ધનતેરસના સપરમા દહાડે ચાંદીમાં રૂ. 4432નો અને સોનામાં રૂ. 2677નો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂરાજકીય તણાવ સપાટી પર આવતા ક્રૂડ તેલની પુરવઠા સ્થિતિ પર માઠી અસર પડવાની ભીતિ સપાટી પર આવતા ક્રૂડ તેલના ભાવ ઘટ્યા મથાળેથી વધીને ફરી બેરલદીઠ 100 ડૉલર આસપાસની સપાટીએ પહોંચ્યાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી 0.3 ટકા અને ચાંદીના ભાવમાં 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવ ઘટી આવ્યા હતા. વધુમાં આજે સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવસ ધનતેરસના સપરમા દહાડે હાજરમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 4432 અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2666થી 2677નો ઘટાડો નોંધાતા રિટેલ સ્તરની માગ પ્રબળ રહેવાનો આશાવાદ જ્વેલરો સેવી રહ્યા હતા.
સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 42 પૈસાનો ઉછાળો આવ્યો હોવાથી હાજરમાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 2666 ઘટીને રૂ. 1,40,886 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2677 ઘટીને રૂ. 1,41,452ના મથાળે રહ્યા હતા.
જોકે, ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સોનામાં રોકાણકારોની રોકાણલક્ષી માગ ઉપરાંત રિટેલ સ્તરની જળવાઈ રહી હતી. તેમ જ આજે 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4432ના ઘટાડા સાથે રૂ. 1,82,868ના મથાળે રહ્યા હતા. જોકે આજે રિટેલ સ્તરની માગનો પણ ચમકારો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 4076.91 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 4088 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 52.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ તંગ નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે ગોલ્ડમેન સાશે વર્ષ 2026ના અંતે સોનાના વૈશ્વિક ભાવનો અંદાજ જે અગાઉ આૈંસદીઠ 4650 ડૉલરનો મૂક્યો હતો તે ઘટાડીને 4150 ડૉલરનો મૂક્યો હોવાના અહેવાલ હતા.
અમેરિકાની વચગાળાની ચૂંટણી પશ્ચાત્ અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ હળવો થતાં ક્રૂડ તેલના પુરવઠામાં સુધારો થવાના આશાવાદે એક તબક્કે વિશ્વ બજારમાં ભાવ ઘટીને બેરલદીઠ 95 ડૉલર સુધી પહોંચ્યા હતા, પરંતુ મધ્યપૂર્વની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આજે પુનઃ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ 100 ડૉલરની ઉપર પહોંચ્યા હોવાથી ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનાનો ભાવઘટાડો ક્રૂડ તેલ, ફુગાવો અને સોનાના ભાવ પારસ્પારિક સંબંધ દર્શાવે છે.
વધુમાં રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે બજારમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હતો. જોકે, રોજગારીના ડેટા નબળા આવે તેવી શક્યતા હોવાથી સોનાના સુધારાને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 64 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



