CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 3 of 54 - Anant Post

April 23, 2026
image-12.png
1min126

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આજે(23 એપ્રિલ, 2026) પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી હતી. 

સત્તાવાર પોલિંગ ટ્રેન્ડ્સ (VTR) મુજબ, તમિલનાડુમાં અંદાજે 84.41 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આ આંકડો આશ્ચર્યજનક રીતે 91.46 ટકા સુધી પહોંચી ગયો છે. લોકશાહીના આ પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જે રાજકીય સમીક્ષકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ આંકડાઓ હજુ અંદાજિત છે અને અંતિમ આંકડાઓમાં આંશિક ફેરફાર થઈ શકે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર બમ્પર વોટિંગ થયું છે. બાકીની 142 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં જનતા 1478 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. બીજી તરફ તમિલનાડુની તમામ 234 બેઠકો પર સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઈનો લાગી હતી.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રેકોર્ડબ્રેક મતદાન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં તમિલનાડુમાં અંદાજે 82.24% મતદાન થયું છે. બંગાળમાં અંદાજે 89.93% મતદાન થયું છે. એટલે કે બંને રાજ્યોમાં લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખ્યા છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મતદાનની ટકાવારી ઘણી વધારે છે, જે દર્શાવે છે કે લોકો ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા 2021માં બંગાળની ચૂંટણીમાં સરેરાશ 81.69% મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં જ્યાં TMC અને BJP વચ્ચે કડક મુકાબલો છે, તો તમિલનાડુમાં પણ DMKની આગેવાની હેઠળના ઈન્ડિયા (INDIA) ગઠબંધન અને AIADMK-BJPના NDA વચ્ચે ટક્કર છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાન મથકોની બહાર મતદારોની લાંબી કતારો જોવા મળી અને મહિલાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો.

આમ આદમી પાર્ટીના સંયોજનક અરવિંદ કેજરીવાલ બંગાળ ચૂંટણીમાં TMCનો પ્રચાર કરશે. મમતા બેનર્જીએ પ્રચાર કરવા આમંત્રણ આપ્યું હતું જેથી કેજરીવાલ 26-27 એપ્રિલના રોજ TMC માટે જનતા વચ્ચે જઈને વોટ માંગશે.

‘ચૂંટણી પંચ સફળ રહ્યું છે, શાંતિપૂર્ણ મતદાન થયું છે. મારી જાણકારી મુજબ 90 ટકા મતદાન થયું છે. અમે પ્રથમ તબક્કામાં 125 બેઠકો જીતીશું. મુસ્લિમ મતો તો પહેલાથી જ Consolidate (એકત્રિત) થઈ ગયા હતા, પરંતુ પરિણામો પછી જો જો કે 85 ટકા હિન્દુઓ તમને ભાજપની સાથે જોવા મળશે. બીજો તબક્કો અમારા માટે મુશ્કેલ નથી. બસ ગુંડાગીરી પર કાબૂ મેળવવો પડશે. ચૂંટણી પંચ પ્રથમ તબક્કા પછી 100 ટકા કામગીરી કરી શક્યું છે.’

April 12, 2026
electionbond.jpg
1min99

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક સ્વ એટલે કે પોતાનું રાજ ચાલતું હોય તેમ ઉમેદવારીપત્રો ભરાવાના છેલ્લા દિવસે જ 100 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે, તેમાં મોટાભાગના ભાજપના છે. રાજ્યમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાનાર છે. જ્યારે બુધવાર સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે. આ સંજોગોમાં બિનહરીફ જીતનારની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા તેમાં વધારો થશે કે ઘટાડો તેના ઉપર રાજકીય પંડિતોની નજર છે.

ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન, 11મી એપ્રિલના રોજ ઉમેદવારીપત્રો નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમેદવારી નોંધાવાઈ છે ત્યાં જ રાજ્યભરની કુલ દસ હજાર બેઠકોમાંથી એક ટકો એટલે કે 100 બેઠકો ઉપર ઉમેદવારો સીધા જ બિનહરીફ વિજેતા બન્યા છે. બિનહરીફ જાહેર થયેલાંમાં મોટાભાગના ભાજપના છે. સામે પક્ષે ઉમેદવારી ન નોંધાવાના કારણે અને એક જ ઉમેદવાર હોવાથી બિનહરીફ વિજેતા જાહેર થાય છે. તો, કોઈ સ્થળે નોંધાવાયેલી ઉમેદવારી ટેકનિકલ કારણોસર રદ થાય અને એક જ ઉમેદવાર વધે તો બિનહરીફ વિજેતા જાહેર થતાં હોય છે.

બિનહરીફ વિજેતા થનારાઓની સંખ્યા તાલુકા પંચાયતોમાં વિશેષ રહે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્વ એટલે કે પોતાના કે પક્ષના જોરે અન્ય કોઈની ઉમેદવારી ન નોંધાય તેવી સ્થિતિમાં બિનહરીફ વિજેતા જાહેર થાય છે.

ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે સૌથી મોટો વિજય ભાજપે કડી પાલિકા જીતીને મેળવ્યો છે. કડીની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ 1, 3 અને 6ની જ 12 બેઠકોનો સમાવેશ થાય છે. કચ્છમાં ભુજ પાલિકાની 3, નખત્રાણા તાલુકા પંચાયતની બે અને માંડવી તાલુકા પંચાયતની બે બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 9, ગણદેવી તાલકા પંચાયતમાં 6, તાપીમાં 4, વલસાડ તાલુકા પંચાયતમાં 5, મહેમદાવાદ નગર પાલિકા અને તાલુકા પંચાયતમાં 6, ઓલપાડ તાલુકા પંચાયતમાં 2, સુરેન્દ્રનગર તાલુકા પંચાયતમાં 2, ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ-1ની ચાર, પોરબંદરના વોર્ડ નંબર 12ની ચાર, તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપે બિનહરીફ મેળવી છે. તો બનાસકાંઠામાં ચાર, જામજોધપુર તાલુકા પંચાયતમાં એક, ગોધરા પાલિકાના વોર્ડ 3, 4 અને 11માં ત્રણ મહિલા કાઉન્સિલર, ગોંડલ પાલિકાના વોર્ડ-7માં બે મહિલા અને રાજપિપળા પાલિકાના વોર્ડ-7માં પૂર્વ મહિલા પ્રમુખ બિનહરીફ થયાં છે. તો, કોંગ્રેસે હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં એક બેઠક બિનહરીફ મેળવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વાસણા વોર્ડમાં ચારમાંથી કોંગ્રેસના એક ઉમેદવાર ઓબીસી અનામત સર્ટીફિકેટ રજૂ ન કરી શકતાં એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. વાસણા વોર્ડની ઓબીસી અનામત બેઠકમાં ચકાસણી બાદ ભગવતીબહેન ભરવાડ બિનહરીફ જાહેર થશે તો અમદાવાદમાં મતદાન પહેલાં જ ભાજપ જીતનું ખાતું ખોલાવશે.

April 7, 2026
image-3.png
1min130

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ટાણે પહેલેથી જ SIR હેઠળ મતદારોના નામ કપાવાનો વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હજુ પણ 60 લાખ મતદારોના નામ પર વિચારણા ચાલી રહી હોવાનો ડેટા જાહેર થયો છે. ચૂંટણી પંચે આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)માં વિચારાધીન 60 લાખ મતદારોના નામનો ડેટા જાહેર કર્યો છે.

