કોલંબિયામાં બુધવારે 28/01/2026 સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક ‘કૅટટુમ્બો’ (Catatumbo) ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
સઘન શોધખોળ બાદ બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે. આ વિસ્તાર ઊબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ અંગે ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના સાથી કિંતેરો અને તેમની ટીમ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી. તપાસકર્તાઓ હવે મલબાની તપાસ કરી રહ્યા છે જેથી અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન તે જાણી શકાય.
કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. સરકારે મૃતકોના પરિજનોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.
તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.
ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો
મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.
યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ
સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.
એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત
એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.
ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે
ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.
આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે
આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.
આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.
ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર
વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.
ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.
યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે
યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
Iran protests : ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે.
જોકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલન વિદેશી ષડ્યંત્ર છે. સરકાર આંદોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે હિંસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી AP અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે જ્યારે 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે હિંસક આંદોલનોમાં 250થી વધુ પોલીસ જવાનો અને 45 જેટલા અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા છે. સત્તા વિરોધી દેખાવોમાં હિંસા વધતાં અમેરિકાના હસ્તક્ષેપની સંભાવના પણ વધી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી આપી રહ્યા છે કે જો ઈરાનમાં આંદોલન કરી રહેલા લોકોની હત્યા થઈ અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો. જે બાદથી ટ્રમ્પનો આત્મવિશ્વાસ વધી ગયો છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરો ઈરાનના સમર્થક હતા.
નોંધનીય છે કે અગાઉ 2022માં પણ ઈરાનમાં આ જ પ્રકારે દેશવ્યાપી આંદોલનો થયા હતા. 22 વર્ષની યુવતીએ હિજાબ ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઈરાનમાં ઠેર ઠેર હિંસક પ્રદર્શનો થયા હતા.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલો અનુસાર, 86 વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દળો અને સેના આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો હિંસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદાજે 20 જેટલા નજીકના સાથીદારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે. આ યાદીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.
દુનિયાની સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી ઊજવણી થઈ રહી હતી એવામાં સ્વિસ અલ્પાઈનમાં ક્રાન્સ-મોન્ટાના શહેરની સ્કી રિસોર્ટના બારમાં મધરાત પછી અચાનક જ આગ લાગ્યા પછી ભયાનક વિસ્ફોટ થતાં 47 લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. નવા વર્ષની ઊજવણી વચ્ચે શરૂઆતમાં આ વિસ્ફોટ કોઈ આતંકી હુમલો હોવાનું મનાતું હતું, પરંતુ સરકારે પાછળથી તેને નકારી કાઢ્યો હતો. આ દુર્ઘટના સ્વિટ્ઝર્લેન્ડના ઈતિહાસમાં સૌથી ભયાનક દુર્ઘટના બની રહી છે.
સ્વિટ્ઝર્લેન્ડના ક્રાન્સ-મોન્ટાના શહેરમાં બુધવારે Dated 31/12/2025 મોડી રાતે આંતરરાષ્ટ્રીય સ્કી અને ગોલ્ફ વેન્યુ તરીકે પ્રખ્યાત રિસોર્ટના લે કોન્સ્ટેલેશન બાર એન્ડ લાઉન્જમાં નવા વર્ષની ભવ્ય ઊજવણી થઈ રહી હતી. બારમાં ૧૫૦થી વધુ લોકો હાજર હતા. આ સમયે અચાનક જ બારની છતમાં આગ લાગી હતી અને જોત-જોતામાં છત તૂટી પડી હતી, જેને પગલે બારમાં બૂમરાણ મચી ગઈ હતી.
દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વાલિસ કેન્ટનમાં એક પોલીસ પ્રવક્તા ગૈટન લૈથિયને કહ્યું કે, બારમાં અજ્ઞાાત કારણોથતી વિસ્ફોટ થયો હતો. અનેક લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ અંદાજે ૧.૩૦થી ૨.૦૦ કલાકે લે કોન્સ્ટેલેશન બારમાં થયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક છે કે પીડિતોની ઓળખ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.
