખાય છે ત્યારના પરિણામો અનુસાર જિલ્લા પંચાયતમાં ભાજપની સામે કોંગ્રેસ પણ ટક્કર આપી રહ્યું છે. અમુક જગ્યાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના મજબૂત વલણ ધરાવે છે, જ્યારે અમુક બેઠકો પર મોટો ગાબડાં પણ પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યની તમામ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને શાનદાર જીત મળી છે, જ્યારે અમુક બેઠક પર વિપક્ષને નામ પૂરતી બેઠકો મળી છે. 

અત્યાર સુધીના પરિણામોમાં અમદાવાદ મહાનગર પાલિકાની કુલ 192 બેઠકમાંથી 98 બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને અત્યાર સુધીમાં 84 બેઠક પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસને 6 બેઠક મળી છે. આમ આદમી પાર્ટી (આપ) અને એઆઈએમઆઈએમને કોઈ સફળતા મળી નથી. સુરત મહાનગર પાલિકામાં 120 બેઠકમાંથી ભાજપએ 80 બેઠક પર કબજો મેળવ્યો છે, જ્યારે અન્ય બેઠક એક કોંગ્રેસ અને ચાર આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે. 
અત્યાર સુધીમાં 1044 સીટમાંથી 831 સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી ભાજપને સર્વોચ્ચ બહુમતી મળી છે. ઉપરાંત, ગાંધીધામ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ભાવનગર, આણંદ, નડિયાદ, વડોદરા, નવસારી, વાપી, સુરત અને મોરબીમાં ભાજપને ડબલ ડિજિટમાં જીત મળી છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સિંગલ ડિજિટમાં બેઠકો મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકામાં કુલ 72 બેઠકમાંથી ભાજપને 65 સીટ પર જંગી બહુમત મળ્યો છે, કોંગ્રેસને અહીં સાત સીટ મળી છે. વડોદરા મહાનગર પાલિકાની 76 બેઠક પર ભાજપને 49 સીટ મળી છે, જ્યારે કોંગ્રેસને છ સીટ મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષના ઉમેદવારને જીત મળી છે. નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપ નંબર વન પક્ષ રહ્યો છે, જ્યારે નંબર ટૂ પર કોંગ્રેસ પાર્ટી છે. 

ઐતિહાસિક જીત પછી કેન્દ્રીય પ્રધાન સીઆર પાટીલે સુરત અને ગુજરાતના મતદારોનો આભાર માનતા જણાવ્યું કે આજે સુરત અને સમગ્ર રાજ્યની જનતા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે. અમુક પક્ષો એવા ભ્રમમાં હતા કે જનતા તેમના ખિસ્સામાં છે, પણ આજે પરિણામોએ અભિમાની પક્ષોને ઘરભેગા કર્યા છે. કોઈ પણ પાર્ટી કેમ ના હોય, પણ જનતાએ પાઠ ભણાવ્યા છે.

April 25, 2026
stc_election-1.jpg
1min199

ગુજરાતમાં રવિવાર ને 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન છે પણ ચૂંટણી હોય એવો માહોલ જ નથી. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો ઉપરાંત 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠક માટે 26 એપ્રિલ 2026ને રવિવારે થનારા મતદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ત્રણ પક્ષો વચ્ચે મુખ્ય જંગ છે. આ સિવાય બીજા નાના નાના પક્ષો અને અપક્ષો પણ મેદાનમાં છે.

રાજકીય પક્ષોના અને અપક્ષ ઉમેદવારો તો ચૂંટણીમાં ઊભા રહ્યા એટલે પ્રચાર કરવો જ પડે તેથી એ બધા પોતાની રીતે મથ્યા કરે છે પણ સામાન્ય પ્રજામાં કોઈ ઉત્સાહ નથી. બધા મળીને 25 હજારથી વધારે ઉમેદવારો મેદાનમાં છે બધાંના સો-સો સમર્થકો ગણીએ તો લગભગ 25 લાખ જેટલા લોકો ચૂંટણીમાં સક્રિય છે તેથી થોડો ઘણો માહોલ લાગે પણ આ માહોલમાં સામાન્ય મતદારોની બહુ ભાગીદારી હોય એવું દેખાતું નથી.

આ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પછી સૌથી મોટી છે. રાજ્યની તમામ જિલ્લા પંચાયતો માટે મતદાન છે તેથી રાજ્યના તમામ મતદારો મતદાન કરશે એ જોતાં તેનો વ્યાપ તો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી જેવો જ છે. ગુજરાતમાં આવતા વરસે એટલે કે 2027ના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં રાજકીય પક્ષો માટે આખા રાજ્યમાં પોતાની તાકાતનાં પારખાં કરવાની આ છેલ્લી તક છે ને લોકો માટે પણ વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના ગમા-અણગમા, અસંતોષ, આક્રોશ વગેરે વ્યક્ત કરવાનો આ છેલ્લો મોકો છે.

આ નિરસતાનું મુખ્ય કારણ ગુજરાતમાં સબળ વિપક્ષનો અભાવ છે. ખાસ કરીને કોંગ્રેસ સાવ નબળી સાબિત થઈ છે. ગુજરાતમાં વરસોથી ભાજપ સત્તામાં જામેલો છે પણ લોકોની સમસ્યાઓ તો હજુય યથાવત જ છે. રોડ-રસ્તા, પાણી, ચોમાસામાં પાણી ભરાઈ જવાં સહિતની સ્થાનિક ચૂંટણીઓ માટેની સમસ્યાઓ મોટા પ્રમાણમાં છે પણ વિપક્ષ લોકોની આ સમસ્યાઓને અસરકારક રીતે રજૂ જ નથી કરી શકતો.

