આધ્યાત્મિક Archives - Anant Post

October 16, 2026
Anant-Post-Khodaldham-doc.png
1min8

શ્રી અન્નપૂર્ણા શ્રી ખોડલ માતાજીની કૃપાથી પાટીદાર સેવા સંઘ આયોજીત “શેરી ઓટલો નવરાત્રી” દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે, એ દરમિયાન શ્રી અન્નપૂર્ણા ખોડલધામના નિર્માણની વિધિવત્ જાહેરાત કરવામાં આવી હતી

શ્રી અન્નપૂર્ણા ખોડલધામની પ્રાથમિક પ્રસ્તાવના માટે આ ડોક્યુમેન્ટ પર ક્લીક કરો

October 10, 2026
image-6.png
1min23

શારદીય નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા આરાધના અને વ્રત ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, સાથે સાથે નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર છે. હિન્દુ પંચાંગના જણાવ્યા અનુસાર, આસો સુદ એકમ તિથિથી શારદીય નવરાત્રી શરૂ થાય છે. નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીમાં નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

નવરાત્રી દરમિયાન ભક્તો નવદુર્ગાના નવ સ્વરૂપો – મા શૈલપુત્રીથી લઈને મા સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. દસમા દિવસે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થશે. સમાપન સમારોહ 20 ઓક્ટોબર, 2026 (મંગળવારે) વિજયાદશમી પર થશે. ચાલો જાણીએ નવરાત્રીના ઘાટ સ્થાપનની તિથિ અને શુભ મુહૂર્ત.

શારદીય નવરાત્રી 2026

પંચાગ મુજબ આસો સુદ તિથિ 10 ઓક્ટોબરે રાત્રે 9.18 વાગ્યાની આસપાસ શરૂ થશે અને 11 ઓક્ટોબરે રાત્રે 9.31 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર, નવરાત્રીનો પ્રથમ દિવસ 11 ઓક્ટોબરે જ માન્ય રહેશે. આ દિવસે ઘાટ સ્થાપવાની વિધિ છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરમાં કળશ સ્થાપિત કરીને દેવી ભગવતીની પૂજા શરૂ કરવામાં આવે છે. ભક્તો નવ દિવસ માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે.

શારદીય નવરાત્રી ઘાટ સ્થાપના શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, 11 ઓક્ટોબરના રોજ ઘટ સ્થાપનનો શુભ મુહૂર્ત સવારે 6:19 થી 10:12 વાગ્યા સુધી રહેશે. આ સિવાય તમે અભિજીત મુહૂર્તમાં સવારે 11:44 થી બપોરે 12:31 સુધી ઘટ સ્થાપના પણ કરી શકો છો. જો કે, વિવિધ શહેરોમાં સૂર્યોદય અને સ્થાનિક સમય વચ્ચેના તફાવતને કારણે, મુહૂર્તમાં થોડો ફેરફાર થઈ શકે છે.

શારદીય નવરાત્રી પૂજા વિધિ

નવરાત્રીના પહેલા દિવસે સવારે સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પૂજા સ્થાન સાફ કરો. ત્યારબાદ બાજોઠ પર લાલ અથવા પીળું આસન પાથરીને મા દુર્ગાની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરો. સૌ પ્રથમ, ભગવાન ગણેશનું ધ્યાન કરો અને પછી કળશ સ્થાપન કરો.

ઘટ સ્થાપન માટે માટી કે તાંબાનું કળશ લો. કળશની ફરતે લાલા નાનાછડી બાંધો. કળશમાં ગંગાજળ કે સ્વચ્છ પાણી ભરો અને તેમાં અક્ષત, સોપારી, સિક્કો, કુમકુમ, પુષ્પ અને દુર્વો નાખો. પછી કળશ પર આંબો અથવા આસોપાલવના 5 થી 7 પાન મૂકો. પછી લાલ કાપડ કે ચુંદડીમાં પલેટી શ્રીફળ મૂકો. હવે આ કળશને માતાજીની જમણી બાજુ સ્થાપિત કરો. ત્યારબાદ માતા દુર્ગાનું આહ્વાન કરો. કળશ પર કુમકુમથી ચાંલ્લો કરો, અક્ષત, સિંદૂર, ફુલ, માળા અર્પણ કરો. ઘટ સ્થાપન બાદ દિપક પ્રગટાવી માતાજીની આતરી કરો. પછી પ્રસાદમાં મીઠાઇ ફળ અને પાનનું બીડું અર્પણ કરો.

