કાશીબા ગોટી ટ્રસ્ટના સરસ્વતીધામ નિર્માણ યજ્ઞના લાભાર્થે 1થી 9 જાન્યુઆરી સુધી રામકથા; પોથી તથા સંપૂર્ણ કથાના ખર્ચના યજમાન તરીકે લવજીભાઈ બાદશાહની પૂ. મોરારિબાપુએ કરી પસંદગી

સુરત, તા. 1 ઑક્ટોબર, 2026:
સુરતમાં 2028ના નૂતન વર્ષની શરૂઆત આધ્યાત્મિકતા, ભક્તિ અને સેવાયજ્ઞના સંગમ સાથે થશે. કાશીબા ગોટી ટ્રસ્ટના ઉપક્રમે રામાયણી સંત પૂ. શ્રી મોરારિબાપુની રામકથા તા. 1થી 9 જાન્યુઆરી, 2028 દરમિયાન યોજાશે. રામકથાના પોથી તથા સંપૂર્ણ ખર્ચના યજમાન તરીકે સુરતના જાણીતા ઉદ્યોગપતિ શ્રી લવજીભાઈ બાદશાહની પસંદગી ખુદ પૂ. મોરારિબાપુએ કરી છે.
આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી અંતરિયાળ, દુર્ગમ, પહાડી, સરહદી અને ગ્રામિણ વિસ્તારોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું સેવાકાર્ય ચાલી રહ્યું છે. શરૂઆતમાં 351 સરસ્વતીધામના નિર્માણનો સંકલ્પ કરવામાં આવ્યો હતો, જે હવે વધારીને 1008 સરસ્વતીધામ જનસંકલ્પ અભિયાન કરવાનો નિર્ણય લેવાયો છે.
અત્યાર સુધીમાં 265 સરસ્વતીધામો લોકસમર્પિત થઈ ચૂક્યાં છે, 35નું નિર્માણ પ્રગતિમાં છે અને 16 માટે પેપરવર્ક ચાલી રહ્યું છે. 344 ભવનો માટે સહયોગી દાતાશ્રીઓ જોડાયા છે. ટ્રસ્ટનું સેવાકાર્ય ગુજરાત સહિત દેશનાં 18 રાજ્યોમાં વિસ્તર્યું છે.
351 સરસ્વતીધામ સુધી ટ્રસ્ટ અને દાતાશ્રીઓ વચ્ચે 50-50 ટકા ખર્ચની ભાગીદારી હતી. હવે 352થી 1008 સુધીના તબક્કામાં સમગ્ર નિર્માણ ખર્ચ દાતાશ્રીઓ ઉઠાવશે, જેથી આ અભિયાન સમગ્ર સમાજના જનસંકલ્પનું સ્વરૂપ ધારણ કરે.
ટ્રસ્ટ દ્વારા શિક્ષા સાથી, કુપોષણ મુક્તિ અને વૈચારિક ક્રાંતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યાં છે. પૂ. મોરારિબાપુની રામકથા દ્વારા શિક્ષણ, સંસ્કાર, સેવાભાવ અને રાષ્ટ્રનિર્માણના આ સંકલ્પને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ થશે.



