CIA ALERT

PUC Validity Archives - Anant Post

November 20, 2026
image-15.png
1min17

દેશભરના વાહનચાલકો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUC) અંગે કેન્દ્ર સરકારે મહત્ત્વનો ફેરફાર કર્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા નિયમો જાહેર કરતાં BS-VI શ્રેણીનાં વાહનો માટે PUC સર્ટિફિકેટની માન્યતાની મુદત લંબાવી છે. આ નિર્ણયથી 6 વર્ષ સુધી જૂનાં ખાનગી BS-VI વાહનોના માલિકોને હવે દર છ મહિને કે દર વર્ષે PUC કઢાવવાની ઝંઝટમાંથી રાહત મળશે. આવા વાહનો માટે સર્ટિફિકેટની માન્યતા ત્રણ વર્ષ નક્કી કરવામાં આવી છે. 13 નવેમ્બરે જાહેરનામું બહાર પડ્યા બાદ આ નિયમો સમગ્ર દેશમાં અમલી બન્યા છે.

નવા નિયમો હેઠળ ખાનગી BS-VI વાહનોની ઉંમરના આધારે PUC સર્ટિફિકેટની માન્યતા નક્કી કરવામાં આવી છે. છ વર્ષ સુધી જૂનાં વાહનો માટે સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે છ વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વાહનોનું PUC દર વર્ષે રિન્યુ કરાવવું પડશે. 10 વર્ષથી વધુ જૂનાં ખાનગી BS-VI વાહનો માટે અગાઉની જેમ દર છ મહિને સર્ટિફિકેટ કઢાવવું ફરજિયાત રહેશે.

ખાનગી વાહનોની સાથે BS-VI માપદંડ ધરાવતા કોમર્શિયલ વાહનો માટે પણ PUC સર્ટિફિકેટની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વાહનો માટેની સમયમર્યાદા અલગ રાખવામાં આવી છે. છ વર્ષ સુધી જૂનાં કોમર્શિયલ BS-VI વાહનોનું PUC બે વર્ષ સુધી માન્ય રહેશે. છથી 10 વર્ષ જૂનાં વાહનો માટે દર વર્ષે સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે. જ્યારે 10 વર્ષથી વધુ જૂનાં કોમર્શિયલ વાહનો માટે દર છ મહિને PUC કઢાવવાનો નિયમ યથાવત્ રહેશે.

જૂના ઉત્સર્જન ધોરણો ધરાવતાં વાહનોને નવા નિયમોમાં કોઈ વધારાની રાહત આપવામાં આવી નથી. BS-I, BS-II અને BS-III શ્રેણીનાં વાહનો માટે PUC સર્ટિફિકેટની માન્યતા ત્રણ મહિના જ રહેશે. જ્યારે BS-IV વાહનો માટે આ સમયમર્યાદા છ મહિનાની રાખવામાં આવી છે. એટલે કે આ શ્રેણીનાં વાહનમાલિકોએ અગાઉની જેમ જ નિર્ધારિત સમયગાળામાં સર્ટિફિકેટ રિન્યુ કરાવવું પડશે.

નવા નિયમોમાં સર્ટિફિકેટ રિન્યુ કરાવવાની તારીખને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો વાહનમાલિક હાલના PUC સર્ટિફિકેટની મુદત પૂરી થવાના છેલ્લા 10 દિવસ દરમિયાન નવું સર્ટિફિકેટ કઢાવે છે, તો તેની નવી માન્યતા જૂના સર્ટિફિકેટની મુદત પૂરી થવાની તારીખથી ગણવામાં આવશે. બીજી તરફ, સર્ટિફિકેટની સમયમર્યાદા પૂરી થઈ ગયા બાદ રિન્યુ કરાવવામાં આવે તો નવા સર્ટિફિકેટની માન્યતા રિન્યુ કરાવ્યાના દિવસથી શરૂ થશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે મોટર વાહન અધિનિયમ, 1988 હેઠળ કેન્દ્રીય મોટર વાહન (16મો સુધારો) નિયમ, 2026 અંતર્ગત આ ફેરફાર કર્યો છે. રાજપત્રમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો અમલી બન્યા છે. જોકે, નિયમો લાગુ થયા પહેલાં જારી થયેલાં PUC સર્ટિફિકેટની મુદત આપમેળે વધારવામાં આવશે નહીં. વાહનમાલિકો જ્યારે નવા નિયમો અમલી બન્યા બાદ પહેલીવાર PUC સર્ટિફિકેટ રિન્યુ કરાવશે, ત્યારથી જ તેમને સુધારેલી સમયમર્યાદાનો લાભ મળશે. એટલે હાલનું સર્ટિફિકેટ જે તારીખે પૂરું થવાનું હોય તે તારીખ યથાવત્ રહેશે.