કીમ-પીપોદરા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ સંકટ, 15 હજારથી વધુ ઉદ્યોગકારો પરેશાન
66 કેવી સબસ્ટેશનો 75થી 80 ટકાથી વધુ ક્ષમતાએ કાર્યરત હોવાનો દાવો; રોજના બે-ત્રણ વખત વીજ ટ્રિપિંગથી ઉત્પાદનને નુકસાન, મુખ્યમંત્રીને રજૂઆત
સુરત જિલ્લાના માંગરોળ અને કામરેજ તાલુકાના કીમ, પીપોદરા, મોટા બોરસરા, કરંજ, કોસંબા, માંડવી, હથોડા, પાલોદ, નવી પારડી, લીંડિયાદ, સાયણ-મોલવણ, ઉંભેળ, પરબ અને સેવણી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાને કારણે ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ વીજ વિતરણ અને પુરવઠાની ક્ષમતામાં જરૂરી વધારો નહીં થવાથી નવા ઉદ્યોગોની સ્થાપના અને હાલના એકમોના વિસ્તરણ પર અસર પડી રહી હોવાની રજૂઆત કીમ-પીપોદરા વીવર્સ એસોસિએશને કરી છે.
કીમ પીપોદરા વીવર્સ એસોસિએશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયા, ઊર્જા સચિવ અશ્વિનીકુમારને પણ આવેદનપત્ર પાઠવીને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ પુરવઠાની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે. રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ-2026ને આવકારવાની સાથે કીમ પીપોદરા વીવર્સ એસોસિએશને જણાવ્યું છે કે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નવા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવો અનિવાર્ય છે.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સંબંધિત વિસ્તારોનાં 66 કેવી સબસ્ટેશનો લાંબા સમયથી તેમની ક્ષમતાના 75થી 80 ટકા કરતાં વધુ ભાર સાથે કાર્યરત છે. આ ઉપરાંત, અનેક ઔદ્યોગિક ફીડરો પર ભાર વધ્યો હોવાથી નવા વીજ જોડાણ માટે અરજીઓ સ્વીકાર્યા પછી પણ ફીડરમાં જગ્યા ન હોવાનાં કારણોસર જોડાણો સમયસર શરૂ થતાં નથી.
કીમ પીપોદરા વીવર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તારોમાં સ્થાપિત 15 હજારથી વધુ ઉદ્યોગકારોને પૂરતો અને સતત વીજ પુરવઠો મળતો નથી. રોજના બે-ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાતાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાય છે અને ઉદ્યોગોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
220 કેવી વેલંજા સબસ્ટેશન શરૂ કરવાની સમયમર્યાદા અંગે સવાલ
આવેદનપત્રમાં 220 કેવી વેલંજા સબસ્ટેશનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાની હાજરીમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન ગુજરાત ઊર્જા વિકાસ નિગમ, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને સંબંધિત સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓએ આ સબસ્ટેશન 31 ડિસેમ્બર, 2026 પહેલાં શરૂ કરવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં ઊર્જા સચિવ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઊર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત હોવાનું આવેદનમાં જણાવાયું છે. જોકે, સબસ્ટેશન ક્યારે શરૂ થશે તે અંગે અત્યાર સુધી સ્પષ્ટ અને આધારભૂત માહિતી મળી ન હોવાનું એસોસિએશને જણાવ્યું છે.
નવા 66 કેવી સબસ્ટેશનો માટે જમીન ફાળવવાની તૈયારી છતાં કામગીરી શરૂ નહીં
કીમ પીપોદરા વીવર્સ એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે ભૂતકાળમાં તત્કાલીન ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આ વિસ્તારમાં નવાં 66 કેવી સબસ્ટેશનોને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે પીપોદરા, લીંડિયાદ અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા વિનામૂલ્યે જમીન ફાળવવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં, કીમ અને કડોદરા વિભાગોમાં સંબંધિત કામગીરી આગળ વધી ન હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.
આ સમસ્યા અંગે છેલ્લા ચાર વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ગુજરાત ઊર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશન સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ આવ્યો નથી તેમજ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠક પણ યોજાઈ નથી, એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્વિચિંગ અને બ્રેકર સિસ્ટમ આધુનિક બનાવવાની માગ
વીજ પુરવઠાની ગુણવત્તા સુધારવા માટે એસોસિએશને કેટલાંક સૂચનો પણ રજૂ કર્યા છે. હાલનાં સબસ્ટેશનોમાં સ્વિચિંગ અને બ્રેકર સિસ્ટમ જૂની થઈ ગઈ હોવાથી તેને આધુનિક ટેકનોલોજી અનુસાર અપગ્રેડ કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત, એક બસબારમાંથી છ ઔદ્યોગિક ફીડરોને વીજ પુરવઠો આપવાને બદલે ચાર ફીડરોને જોડવાની વ્યવસ્થા કરવામાં આવે તો વીજદબાણમાં ઘટાડો અને વીજ પુરવઠામાં વિક્ષેપની સમસ્યા ઓછી થઈ શકે તેમ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત, 66 કેવી સબસ્ટેશનોનું સંચાલન વીજ વિતરણ કંપનીને સોંપવાથી પણ પુરવઠાની વ્યવસ્થામાં સુધારો થઈ શકે તેવું સૂચન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સમક્ષ સંકલન બેઠક યોજવાની માગ
કીમ-પીપોદરા વીવર્સ એસોસિએશને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે સંબંધિત ઔદ્યોગિક વિસ્તારોનો સર્વે કરાવીને દક્ષિણ ગુજરાત વીજ કંપની, ગુજરાત ઊર્જા ટ્રાન્સમિશન કોર્પોરેશન અને ઔદ્યોગિક એસોસિએશનના પ્રતિનિધિઓ વચ્ચે સંકલન બેઠક યોજવામાં આવે. આ બેઠકમાં રાજ્ય સરકારના પ્રતિનિધિને પણ ઉપસ્થિત રાખીને વીજ પુરવઠા, નવા સબસ્ટેશનો, ફીડરોની ક્ષમતા અને વેલંજા સબસ્ટેશનના પ્રશ્નોનું સમયબદ્ધ નિરાકરણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
કીમ પીપોદરા વીવર્સ એસોસિએશનના માનદ્ મંત્રી કિરણ ઠુમરે રજૂઆતમાં જણાવ્યું છે કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપવા માટે અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જરૂરી છે. તેથી આ પ્રશ્નને ગંભીરતાથી લઈને વહેલી તકે ઉકેલ લાવવા રાજ્ય સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