ચૂંટણી પંચે પહેલીવાર જિલ્લા મુજબ નામ દાખલ કરવાની અને હટાવવાની માહિતી શેર કરી છે. પંચના જણાવ્યા મુજબ, બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં કુલ 90.66 મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. પંચે 2025માં પ્રથમ તબક્કા હેઠળ ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં 58.2 લાખ મતદારોના નામ હટાવાયા હતા, ત્યારપછી ફેબ્રુઆરી-2026માં અંતિમ યાદી જાહેર કરાઈ હતી અને આમાં વધુ 5.46 લાખ મતદારો નામ કપાયા છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે, ડેટામાં ટેકનિકલ સમસ્યાના કારણે 60 લાખથી વધુ મતદારોની ઊંડાઈપૂર્વક તપાસ કરીને ખાતરી કરાઈ રહી છે. અધિકારીઓ સંપૂર્ણ ચોક્સાઈથી તપાસ કરી શકે તે માટે આ મતદારોના નામ ન્યાયિક પ્રક્રિયા હેઠળની રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 59.84 લાખ મતદારોની ખાતરી કરી લેવાઈ છે, જેમાં સંપૂર્ણ તપાસ બાદ લગભગ 32.68 લાખ યોગ્ય મતદારોના નામ યાદીમાં નોંધવામાં આવ્યા છે, જ્યારે પાત્રતા વિનાના 27.16 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.

બંગાળમાં 23-29 એપ્રિલે મતદાન

ચૂંટણી પંચના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા બાદ જિલ્લા મુજબ નામ જોડવાનો અને હટાવવાનો ડેટા જાહેર કરાયો છે. ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય, SIRની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવાનો અને મતદાર યાદીની વિશ્વસનિયતા વધારવાનો છે. અત્રે એ જણાવી દઈએ કે, આ ડેટા હવે જાહેરમાં ઉપલબ્ધ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

April 6, 2026
image-1280x720.png
1min143

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે 05/04/2026 અહીં તેમની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપતા ગુજરાતના લોકોને “અભણ” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓને “મૂરખ” બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે મોટો વિવાદ થયો છે. આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે.

ખડગેએ કહ્યું હતું કે મોદી કે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયન કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી, તેમણે કેરળના લોકોને “ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત” ગણાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે, “કેરળના લોકોને ગેરમાર્ગે દોરશો નહીં. તેઓ ખૂબ જ હોંશિયાર અને શિક્ષિત છે. મોદીજી, વિજયન, તમે બંને ગુજરાત કે અન્ય સ્થળોએ જે લોકો અશિક્ષિત છે તેમને મૂરખ બનાવી શકો છો, પરંતુ તમે કેરળના લોકોને મૂરખ બનાવી શકતા નથી.

તેમણે એવો આક્ષેપ કરતા આ ટિપ્પણી કરી હતી કે મોદી અને વિજયન બંને એક જ રસ્તા પર ચાલી રહ્યા છે અને તેઓ જે પક્ષોનું નેતૃત્વ કરે છે તે સિવાય તેમની વચ્ચે કોઈ તફાવત નથી. ખડગેએ કહ્યું કે, “એલડીએફ અને ભાજપ સાથે મળીને આગળ વધી રહ્યા છે અને કોંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. દિલ્હીમાં મોદી અને કેરળમાં વિજયનની કાર્યશૈલી સમાન છે. તેઓ સત્તા પોતાના હાથમાં કેન્દ્રિત રાખવા માંગે છે.”
તેમણે દાવો કર્યો હતો કે, હકીકતમાં, મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે પિનારાયી વિજયન કેરળના મોદી છે અને ભાજપ તથા એલડીએફએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે ગુપ્ત રીતે કાવતરું ઘડ્યું છે.

ખડગેએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિજયન પર મોદીનું નિયંત્રણ છે અને તેઓ હવે સ્વતંત્ર માણસ રહ્યા નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ સૌથી કોમવાદી પક્ષ છે અને તે આરએસએસની સાથે મળીને દેશને બરબાદ કરી દેશે. ખડગેએ મોદીને “જૂઠા” ગણાવ્યા અને લોકોને તેમના પર વિશ્વાસ ન કરવા વિનંતી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પીએમ સત્તામાં આવ્યા પછી દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું તેમનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જ્યારે આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે કે આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. તેમજ ગુજરાતના લોકો અંગે આપવામાં આવેલા નિવેદનો ખૂબ જ વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ માત્ર ગુજરાતના 6 કરોડ લોકોનું અપમાન જ નથી કરતી પણ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પવિત્ર ભૂમિની ગરિમાને પણ ઊંડી ઠેસ પહોંચાડે છે.

ગુજરાતે હંમેશા રાષ્ટ્રનિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રાખશે. આવા નિવેદનો કોંગ્રેસ પક્ષની સંકુચિત માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ ટિપ્પણીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જાહેર સમર્થન સામે કોંગ્રેસ કેટલી અસ્વસ્થતા અને અસુરક્ષિત અનુભવે છે. ગુજરાતના જાગૃત લોકો આવા નિવેદનોનો જવાબ કેવી રીતે આપવો તે જાણે છે. તેમજ એ ચોક્કસ છે કે આવનારા સમયમાં, કેરળના લોકો પણ કોંગ્રેસને નકારી કાઢશે અને ભાજપની વિકાસની રાજનીતિને ટેકો આપશે.

March 16, 2026
eci_logo.jpg
1min227

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના કુલ 17.4 કરોડ મતદાર ચૂંટણી પર્વ સામેલ થશે, જ્યારે પાંચ રાજ્યની કુલ 824 વિધાનસભાની ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજવામાં આવશે, જ્યારે મે મહિનામાં પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બંગાળ સહિત અન્ય રાજ્યની ચૂંટણીની સાથે આદર્શ  આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત કરી હતી.

ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. આસામ, કેરળ અને પોડિચેરીમાં 9 એપ્રિલે મતદાન થશે, જ્યારે તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં વોટિંગ યોજાશે. પશ્ચિમ બંગાળમાં મતદાન બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલે થશે. આ દરેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે. 

આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા બેઠકો, તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો, આસામમાં 126 બેઠકો, કેરળમાં 140 વિધાનસભા બેઠકો અને પુડુચેરીમાં 30 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. 

મતદારોની વાત કરવામાં આવે તો, આસામમાં 2.50 કરોડ મતદાતાઓ, કેરળમાં 2.70 કરોડ મતદાતાઓ, પુડુચેરીમાં 9.44 લાખ મતદારો, તમિલનાડુમાં 5.67 કરોડ મતદારો અને પશ્ચિમ બંગાળમાં 6.44 કરોડ મતદારો મતદાન કરવાના છે. મતદાનની વાત કરીએ તો, આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. તમિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં, 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે.

ચૂંટણીની તારીખો જાહેર કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, અમે પાંચ રાજ્યોમાં 25 લાખ અધિકારીઓને તૈનાત કર્યા છે. આમાં 8,50,000 સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. આ પાંચ રાજ્યોમાં 2,18,000 પોલિંગ બુથ સ્થાપિત કરવામાં આવશે. વધુમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, BLO ને ઓળખ કાર્ડ આપવામાં આવશે. આ ચૂંટણીને લગતી તમામ વિગતો ECI-NET પર ઉપલબ્ધ રહેશે. મતદાન પૂર્ણ થયા પછી તરત જ મતદાનની ટકાવારી જાહેર કરવામાં આવશે. મતગણતરી પ્રક્રિયા માટે 40,000 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, આસામમાં 20 મે 2026, કેરળમાં 23 મે 2026, પુડુચેરીમાં 15 જૂન, તમિલનાડુમાં 10 મે 2026 અને પશ્ચિમ બંગાળમાં 7 મે 2026 થી વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ રાજ્યોમાં ચૂંટણી માટે અંદાજે 15 લાખ મતદાન કર્મચારીઓ, 8,50,000 સુરક્ષા કર્મચારી, મતદાન માટે 49,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ, 1,444 નિરીક્ષકો, લગભગ 40,000 મતગણતરી અધિકારીઓ, 21,000 સેક્ટર અધિકારી અને ગણતરી માટે 15,000 માઇક્રો-ઓબ્ઝર્વર્સ તૈનાત કરવામાં આવ્યા હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં ચૂંટણી યોજવાની બાબત સુવિધાજનક છે સાથે ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી કે ચૂંટણી પછી હિંસા માટે સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજકીય હિંસા અને ચૂંટણીમાં અવરોધ ઊભા કરનારા સામે કડક પગલા લેવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને પ્રત્યેક મતદાન કેન્દ્ર પર સરેરાશ મતદારની સંખ્યા 750-900 આસપાસ રહેશે.