બારમાં આગ લાગતા વિવિધ દેશોમાંથી નવા વર્ષની ઊજવણી માટે રિસોર્ટમાં આવેલા પ્રવાસીઓની મદદ માટે હેલિકોપ્ટર્સ અને એમ્બ્યુલન્સર ઘટના સ્થળે દોડી ગયા હતા તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઘટના નજરે જોનારી બે મહિલાઓએ જણાવ્યું કે, આ ઘટના સમયે તેઓ બારની અંદર હતી. એક બારમેનને તેના ખભા પર બારમેઈડને લઈ જતા તેમણે જોયો હતો. બારમેઈડે એક બોટલમાં સળગતી મીણબત્તી પકડી રાખી હતી, જેનાથી લાકડાની છતમાં આગ લાગી હતી. આ આગ એકદમ ઝડપથી ફેલાઈ અને છત નીચે નવા વર્ષની ઊજવણી કરી રહેલા ટોળા પર તૂટી પડી હતી. નાઈટક્લબના બેઝમેન્ટમાં છત તૂટી પડતા લોકોએ સાંકડી સીડીઓ અને દરવાજામાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.
અન્ય એક સાક્ષીએ કહ્યું કે, લોકો આગથી બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ બારમાં નવા વર્ષની ઊજવણી કરનારા મોટા ભાગના યુવાનો હતા, જેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આગની દુર્ઘટના સમયે રિસોર્ટમાં ૧૫થી ૨૦ વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કેટલીક મિનિટોમાં જ ઉપરના માળ સુધી પહોંચી ગઈ.
સ્વિસ પોલીસ અને ફાયર બ્રિગેડે કહ્યું કે તેઓ સમાચાર મળતા જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં ભારે વિનાશ થઈ ગયો હતો. વિસ્તારને તાત્કાલિક સીલ કરી દેવાયો હતો અને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો હતો. અધિકારીઓએ કહ્યું કે, આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા અંગે ધરખમ ફેરફારો કરી રહ્યા છે. ગ્રીન કાર્ડ માટે લોટરી સિસ્ટમ બંધ કર્યા બાદ H-1B વર્ક વિઝા માટે લાંબા સમયથી ચાલતી લોટરી સિસ્ટમને સમાપ્ત કરવામાં આવી છે. લોટરી સિસ્ટમને બદલે સ્કિલ્ડ, ઉચ્ચ પગાર ધરાવતા વિદેશી વર્કર્સને વિઝા માટે પ્રાથમિકતા આપતી સીસ્ટમ લાગુ કરવામાં આવશે. આ ફેરફારને કારણે ભારતના નવા ટેક પ્રોફેશનલ્સને યુએસના વર્ક વિઝા મેળવવાનું વધુ મુશ્કેલ બની શકે છે.
યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા અનુસાર, નવી સિસ્ટમ 27 ફેબ્રુઆરી, 2026 થી લાગુ થશે, જે હેઠળ નાણાકીય વર્ષ 2027ની શરૂઆત બાદ વાર્ષિક ધોરણે અંદાજે 85,000 H-1B વિઝા ફાળવશે.
નિષ્ણાતોના જણવ્યા મુજબ ભારત અને ચીન જેવા દેશોના વર્કર્સ ઓછા પગાર પર યુએસ બેઝ્ડ કંપનીઓ માટે કામ કરવા તૈયાર થાતાં હતાં, જેને કારણે યુએસ કંપનીઓ વિદેશી વર્કર્સને નોકરી પર રાખવાને પ્રાથમિકતા આપતી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ સમય સાથે યુએસની ટેક કંપનીઓમાં ભારત અને ચીનના વર્કર્સની સંખ્યા ખુબ વધી ગઈ છે અને યુએસના લોકોની રોજગારી છીનવાઈ રહી છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર તેની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ સ્થાનિક વર્કર્સને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના જણાવ્યા મુજબ, યુએસના એપ્લોયર્સ H-1B વિઝા માટેની હાલની રેન્ડમ સિલેકશન પ્રોસેસનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ અમેરિકન વર્કર્સને ચૂકવવા પડે તેના કરતા ઓછા વેતન પર વિદેશી વર્કર્સને નોકરી પર રાખી રહ્યા છે.
