Indiaએ T/20 સિરીઝમાં New Zealandને પછાડ્યું, અભિષેક સામે ન્યુઝીલેન્ડના બોલરો લાચાર

ટી-20 આંતરરાષ્ટ્રીયના વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (113 રન, 38 બૉલ, પંચાવન મિનિટ, અગિયાર છગ્ગા, નવ ચોગ્ગા)એ 27/10/2026, મંગળવારે ન્યૂ ઝીલૅન્ડની ટીમને સિરીઝની ત્રીજી મૅચમાં આતશબાજીનું અસલ રૂપ બતાવ્યું, કિવી બોલરો તથા ફીલ્ડરોને થકવી નાખ્યા હતા અને જોરદાર ફટકાબાજીથી ભારતને જીતનો પાયો નાખી આપ્યા પછી વિકેટ ગુમાવી ત્યારે કિવીઓ તેની વિકેટ સેલિબ્રેટ કરવાની પણ હાલતમાં નહોતા! તેમનામાં અભિષેકની વિકેટનો ખાસ કંઈ ઉત્સાહ નહોતો જોવા મળ્યો.
ભારતે આ ત્રીજી મૅચ પણ જીતી લીધી અને શ્રેણીમાં વિજયની હૅટ-ટ્રિક નોંધાવી હતી. એટલું જ નહીં, કિવીલૅન્ડ પર ભારતનો આ લાગલગાટ ત્રીજો શ્રેણી-વિજય છે એટલે ટીમ ઇન્ડિયાએ બે હૅટ-ટ્રિકનો જૅકપૉટ માણ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડે 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રન બનાવ્યા પછી ભારતે 13.2 ઓવરમાં ચાર વિકેટે 199 રન બનાવીને (40 બૉલ તથા છ વિકેટ બાકી રાખીને) વિજય મેળવ્યો હતો. અભિષેકને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ભારતે 2020માં ન્યૂ ઝીલૅન્ડને એની જ ધરતી પર 5-0થી અને 2022માં 1-0થી હરાવ્યું હતું. મંગળવારની મૅચમાં મુખ્ય બે પેસ બોલર મૅટ હેન્રી અને લૉકી ફર્ગ્યુસન વિના ન્યૂ ઝીલૅન્ડનું બોલિંગ-આક્રમણ નબળું હતું જેનો અભિષેકે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને જોરદાર ફટકાબાજીથી બૉલ મેદાનમાં ચારેકોર મોકલ્યો હતો. તેના 11 છગ્ગાને કિવી ફીલ્ડરો ઊંચે જોતા રહી ગયા હતા અને નવ ચોગ્ગા વખતે બાઉન્ડરી લાઇન સુધી દોડવા છતાં બૉલ રોકી નહોતા શક્યા. એ તો ઠીક, પણ સામા છેડે ઊભેલો વૈભવ સૂર્યવંશી (45 રન, 19 બૉલ, 36 મિનિટ, ચાર છગ્ગા, ચાર ચોગ્ગા) પણ જોતો રહી ગયો હતો.
બીજી રીતે કહીએ તો અભિષેકની આતશબાજી સામે આઇપીએલ-2026નો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન વૈભવ ઝાંખો પડી ગયો હતો. સ્વાભાવિક રીતે વેલિંગ્ટનમાં કિવીઓની ટીમ તરફી વધુ ક્રાઉડ હતું અને તેમણે પણ અનિચ્છાએ અભિષેકની આતશબાજી જોવી પડી હતી. આ અગાઉ વેલિંગ્ટનમાં કિવીઓ સામે ભારત બે ટી-20 હાર્યું હતું અને ફક્ત સુપરઓવરવાળી મૅચમાં જીત્યું હતું, પણ મંગળવારે ભારતે શાનથી વિજય મેળવ્યો.
અભિષેક-વૈભવે કિવી પેસ બોલર જૅકબ ડફીની ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં 26 રન ઝૂડી કાઢ્યા હતા અને ભારતનો વિજય બહુ દૂર ન હોવાનો સંકેત આપી દીધો હતો. બીજી ઓવર ફાસ્ટ બોલર ઍડમ મિલ્ને કરી હતી જેમાં 17 રન, ઑફ-સ્પિનર માઇકલ બે્રસવેલની ત્રીજી ઓવરમાં 21 રન અને પેસ બોલર કાઇલ જૅમીસનની ચોથી ઓવરમાં 20 રન બનતાં કૅપ્ટન મિચલ સૅન્ટનરના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ હતી. વેલિંગ્ટનની પિચ દિલ્હીના ફિરોજશા કોટલા અને હૈદરાબાદના ઉપ્પલ સ્ટેડિયમ જેવી ફ્લૅટ થઈ ગઈ હતી. અભિષેક અને વૈભવ વારંવાર ફ્રન્ટ-ફૂટ પર આવીને બૉલને ઑફ-સાઇડ પર મોકલતા હતા અથવા અક્રોસ ધ લાઇન રમીને બૉલને લેગ-સાઇડ પર ધકેલતા હતા.
શિવભક્ત’ અભિષેકે 15 બૉલમાં હાફ સેન્ચુરી અને 35 બૉલમાં ચોથી ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી પૂરી કરી હતી અને મેડિટેશનની ફેમસ સ્ટાઇલમાં મેદાન પર પલાઠી વાળીને બેસી ગયો હતો અને ફરી એક વખત ઓમ નમઃ શિવાય…’ના શ્લોક સાથે મહાદેવનો આભાર માન્યો હતો.
ન્યૂ ઝીલૅન્ડના છ બોલરમાં જૅકબ ડફી (2-0-44-0), ઍડમ મિલ્ન (2-0-33-0), માઇકલ બે્રસવેલ (2-0-36-0), કાઇલ જૅમીસન (3.2-0-45-2), મિચલ સૅન્ટનર (3-0-17-1) અને મૅથ્યૂ ફિશર (1-0-23-1)નો સમાવેશ હતો. આ છ બોલરની હાજરીમાં ભારતે (પાંચ ઓવરમાં) ફાસ્ટેસ્ટ 100 રનનો તેમ જ પાવરપ્લેમાં સૌથી વધુ 118 રનનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. વેસ્ટપૅક ટ્રસ્ટ સ્ટેડિયમમાં ઉપસ્થિત પ્રેક્ષકો અભિષેક-વૈભવના હાથે માત્ર સાત ઓવરમાં બનેલી 133 રનની ભાગીદારી કરી નહીં ભૂલે. આ ભાગીદારી તૂટી ત્યાં સુધીમાં ટીમ ઇન્ડિયા પરથી જીતનો મોટા ભાગનો ભાર દૂર થઈ ગયો હતો. અંતિમ પળોમાં શ્રેયસ (પાંચ રન) અને સૅમસન (18 રન)એ વિકેટ ગુમાવી હતી, પણ એ પહેલાં ટીમ ઇન્ડિયા વિજયની નજીક પહોંચી ગઈ હોવાથી ટીમના બે નવા મૅચ-ફિનિશરો તિલક વર્મા (એક અણનમ) અને નમન ધીર (એક ચોગ્ગા સહિત ચાર અણનમ)ની જોડીએ ટીમને વિજય અપાવી દીધો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now