February 28, 2026
image-32.png
1min125
  • દિલ્હીની દારૂ નીતિમાં ફેરફાર કૌભાંડ હોવાનો કોર્ટનો ઈનકાર
  • દારૂ કૌભાંડમાં કાવતરાંની થીયરી માત્ર અનુમાન આધારિત, કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ જ નથી : ટ્રાયલ કોર્ટ

દેશભરમાં બહુ ગાજેલા આપ સરકારના કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીની કોર્ટે શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને અન્ય ૨૧ને નિર્દોષ છોડી મૂક્યા હતા. દિલ્હી કોર્ટે રાજ્યની દારૂ નીતિમાં ફેરફારથી આપ સરકાર દ્વારા કથિત રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના સીબીઆઈના આરોપોને નકારી કાઢ્યા હતા. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સીબીઆઈ કોઈ પુરાવા રજૂ કરી શકી નથી. ઉલટાનું આ કેસની તપાસ કરનારા સીબીઆઈ અધિકારી સામે આંતરિક તપાસનો કોર્ટે નિર્દેશ આપ્યો હતો. જોકે, ટ્રાયલ કોર્ટના આ ચુકાદા સામે સીબીઆઈએ તાત્કાલિક દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે.

સીબીઆઈએ જે કથિત દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સહિત અનેક મોટા નેતાઓને મહિનાઓ સુધી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા તે કેસમાં શુક્રવારે કોર્ટમાં સીબીઆઈના ધજાગરા ઊડી ગયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ સ્થિત વિશેષ કોર્ટેના ન્યાયાધીશ (પીસી એક્ટ) જિતેન્દ્ર સિંહે સીબીઆઈની ઝાટકણી કાઢતા બધા જ ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. સીબીઆઈનો કેસ ન્યાયિક પરીક્ષણમાં ટકી શકે તેમ નથી. કોઈના વિરુદ્ધ પ્રથમ દૃષ્ટીએ આ કેસ બનતો જ નથી. દાદરૂ નીતિમાં કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત ઈરાદો નહોતો.

આ કથિત દારૂ કૌભાંડના આક્ષેપોના પગલે જ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં મુખ્યમંત્રી પદ છોડવું પડયું હતું અને છ મહિના જેલમાં પસાર કરવા પડયા હતા જ્યારે મનીષ સિસોદિયાએ લગભગ બે વર્ષ જેલમાં કેદ રહેવું પડયું હતું. અને આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સરકાર ગુમાવી હતી. કોર્ટે છોડી મૂકેલા ૨૩ આરોપીઓમાં અરવિંદ કેજરીવાલ અને ન્યાબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત વિજય નાયર, તેલંગણા જાગૃતિનાં અધ્યક્ષ, પૂર્વ સાંસદ અને તેલંગણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાનો પણ સમાવેશ થાય છે.