અત્યારે ચૂંટણી છે તેથી ઘણે ઠેકાણે મતદારો પોતે જાગૃતિ બતાવીને પોતાની સમસ્યાઓને મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મૂકે છે, ભાજપના કાર્યકરો કે નેતાઓને પોતાના વિસ્તારોમાં નહીં પ્રવેશવા દેવા જેવા નિર્ણયો લે છે ને ઘણે ઠેકાણે તો કામ કરવામાં નિષ્ફળ ગયેલા ભાજપના હોદ્દેદારો સામે ઉગ્ર આક્રોશ પણ ઠલવાયો છે.

ખરેખર, આ કામ વિપક્ષે કરવાનું હોય પણ વિપક્ષ નિષ્ફળ ગયો છે. વિપક્ષોએ આક્રમકતાથી પાંચ વરસ લગી લોકોની સમસ્યાઓ ઉઠાવી હોત તો અત્યારે લોકો તેમની પડખે ઊભા રહ્યા હોત. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કેટલાક વિસ્તારોમાં ખેડૂતોની સમસ્યાઓને સતત વાચા આપી તેના કારણે મતદારો તેમના પ્રચારમાં સક્રિય છે પણ બધે આ માહોલ નથી. કોંગ્રેસની તરફેણમાં લોકો ઉમટતા જ નથી તેથી ચૂંટણીનો માહોલ જામતો નથી.

ભાજપે અપનાવેલી બિનલોકશાહી રીતરસમો પણ મતદારોની નિરસતાનું એક કારણ છે. ગુજરાતમાં વરસોથી ભાજપનું એકચક્રી શાસન છે અને લોકસભા તથા વિધાનસભાઓની ચૂંટણીઓમાં તો ભાજપનું બુલડોઝર જ ફરી વળે છે. લોકસભામાં છેલ્લી ત્રણ ચૂંટણીમાંથી બે વાર તો ભાજપે ગુજરાતમાં ક્લીન સ્વીપ કરીને બધી બેઠકો જીતેલી.

April 24, 2026
image-13.png
1min124

આમ આદમી પાર્ટીના સાત સાંસદો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભામાં સમિકરણો બદલાઈ ગયા છે. સાતેય સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની ગઈ છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ આજે (24 એપ્રિલ) પ્રેસ કોન્ફરન્સ કરીને અન્ય બે સાંસદો સાથે AAP છોડવાની જાહેરાત કરી છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ પાર્ટી છોડી દીધી છે અને ત્રણેય નેતાઓએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાં આ અત્યાર સુધીની સૌથી મોટી તિરાડ છે.

રાજ્યસભામાં ભાજપની સંખ્યા વધીને 113 થઈ

તાજેતરના આંકડા મુજબ, ભાજપ પાસે રાજ્યસભામાં 106 સભ્યો છે. જેમાં AAPના 7 પક્ષપલટુ સાંસદો ઉમેરાયા બાદ ભાજપની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં ભાજપ મજબૂત થઈ છે, સાથે જ આગામી કાયદાકીય એજન્ડાની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

ભાજપને પક્ષપલટુઓનો સાથ મળતા મજબૂત તો થયું જ છે, સાથે તેમના સાથી પક્ષોના સહયોગના કારણે પણ આ સંખ્યાને મજબૂતી આપી છે. હાલ ભાજપના નેતૃત્વ હેઠળના NDAમાં સાથી પક્ષોના સાંસદો સહિત કુલ 136 સાંસદો છે અને હવે સાત સાંસદોના પક્ષપલટા બાદ આ સંખ્યાબળ 143 પર પહોંચી ગયું છે. સામાન્ય રીતે આ સભ્યો અનેક મહત્વના ખરડાઓ દરમિયાન સરકારનું સમર્થન કરતા રહ્યા છે, જેનાથી સત્તા પક્ષને વ્યૂહાત્મક સરસાઈ મળે છે.

રાજ્યસભામાં NDAના સાથી પક્ષોની સ્થિતિ

તમિલનાડુની AIADMKના 5 સભ્યો
તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 2 સભ્યો
શિવસેનાના 2 સભ્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર જૂથના 4 સભ્યો
રામદાસ અઠાવલેની RPIના 1 સભ્ય
બિહારમાં નીતીશ કુમારની JDUના 4 સભ્યો
કર્ણાટકમાં JDSનો 1 સભ્ય
ઉત્તર પ્રદેશમાં પ્રભાવ ધરાવતી RLDના 1 સભ્ય
આસામની AGPના 1 સભ્યો
UPPLના 2 સભ્યો

રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર કરવો NDA માટે હંમેશા પડકાર રહ્યો છે. લોકસભામાં મજબૂત બહુમતી હોવા છતાં, ઉપલા ગૃહમાં સંખ્યા ઓછી હોવાને કારણે ઘણી વખત સરકારે વિપક્ષ સાથે તાલમેલ બેસાડવો પડતો હતો, પરંતુ હવે 113ના આંકડા સુધી પહોંચવાથી સરકાર માટે બિલ પાસ કરાવવું સરળ બની શકે છે.