નવા નિયમોની જાહેરાત સાથે પ્રેસ રિલીઝમાં એમ પણ જણાવવામાં આવ્યું કે નવા દરેક H-1B વિઝા માટે એમ્પ્લોયર્સને $1,00,000 ચૂકવવાની અગાઉની જાહેરાત લાગુ રહેશે.
નોંધનીય છે કે તાજેતરમાં રોડ્સ આઇલેન્ડ રાજ્યમાં આવેલી બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલી શૂટિંગની ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતાં અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(MIT)માં થયલા ગોળીબારમાં એક પ્રોફેસરનું મોત થયું હતું.
હુમલાખોરની ઓળખ ક્લાઉડિયો મેન્યુઅલ નેવ્સ વેલેન્ટે તરીકે થઇ હતી, તે વર્ષ 2017 માં ડાયવર્સિટી લોટરી ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ (DV1) મારફતે યુએસમાં પ્રવેશ્યો હતો અને લોટરી સીસ્ટમથી તેને ગ્રીન કાર્ડ મળ્યું હતું.
આ માહિતીને આદરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત કરી હતી, હવે H-1B વર્ક વિઝા માટે પણ લોટરી સીસ્ટમ બંધ કરી છે.
અમેરિકાએ સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈક શરૂ કર્યું છે. જેમાં 13 ડિસેમ્બરના રોજ પાલમાયરામાં અમેરિકન સૈનિકો અને એક દુભાષિયાની હત્યાના બાદ ટ્રમ્પના આદેશથી 70 થી વધુ સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે આ યુદ્ધની શરૂઆત નથી પરંતુ બદલો લેવાની કાર્યવાહી છે.
આ હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, સીરિયામાં આઈએસઆઈએસ દ્વારા બહાદુર અમેરિકન દેશભક્તોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હું જાહેરાત કરું છું કે અમેરિકા જવાબદાર ખૂની આતંકવાદીઓ સામે ખૂબ જ ગંભીર બદલો લેવાની કાર્યવાહી કરી રહ્યું છે. અમે સીરિયામાં આઈએસઆઈએસ ના ગઢમાં જોરદાર હુમલા કરી રહ્યા છીએ, જે સ્થળ લોહીથી રંગાયેલું અને સમસ્યાઓથી ભરેલું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, સીરિયાની સરકાર જેનું નેતૃત્વ એક એવું વ્યક્તિ કરી રહી છે જે સીરિયામાં મહાનતા પરત લાવવા ખુબ મહેનત કરી રહી છે. તેને અમેરિકાનું પૂર્ણ સમર્થન છે. તેમજ અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. જો તે અમેરિકા પર હુમલો કરે છે અથવા તો ધમકી આપે છે તો પહેલા કરતા જોરદાર હુમલા માટે તૈયાર રહે.
અમેરિકાના ઓપરેશન હોક આઈ સ્ટ્રાઈકનો હેતુ સીરિયામાં આઈએસઆઈએસને ખતમ કરવા અને અમેરિકન સૈનિકોને સુરક્ષિત રાખવાનો છે. જયારે અહેમદ અલ-શારાના નેતૃત્વ હેઠળની નવી સીરિયન સરકાર પણ અમેરિકાને ટેકો આપ્યો છે.
Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં આટલો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં વેકેશન સિઝનમાં વરસાદના કારણે ચિંતા વધી છે. ગયા વર્ષ 2024માં જ દુબઈ અને અબુ ધાબીમાં આવો જ વરસાદ જોવા મળ્યો હતો.
દુબઈમાં ભારે વરસાદ વચ્ચે બુર્જ ખલીફા પર વીજળી પણ પડી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.