વિશેષ ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે તપાસમાં થયેલી ભૂલો માટે સીબીઆઈની ઝાટકણી કાઢતા કહ્યું કે, કેજરીવાલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા જ્યારે સિસોદિયા વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ જ નહોતો બનતો. છતાં કેટલાક ભ્રામક કથનો પર ભાર આપવામાં આવ્યો. સીબીઆઈના આરોપનામામાં અનેક ખામીઓ છે, જેમની પુષ્ટી પુરાવા અથવા સાક્ષીઓ સાથે થતી નથી. આરોપનામામાં પણ આંતરિક વિરોધાભાસ છે, જે કાવતરાંની થિયરીના મૂળ પર પ્રહાર કરે છે. કેજરીવાલને કોઈપણ આરોપ વિના ફસાવાયા હતા.

સીબીઆઈએ કહ્યું કે, નવી દારૂ નીતિ મારફત મોટું ગુનાઈત કાવતરું રચાયું હતું, જેમાં પસંદગીના લોકોને ફાયદો પહોંચાડવામાં આવ્યો અને તેના બદલામાં લાંચ લેવામાં આવી હતી. જોકે, કોર્ટે નોંધ્યું કે, રેકોર્ડ પર કોઈ વ્યાપક કાવતરું અથવા ગુનાઈત અંશોના નક્કર પુરાવા નથી. ફરિયાદ પક્ષની કાવતરાંની થીયરી માત્ર અંદાજ પર આધારિત છે. માત્ર આશંકાઓ અને કથિત કડીઓ જોડવાથી ગુનાઈત કાવતરું સ્થાપિત થઈ શકે નહીં. સીબીઆઈએ રજૂ કરેલા પુરાવાઓના આધારે એફઆઈઆર પણ નોંધાઈ શકે નહીં. કોર્ટે સીબીઆઈના આરોપનામાને અત્યંત નબળું ગણાવ્યું હતું.

કોર્ટમાં સીબીઆઈએ ચાર્જશીટમાં નોંધાયેલ કથિત ગેરવહીવટ, બેઠકો અને લેવડ-દેવડના આધારે આરોપ નિશ્ચિત કરવાની માગ કરી હતી. જોકે, કોર્ટે કહ્યું કે, ૨૩માંથી કોઈપણ આરોપી વિરુદ્ધ આરોપ ઘડવા લાયક પુરાવા નથી. સીબીઆઈનો કેસ ન્યાયિક તપાસમાં ટકતો નથી. કોર્ટે કહ્યું કે, અપ્રુવરના નિવેદનોથી તપાસની ખામીઓ દૂર કરવા અને નવા લોકોને આરોપી બનાવવા ખોટું છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ બંધારણીય સિદ્ધાંતોનો ગંભીર ભંગ હોઈ શકે છે. તેને સ્વીકારવામાં આવે તો તે ન્યાય પ્રક્રિયા માટે જોખમી ઉદાહરણ બની શકે છે.

દિલ્હીમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા પછી તુરંત સીબીઆઈ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ આદેશ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરશે. તપાસ એજન્સીનું માનવું છે કે ટ્રાયલ કોર્ટે તપાસના અનેક મહત્વપૂર્ણ પાસાઓની અવગણના કરી છે અથવા તેના પર વિચાર નથી કર્યો.

દિલ્હીમાં કથિત એક્સાઈઝ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત ૨૩ આરોપીઓને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. આ ચુકાદાથી કેજરીવાલ સહિતના આરોપીઓને માત્ર આંશિક રાહત મળી છે. તેમની સામે આ જ કેસના સંદર્ભમાં હજુ મની લોન્ડરિંગનો ઈડીનો કેસ ચાલુ છે. કેજરીવાલ સામે ઈડીનો આ કેસ હજુ પેન્ડિંગ છે. દિલ્હીમાં રાઉઝ એવન્યુ કોર્ટના ચૂકાદા પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલો તેમનો મની લોન્ડરિંગનો કેસ ‘સ્વતંત્ર’ તપાસ પર આધારિત છે. તેમની પાસે આ અંગેના વિશ્વસનીય પુરાવા અને વિવિધ કંપનીઓની જુબાનીઓ પર આધારિત છે. બીજીબાજુ કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે સીબીઆઈના કેસમાં નિર્દોષ છૂટવાની સકારાત્મક અસર ઈડીના કેસ પર પણ પડી શકે છે, કારણ કે ઈડીનો સંપૂર્ણ કેસ સીબીઆઈની એફઆઈઆર પર જ આધારિત હોય છે. મુખ્ય ગુનામાં કોઈ કાવતરું સાબિત ના થાય તો મની લોન્ડરિંગનો કેસ પણ નબળો થઈ શકે છે.