નવરાત્રીમાં પૂજા કર્યા બાદ દુર્ગા સપ્તશતી અથવા દેવીના મંત્રોનો પાઠ કરો. દરરોજ મા દુર્ગાની આરતી કરો અને તમારી શ્રદ્ધા અનુસાર વ્રત રાખો. નવરાત્રીના નવ દિવસ સાત્વિક ખોરાક ખાઓ અને માતાના નવ સ્વરૂપોની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે નવરાત્રીની આઠમ કે નોમ તિથિ પર કન્યા પૂજન અને હવન કરવાથી નવરાત્રીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે.

October 10, 2026
image-3-1280x960.png
1min18

જગવિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું અંબાજી યાત્રાધામ હવે માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને ભૌગોલિક ઓળખની દ્રષ્ટિએ પણ વૈશ્વિક નકશા પર વધુ મજબૂત બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા અંબાજી મંદિરના પરંપરાગત અને સ્વાદિષ્ટ મોહનથાળ પ્રસાદને જીઆઇ રજિસ્ટ્રી દ્વારા સત્તાવાર રીતે જીઆઇ ટેગ એનાયત કરવામાં આવ્યો છે. જેનું સર્ટિફ઼િકેટ પહેલા નોરતે આપવામાં આવશે. આ વિશેષ સિદ્ધિના કારણે હવે અંબાજીના મોહનથાળને રાષ્ટ્રીય સ્તરે એક વિશિષ્ટ કાયદાકીય સંરક્ષણ પ્રાપ્ત થયું છે, જે ગુજરાત માટે ગર્વની બાબત છે.

આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી સક્રિય અને પદ્ધતિસરની રજૂઆતો મુખ્ય આધાર રહી છે. આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીને ગંભીરતાથી લઇને જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ‘અંબાજી મોહનથાળ’ને ખાધ પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ સત્તાવાર જીઆઇ ટેગ પ્રદાન કરવામાં આવ્યો છે. સત્તાવાર દસ્તાવેજો અનુસાર આ મહત્વપૂર્ણ સર્ટિફિકેટ ગત પહેલી ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું છે, જેનાથી ભક્તોમાં ખુશીની લહેર છે.

આ જીઆઇ ટેગ મળવાની સાથે જ અંબાજીનો મોહનથાળ દેશના અત્યંત સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની હરોળમાં સામેલ સ્થાન પામી ગયો છે. અગાઉ દક્ષિણ ભારતના પ્રખ્યાત તિરુપતિ લાડુ અને પલાની પંચામૃતમ જેવા મર્યાદિત અને પવિત્ર પ્રસાદોને જ આ પ્રકારની વિશિષ્ટ ઓળખ મળી હતી, જેમાં હવે ઉત્તર ગુજરાતના અંબાજીના મોહનથાળનું નામ પણ જોડાઇ ગયું છે.

આ પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને તેની સદીઓ જૂની પરંપરાગત ઓળખ હવે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અકબંધ રહેશે. સિદ્ધિના આ ગૌરવવંતા અવસરે પવિત્ર નવરાત્રી પર્વના પ્રથમ નોરતે એટલે કે તા. 11 ઓક્ટોબરે અંબાજી દેવસ્થાન પરિસરમાં એક ભવ્ય અને વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ પોતાના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે

July 22, 2026
image-42.png
1min147

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે થયેલા કરાર (MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બેંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહિવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અટૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.

July 16, 2026
image-16-1280x854.png
1min218

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

June 23, 2026
image-16.png
1min235

જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.જોકે, અમરનાથ યાત્રા જતાં શ્રદ્ધાળુઓ માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.

જેમાં અમરનાથ યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓએ પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. કારણ કે વધુ ઉંચાઇ પર તમને પાણીની તરસ વધુ લાગી શકે છે. તેમજ થાક પણ લાગી શકે છે તેથી પાણી પાસે રાખવું હિતાવહ છે. આ ઉપરાંત જો તમે કોઇ સ્વાસ્થય સબંધી સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો દવા સાથે રાખવી જરૂરી છે.

આ ઉપરાંત પહાડી વિસ્તારમાં યાત્રા દરમિયાન શરીરમાં થાક લાગે છે. જેના લીધે સંભવિત રીતે માથાનો દુ:ખાવો, અને ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આવા સમયે સ્વસ્થ રહેવા માટે શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ.