દુબઈમાં ગુરુવાર રાતથી જ ભારે વરસાદ શરુ થઈ ગયો હતો. જ્યારે UAEના પાટનગર અબુધાબીમાં આખી રાત વાવાઝોડું આવ્યું. શુક્રવાર સવાર સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દુબઈમાં તમામ સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા હતા. અબુધાબીમાં પણ તંત્રએ સૂચના આપી હતી કે બપોરે 2 વાગ્યા સુધી જરૂરી કામ ન હોય તો સૌ કોઈ ઘરે જ રહો.
ભારે વરસાદમાં ભારતના એક યુવકનું દુ:ખદ મૃત્યુ પણ થયું છે. રાસ અલ ખૈમાહમાં દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષના સલમાન ફરીઝનું નિધન થયું છે. સલમાન કેરળના મલ્લપુરમનો વતની હતો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર સલમાન કેફેમાં કામ કરતો હતો અને રાત્રિના 3 વાગ્યે ઓર્ડર ડિલિવર કરવા માટે ગયો હતો. જોકે ભારે વરસાદના કારણે બાઇક બંધ પડી જતાં તેણે મેનેજરને ફોન કર્યો. જે બાદ એક નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી થતાં સલમાનનું નિધન થયું.
સાવચેતીના ભાગરૂપે બીચ, પાર્ક અને પર્યટન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના અનેક ફ્લાઇટ્સ રદ થતાં ક્રિસમસ વેકેશનમાં ઘરે જતાં લોકો હેરાન પરેશાન થયા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દુબઈ જેવા શહેરોમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી રહી છે. એપ્રિલ 2024માં જ આ જ પ્રકારે અતિભારે વરસાદ વરસતાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.
ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં Dated 19/12/25 શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.
વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી
સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.
બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.
કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.
નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.
ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હનુક્કાહની ઉજવણી પર હમાસ સ્ટાઇલનો હુમલો અને હનુક્કાહ તહેવારનું દિવાળી સાથેનું કનેક્શન દર્શાવતું ચિત્ર.
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર યહૂદીઓના તહેવાર વખતે અજાણ્યા બંદૂકધારીઓ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના કારણે દુનિયાભરની નજર ઓસ્ટ્રેલિયા પર કેન્દ્રિત થઈ છે. અહીં સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે બંદૂકધારીએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 લોકોનો મોત થયાં હોવાના પણ સમાચાર છે.
આ ફાયરિંગ કોઈ સામાન્ય પાર્ટીમાં નહીં પરંતુ યહૂદી સમુદાયના સૌથી મોટા તહેવાર હનુક્કાહની ઉજવણી વખતે કરવામાં આવ્યું હતું. હનુક્કાહને યહૂદી સમુદાય લોકોની ‘દિવાળી’ કહેવામાં આવે છે. હનુક્કાહનું કનેક્શન આપણી દિવાળી જેવું કંઈક છે. દિવાળી સાથે કનેક્શનની સાથે ફાયરિંગ અંગેની વિગતવાર વાત જાણીએ.
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓના મનોબળને તોડવા માટે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો હમાસ સ્ટાઈલ તરીકે જોવામાં આવી રહી છે, જેમ ઇઝરાયલમાં ‘નોવા ફેસ્ટિવલ’ પર હુમલો કરવામાં આવ્યો હતો. એ જ રીતે હનુક્કાહની પાર્ટી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.
આ ફાયરિંગનો મૂળ હેતુ લોકોને મારવાનો નહીં, પરંતુ યહૂદી સમુદાયના લોકોનું મનોબળ તોડવાનો છે, કારણ કે હનુક્કાહને પ્રકાશનો તહેવાર કહેવાય છે. દિવાળીના માફક. જોકે, હુમલાખોરોએ આજે ફાયરિંગ કરીને આતંકની સાથે અંધકાર ફેલાવવનો પ્રયત્ન કર્યો છે. નિર્દોષ લોકોને નિશાન બનાવી તેમની ખુશીઓ છીનવી લેવાનો હિંસક પ્રયાસ કર્યો છે.