February 19, 2026
image-22.png
1min128

પટણા હાઇકોર્ટે બિહારમાં પક્ષ અને વિપક્ષના કુલ 42 ધારાસભ્યોને નોટિસ ફટકારી જવાબ આપવા આદેશ આપતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ધારાસભ્યોએ ‘વિધાનસભા ચૂંટણી-2025’ મત ચોરી કરી હોવાનો તેમજ એફિડેવિટમાં ખોટી માહિતી આપી હોવાનો આરોપ લાગ્યો છે.

રાજ્યના વિધાનસભા મતક્ષેત્રોમાંથી ચૂંટણી હારેલા ઉમેદવારોએ જીતેલા ધારાસભ્યો વિરુદ્ધ પટણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેના પર આજે(19 ફેબ્રુઆરી-2026) સુનાવણી કરાઈ છે. હાઇકોર્ટે અરજી પર પ્રારંભિક સુનાવણી કરીને તમામ સંબંધિત ધારાસભ્યોને નોટિસ પાઠવી નિર્ધારિત સમયમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.

જે નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેમાં નાણાં અને ઊર્જા મંત્રી બિજેન્દ્ર યાદવ (JDU), ભાજપ ધારાસભ્ય જિવેશ મિશ્રા, જેડીયુ ધારાસભ્ય ચેતન આનંદ, ગોહ વિધાનસભા મતવિસ્તારના આરજેડીના ધારાસભ્ય અમેદ પ્રસાદ સહિત પક્ષ-વિપક્ષના અનેક ધારાસભ્યો સામેલ છે. આવનારા સમયમાં આ મામલે આગામી સુનાવણી હાથ ધરાશે. કોર્ટ સંબંધિત પક્ષોના જવાબ અને પુરાવાઓના આધારે આગળી કાર્યવાહી નક્કી કરશે.

બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે સામે આવ્યા બાદ નેતાઓએ પટણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ ચૂંટણીમાં NDAની બંપર જીત થઈ હતી, જ્યારે આરજેડી માત્ર 25 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસે રાજ્યમાં અનેક સભાઓ ગજવી હતી, છતાં તેણે માત્ર છ બેઠકો જીતી હતી. જીતનરામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોર્યાને પાંચ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોર્ચા ચાર બેઠકો જીતવામાં સફળ થઈ હતી.

February 15, 2026
gujarat-vidhansabha.jpg
1min166

: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

  • કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
  • કામકાજના દિવસો: 23 દિવસ
  • સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
  • કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

  • નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
  • સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

February 13, 2026
image-18.png
1min175

13/02/2026 આજથી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંકુલમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આવેલું છે.

સેવા તીર્થ બિલ્ડીંગની દીવાલ ‘નાગરિકો દેવો ભવ’ સૂત્ર લખવામાં આવ્યું છે, એટલે કે ‘નાગરિકો ભગવાન સમાન છે’
સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નવી બિલ્ડીંગ ભારતની વહીવટી શાસન માટે આર્કિટેક્ચર વિકસાવવ અને વડા પ્રધાનની આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત શાસન ઇકોસિસ્ટમ બનાવવા માટેનાં પ્રયસોને દર્શાવે છે.