આ ઉપરાંત પ્રાથમિક સારવાર કીટ, બેન્ડેઝ, પેઇન કીલર, અને હવામાન મુજબ જરૂરી કપડા સાથે રાખવા જરૂરી છે. જયારે યાત્રા દરમિયાન પહાડી પ્રદેશોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા જરૂરી છે.

જયારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા દરમિયાન ચહેરાને સૂર્યપ્રકાશ અને ઠંડા પવનથી બચાવવો જોઈએ. સૂર્ય પ્રકાશથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમજ આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ પહેરવા પણ હિતાવહ છે.

અમરનાથ યાત્રા દરમિયાન અનેક પડાવ આવે છે. તેમજ રાત્રી રોકાણ દરમિયાન અનેક વસ્તુઓની જરૂર પડે છે. તેથી સાથે હેડ લેમ્પ અથવા ફ્લેશ લાઇટ સાથે રાખવી જોઈએ. જે અંધારામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન સાથે ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો જેનાથી ઢોળાવ પર ચઢાણ સરળ બનશે.

આ લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથે ખાટી-મીઠા કેન્ડી, સૂકા ફળો, શેકેલા ચણા અને ચોકલેટ સાથે રાખવી હિતાવહ છે. આ દરમિયાન તમારી માટે મહત્વના એવા મોબાઈલ ફોન માટે ચાર્જર, પાવર બેંક અને નાણા સુરક્ષિત રાખવા માટે વોટર પ્રૂફ કવર સાથે રાખો.

આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને તેમના પ્રવાસ સમયપત્રકનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપી છે. તેમને નિયત કટ-ઓફ સમય પહેલાં કાશ્મીર તરફની તેમની યાત્રા શરૂ કરવા અને સુરક્ષા તપાસ હવામાન સંબંધિત વિલંબ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે. આ યાત્રા બે માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને પ્રમાણમાં ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

June 9, 2026
image-4.png
1min275

વર્ષ 2026માં બે ગ્રહણ લાગી ચૂક્યા છે અને હજુ બે ગ્રહણ લાગવાના બાકી છે. ચિંતાની વાત એ છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે હવે રક્ષાબંધન કેવી રીતે ઉજવાશે? રાખડી ક્યારે બાંધવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે?

જો તમારા મનમાં પણ આ તમામ મૂંઝવણો અને સવાલો હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. આ અહેવાલ વાંચીને તમે તમારી તમામ શંકાઓ દૂર કરી શકો છો. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ગ્રહણ કાળ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં નથી આવતું.

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે. બીજી તરફ વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થઈ જશે. આ ચંદ્રગ્રહણ દિવસે લાગી રહ્યું હોવાથી તે ભારતમાં નહીં દેખાશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં કોઈ જ અડચણ આવશે નહીં અને બહેનો કોઈપણ પ્રકારની બાધા વિના પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

આ વર્ષે 28 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:10 વાગ્યાથી 9:48 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રાહુકાળ શરૂ થતો હોવાથી તે સમયગાળામાં રાખડી બાંધવી અશુભ ફળ આપી શકે છે. બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 27 ઓગસ્ટ 2026ની સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026ની સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે.

May 10, 2026
image-4-1280x853.png
1min252

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રીરણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી જેઠ અધિક માસને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવ મનોરથોની ન્યોછાવર રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર કમિટીની જાહેરાત મુજબ, તારીખ અધિક માસ દરમિયાન તેમજ અન્ય ખાસ તિથિઓ પર ઉજવવામાં આવતા મનોરથો માટે ભક્તોએ નવી નિર્ધારિત રકમ ચૂકવવાની રહેશે. આ નવી યાદીમાં મનોરથની લાગણી રકમ અને સામગ્રી ખર્ચ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ ભક્તિ સેવાઓના દરમાં વધારો જોવા મળ્યો છે.

નવી દર યાદી મુજબ, કમળ મનોરથ અને કેરી મનોરથ (નિજમંદિર) માટે કુલ 12,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 7500 રૂપિયા લાગાની રકમ અને 5000 રૂપિયા સામગ્રી ખર્ચ છે. કુંજ મનોરથ, બગીચા મનોરથ, ફૂલ બંગલા અને ચિત્રહરણ મનોરથ માટે ભક્તોએ કુલ 16000 રૂપિયાની ન્યોછાવર આપવી પડશે. સૌથી વધુ રકમ તુલસી વિવાહ મનોરથ અને નંદમહોત્સવ મનોરથ માટે 56000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

