Cricket ઇતિહાસમાં વન-ડે મેચમાં સેકન્ડ હાઇએસ્ટ રનચેઝ કરીને શ્રીલંકાએ ઇંગ્લેન્ડને પછાડ્યું

ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકે વનડે ક્રિકેટની સૌથી ઝડપી બેવડી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હોવા છતાં શ્રીલંકાના બેટ્સમેનોની આક્રમક બેટિંગ સામે ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. રાવલપિંડી ખાતે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની રોમાંચક મેચમાં શ્રીલંકાએ ઇંગ્લેન્ડ સામે 430 રનનો મોટો લક્ષ્યાંક 2 વિકેટ બાકી રાખીને પાર કરી લીધો હતો. વનડે ક્રિકેટના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ નોંધાયો છે.
ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા હેરી બ્રૂકની માત્ર 116 બોલમાં 202 રનની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં 4 વિકેટે 429 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બ્રૂકે માત્ર 114 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરીને શુભમન ગિલનો રેકોર્ડ તોડ્યો હતો. જવાબમાં શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને 24 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, પવન રત્નાયકેના 106 બોલમાં 130 રન, અવિષ્કા ફર્નાન્ડોના 97 રન અને દાસુન શનાકાના માત્ર 50 બોલમાં 97 રનની તોફાની ઇનિંગ્સના બળે શ્રીલંકા મેચમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.
છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 7 રન જોઈતા હતા ત્યારે મેચ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગઈ હતી. જોકે, જનિથ લિયાનાગેએ 27 બોલમાં અણનમ 61 રન બનાવીને છેલ્લી ક્ષણોમાં લોંગ-ઓફ પર સિક્સર ફટકારી ટીમને 1 બોલ બાકી રાખીને યાદગાર વિજય અપાવ્યો હતો. વનડે ક્રિકેટમાં સૌથી મોટા સફળ રન ચેઝનો ઓલ-ટાઇમ રેકોર્ડ સાઉથ આફ્રિકાના નામે (438/9 વિ. ઓસ્ટ્રેલિયા, 2006) નોંધાયેલો છે, જ્યારે શ્રીલંકાએ 430 રન ચેઝ કરીને વનડે ઇતિહાસમાં બીજો સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now