હનુક્કાહને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. યહૂદી ધર્મનો આ તહેવાર 8 દિવસ સુધી ચાલતો સૌથી મોટો ઉત્સવ છે. હિબ્રુ ભાષામાં હાનુકાનો અર્થ ‘સમર્પણ’ થાય છે. તહેવારનો ઇતિહાસ 2200 વર્ષ જૂનો હોવાનું પણ કહેવા છે.
વિગતે જાણીએ તો બીજી સદી ઇ.સ. પૂર્વે યરુશલમ પર ગ્રીકો-સીરિયન શાસકોનો કબજો હતો, જેમણે યહૂદી ધર્મના પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. યહૂદીઓના એક વિદ્રોહી સમૂહે જેને મકાબી નામે ઓળખાતો તેણે પોતાના ધર્મ અને મંદિરનું રક્ષણ કરવા માટે યુદ્ધ કર્યું તેમાં ઐતિહાસિક જીત મેળવી હતી.
આ સાથે મકાબિઓને યુદ્ધ જીતીને પોતાના મંદિરો પાછા લીધા અને અહીં મેનોરા જળાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની પાસે માત્ર એક જ દિવસ ચાલે એટલું તેલ વધ્યું હતું. આ દરમિયાન ચમત્કાર એવો થયો કે, આ તેલ આઠ દિવસ સુધી ચાલ્યું હતું.
આ ચમત્કારને યાદ કરતા યહૂદી લોકો આઠ દિવસ સુધી આ તહેવાર મનાવે છે, જેમાં દરરોજ એક મીણબત્તી જળાવવામાં આવે છે. જેમ હિંદૂ ધર્મમાં દિવાળીને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે, તેમ હનુક્કાહને પણ પ્રકાશનું પર્વ કહેવાય છે.
એટલે બંને મૂળ તો પ્રકાશનો તહેવાર છે. આપણે કાર્તિક અમાસે દીવા પ્રજ્વલીત કરીને ઘરને રોશન કરીએ છીએ, જ્યારે યહૂદીઓ શિયાળાની સૌથી લાંબી અને સૌથી અંધારી રાત દરમિયાન ‘મેનોરા’, એક ખાસ દીવો પણ પ્રગટાવે છે. બંનેએ ધર્મમાં અંધકારને પરાજય અને પ્રકાશની જીતનો મહિમા છે.
પશ્ચિમિ દેશો હનુક્કાહને યહુદીઓની નાતાલ માને છે યહૂદીઓનો આ તહેવાર ક્રિસમસથી એકમદ અલગ છે. આમ તો ક્રિસમસ અને હનુક્કાહ મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં આવે છે. ખાસ કીરને પશ્ચિમના દેશોમાં હનુક્કાહને યહુદીઓના યહૂદી નાતાલ તરીકે માનવામાં આવે છે. હનુક્કાહની તારીખે યહૂદીઓના કેલેન્ડર પ્રમાણે આવે છે.
આ કેલેન્ડ ચંદ્ર પર આધારિત હોય છે. કેટલીક વખત હનુક્કાહનો તહેવાર નવેમ્બર મહિનામાં પણ આવતો હોય છે. મળતી જાણકારી પ્રમાણે યહૂદીઓ માટે યોમ કિપ્પુર અથવા રોશ હશનાહ ધાર્મિક રીતે વધુ મહત્વપૂર્ણ દિવસો છે, પરંતુ સાંસ્કૃતિક રીતે હનુક્કાહ ખૂબ જ લોકપ્રિય મનાય છે.
ભારતમાં જેમ દિવાળીમાં આખો પરિવાર સાથે મળીને તહેવાર ઉજવે છે તેવી રીતે હનુક્કાહમાં યહૂદી પરિવાર પણ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરી છે.
ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.
એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’
રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..
પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.
અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”
ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’
નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.