આ ઉપરાંત, દર શુક્રવાર અને અગિયારસના દિવસે કુંજ મનોરથનો લાગો હવેથી 11000 રૂપિયા લેવામાં આવશે તેવી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર કમિટીએ મનોરથો માટેના કેટલાક કડક નિયમો પણ જાહેર કર્યા છે, જે મુજબ મનોરથનો સમય મર્યાદા વધુમાં વધુ ૪૫ મિનિટની જ રહેશે અને મનોરથી દ્વારા એક જ મનોરથ કરાવી શકાશે. શુક્રવાર અને અગિયારસ સિવાયના મનોરથો ગર્ભગૃહ કે ઘુમ્મટમાં કરવામાં આવશે તેમ મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

April 22, 2026
image-11.png
1min303

આજે 22/04/2026 સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું અને આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉદઘાટન સમયે હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પ્રાર્થના કરી હતી. મંદિર 22 એપ્રિલથી શરૂ થતા આગામી છ મહિના સુધી ખુલ્લું રહેશે.

કેદારનાથ ધામમાં ડોલી આવી ત્યારે લગભગ છ થી આઠ હજાર ભક્તો હાજર હતા. આખો વિસ્તાર “હર હર મહાદેવ” ના નારાથી ગુંજી ઉઠ્યો. ભક્તોએ બાબા કેદારનું ભવ્ય સ્વાગત કર્યું, જેનાથી શ્રદ્ધાથી ભરેલું વાતાવરણ સર્જાયું. બુધવારે સવારે મંદિરના દરવાજા ખુલ્યા બાદ, મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ.

ગયા વર્ષે, 23 ઓક્ટોબર, 2025 (ભાઈ બીજ) ના રોજ, શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. હવે, છ મહિનાથી વધુ સમય પછી, મંદિર ભક્તો માટે ફરી ખુલ્યું છે, જે ચારધામ યાત્રાના નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આજે, દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર, શ્રી કેદારનાથ ધામના દરવાજા બધા ભક્તો માટે યોગ્ય વિધિ સાથે ખોલવામાં આવ્યા છે. તેમણે ચારધામ યાત્રાને શ્રદ્ધા, એકતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો દિવ્ય ઉત્સવ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા સનાતન સંસ્કૃતિની ઊંડી ઝલક આપે છે. તેમણે ચારધામ યાત્રાના પ્રારંભ પર ભક્તોને પત્ર લખીને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. અંતે, તેમણે બાબા કેદારને પ્રાર્થના કરી કે તેઓ બધા યાત્રાળુઓને આશીર્વાદ આપે અને યાત્રાને શુભ બનાવે. હર હર મહાદેવ.

બીજી તરફ, બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નરસિંહ મંદિરથી, આદિ ગુરુ શંકરાચાર્યનું સિંહાસન અને ગરુડ ડોલી બદ્રીનાથ ધામ માટે રવાના થયા છે, જે યાત્રાની ધાર્મિક પરંપરાને આગળ ધપાવે છે.

આ વર્ષે, ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 20 એપ્રિલ સુધીમાં, 2.1 મિલિયનથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. આમાંથી, આશરે 700,000 લોકોએ કેદારનાથ માટે અને 600,000 લોકોએ બદ્રીનાથ માટે નોંધણી કરાવી છે.

April 6, 2026
chardham.jpg
1min244

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની ટૂંક જ સમયમા શરૂઆત થવાની છે. જેની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામથી શરૂ થશે. ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ બુધવારના રોજ અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે.

શ્રદ્ધાળુઓ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું અગાઉથી આયોજન કરે. જેમાં ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા તેના ટ્રેકિંગ રૂટને કારણે પડકારજનક છે. તેથી, સમયસર તૈયારી કરવી જરૂરી છે. ચાર ધામ યાત્રા માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ તેના મનમોહક દૃશ્યો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતા પ્રવાહો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત છે. ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાથી યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવાઓ, રૂટની માહિતી અને ધાર્મિક સ્થળોએ પ્રાથમિકતા પ્રાપ્તિનો લાભ મળે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.

આ ચારધામ યાત્રાનું બજેટ પ્રવાસીઓના પ્રવાસ કાર્યક્રમ અને તેમના દ્વારા પસંદ કરાયેલા પરિવહનના માધ્યમો પર આધાર રાખે છે. ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. આમાં સૌથી વધુ 3,41,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે. પ્રવાસન વિભાગે 6 માર્ચે યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. આજ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરવા માટે નોંધણી કરાવી છે.