સેવા તીર્થ સાથે વડાપ્રધાન મોદીએ કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં નાણા, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોર્પોરેટ બાબતો, શિક્ષણ, સંસ્કૃતિ, કાયદો અને ન્યાય, માહિતી અને પ્રસારણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રસાયણો અને ખાતરો અને આદિજાતિ બાબતો સહિતના કેટલાક મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંનેમાં ડિજિટલી ઇન્ટીગ્રેટેડ ઓફિસો આવેલી છે, સેન્ટ્રલાઈઝડ રિસેપ્શન ફેસિલિટી અને પબ્લિક ઇન્ટરફેસ ઝોન આવેલા છે. આ સંકુલો 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ આજે 13 ફેબ્રુઆરીના સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે, આ તારીખનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજથી 95 વર્ષ પૂર્ણ પહેલા 13 ફેબ્રુઆરી, 1931ના રોજ નવી દિલ્હી શહેરને સતાવાર રીતે ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

February 8, 2026
image-10.png
1min200

દેશની આર્થિક રાજધાની મુંબઈના મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ઇતિહાસમાં દાયકાઓ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાનો મેયર બેસાડવા જઈ રહી છે. ભાજપના હાઈકમાન્ડે વરિષ્ઠ નગરસેવિકા રિતૂ તાવડેના નામ પર સત્તાવાર મહોર મારી છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમએ BMC મુખ્યાલય ખાતે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. 29 વર્ષ બાદ મુંબઈને ભાજપના નેતૃત્વ હેઠળના મેયર મળશે, જે મુંબઈના રાજકીય સમીકરણોમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

રિતૂ તાવડેએ 07/02/2026 શનિવારે ભવ્ય રીતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 10 પંડિતોને બોલાવીને મંત્રોચ્ચાર અને શંખનાદ કરવામાં આવ્યો હતો. એક તરફ શિવાજી મહારાજના જયઘોષ થઈ રહ્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિતૂ તાવડે ઘાટકોપર વિસ્તારના ત્રણ ટર્મથી કોર્પોરેટર છે અને તેઓ મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની છબી એક મિલનસાર અને પાયાના કાર્યકર તરીકેની છે, જે તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.

આ વખતે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે સત્તાની વહેંચણી ખૂબ જ સંતુલિત રીતે કરવામાં આવી છે. મહાયુતિ ગઠબંધન હેઠળ ડેપ્યુટી મેયર પદ શિવસેના શિંદે જૂથના ફાળે ગયું છે, જેમાં સંજય શંકર ઘાડીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે. ભાજપ પાસે 89 બેઠકો છે, જ્યારે શિંદે જૂથ પાસે 29 બેઠકો છે. આ બંને પક્ષોના જોડાણથી આંકડો 118 પર પહોંચે છે, જે બહુમતી કરતા વધારે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ 65 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દેશની સૌથી ધનિક નગરપાલિકા છે, જેનું બજેટ અનેક નાના રાજ્યો કરતા પણ વધુ હોય છે. આથી જ તેના મેયર પદ માટે હંમેશા ખેંચતાણ રહેતી હોય છે. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મેયર પદ માટે સત્તાવાર ચૂંટણી યોજાશે. ભાજપે મહિલા મેયરનો દાવ ખેલીને આગામી ચૂંટણીઓ માટે પણ મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ અને શિંદે જૂથ વચ્ચેનું આ મજબૂત સત્તા સમીકરણ આગામી દિવસોમાં મુંબઈના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે.

રિતૂ તાવડે ભાજપના જૂના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. તેઓ 2012માં વોર્ડ નંબર 127 થી પ્રથમ વખત જીત્યા હતા. ત્યારબાદ 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121 અને 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132 માંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગ્રાઉન્ડ લેવલ પર તેમની પકડ અને વહીવટી અનુભવને કારણે જ પક્ષે મુંબઈ જેવી મહત્વની મહાનગરપાલિકાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. તેમના મેયર બનવાથી મુંબઈના પાયાના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારો આવવાની અપેક્ષા છે.